• બુધવાર, 25 માર્ચ, 2026

ગાંધીધામના બેંકકર્મીએ ગ્રાહકોના રૂા. 40.14 લાખના દાગીના તફડાવ્યા

ગાંધીધામ, તા. 24 : શહેરના બેન્કિંગ સર્કલમાં આવેલી એક બેંકમાં ગોલ્ડ લોન લેવા આવતા લોકોના દાગીનાની ચકાસણી અને મૂલ્યાંકન કરનારા શખ્સે ગ્રાહકોના દાગીનામાંથી સોનું કાઢી તેમાં નકલી માલ ચોટાડી રૂા. 40,14,638ની ચોરી કરી બેંક સાથે છેતરપિંડી કરતાં તેની સામે ગુનો દાખલ થયો હતો. શહેરના બેન્કિંગ સર્કલમાં પ્લોટ નંબર 340, વોર્ડ-12-બી, કૈલાસ માનસ બિલ્ડિંગમાં આવેલી ફેડરલ બેંકમાં ગત તા. 1/3/2025થી 9/1/2026 દરમ્યાન આ કાંડ આચરવામાં આવ્યું હતું. બેંકમાં ગોલ્ડ લોન લેવા આવતા ગ્રાહકોના સોનાની ચકાસણી, મૂલ્યાંકન માટે બેંકે ફોબોસ ગોલ્ડ ટેક્નોલોજી પ્રા. લિમિટેડ કંપની સાથે કરાર કર્યો હતો. આ ફોબોસ ગોલ્ડ કંપનીએ ફેડરલ બેંક માટે શિણાય આર. કે. ટાઉનશિપમાં રહેતા વિરેન વિનોદચંદ્ર પાટણિયાની નિમણૂક કરી હતી, ત્યારથી આ શખ્સ ફેડરલ બેંકમાં આવીને ગ્રાહકોના દાગીનાની ચકાસણી, મૂલ્યાંકન કરતો હતો. દરમ્યાન ગત તા. 10/1/2026ના ફોબોસ ગોલ્ડ કંપનીએ તેને અચાનક કાઢી મૂક્યો હતો. બાદમાં ફેબ્રુઆરી 2026માં માથકના શંભુ દેવદાન ડાંગર ગોલ્ડ લોનના દાગીના છોડાવવા આવતાં તેમણે બેંકમાં જમા કરાવેલા ઈયરિંગ્સ (કાનની બુટ્ટી)ના સ્ટોપર્સ (પેચ) ખોટા હોવાનું બહાર આવ્યું હતું. બેંકના મેનેજર એવા ફરિયાદી અંકુર કિરીટકુમાર મોદીએ 2025ના સી.સી.ટી.વી. કેમેરા તપાસ કરતાં વિરેન પાટણિયા દાગીના તપાસતી વખતે તેમાંથી સોનાનું પેચ કાઢી ખિસ્સામાં નાખી તથા પેન્ટના ખિસ્સામાંથી ખોટું પેચ કાઢી તેમાં નાખતો હોવાનું જણાયું હતું, જેથી આ શખ્સને બેંકમાં બોલાવતાં પોતાનાથી ભૂલ થઈ હોવાનું કહી થોડા-થોડા કરીને પૈસા ચૂકવી આપવા અંગે તેણે લખાણ કરી આપ્યું હતું.  બાદમાં અન્ય ગ્રાહકોએ આવીને પેચ ખોટા હોવાની ફરિયાદો કરી હતી. દરમ્યાન બેંકમાં રહેલા 253 સોનાના દાગીનાનું ઓડિટ કરાવવામાં આવ્યું હતું, જેમાં 298 પેકેટમાં રહેલા ઈયરિંગ્સના સ્ટોપર્સ (પેચ) કાઢી તેમાં નકલી પેચ લગાવાયા હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સે એક વર્ષ દરમ્યાન રૂા. 40,14,638ના 283 ગ્રામ પેચની ચોરી કરી બેંક સાથે વિશ્વાસઘાત, છેતરાપિંડી કરતાં તેની સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd