ભુજ, તા. 14 : મૂળ
ભુજના વતની, લો કમિશનના પૂર્વ સભ્ય, દિગ્ગજ કાયદાવિદ્ પ્રભાકરભાઇ જાદવરાય ધોળકિયાનું આજે અમદાવાદ ખાતે અવસાન થતાં
કચ્છ અને અમદાવાદ કચ્છી સમાજે માર્ગદર્શક ગુમાવ્યા છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા
ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી પ્રભાકરભાઇએ ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તથા રાજ્ય
સરકારના કાયદા સચિવ જેવા મહત્ત્વના પદ પર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી લોકપ્રિય બન્યા હતા.
નિવૃત્તિ બાદ પણ રાજ્ય સરકારે અનેક કાનૂની બાબતોમાં તેમનું માર્ગદર્શન મેળવ્યું હતું.
વડતાલ સ્વામિનારાયણ મંદિર સંદર્ભે પણ રાજ્ય સરકારનું તેમણે કાયદાકીય માર્ગદર્શન કર્યું
હતું. નિવૃત્તિ બાદ તેમણે ટોરેન્ટ પાવર કન્ઝુમર ફોરમના ચેરમેન, સરદાર સરોવર નિગમના કાયદાકીય સલાહકાર રહ્યા હતા. જીપીએસસીની ઇન્ટરવ્યૂ કમિટીમાં
પણ તેઓ સભ્ય હતા. ઉલ્લેખનીય છે કે, પ્રભાકરભાઇના ભાઇ અને કચ્છના
વરિષ્ઠ ધારાશાત્રી રત્નાકરભાઇ ધોળકિયાનું બરોબર એક મહિના પહેલાં ભુજ ખાતે અવસાન થયું
છે. પ્રભાકરભાઇ નિવૃત્તિ બાદ સદ્વિચાર પરિવાર
સહિતની અનેક સંસ્થાઓ, કચ્છી સમાજ અમદાવાદમાં પણ સક્રિય
રહ્યા હતા. તેઓ ભુજના પૂર્વ તાલુકા વિકાસ અધિકારી રમેશભાઇ માંકડના જમાઇ હતા. ભુજ વડનગરા
નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળના પ્રમુખ અતુલ મહેતાએ સમસ્ત જ્ઞાતિજનો વતી શ્રદ્ધાંજલિ
આપી હતી.