• રવિવાર, 15 નવેમ્બર, 2026

કાશ્મીર, હિમાચલમાં હિમવર્ષા; ઠંડી જામવાની આશા

શ્રીનગર, તા. 14 : પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાનાં કારણે દેશનાં અનેક રાજ્યોના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં હિમવર્ષા થવા સાથે વરસાદ પણ વરસ્યો હતો. બરફવર્ષાની અસર શરૂ થવાથી દેશના અન્ય ભાગોમાં ઠંડી જામવાની આશા ભારતીય જનજીવનમાં બંધાવા માંડી છે. બરફવર્ષા થયા બાદ વિશાળ સંખ્યામાં સહેલાણી સમુદાય મનાલી પહોંચી રહ્યો હોવાથી ચંદીગઢ-મનાલી ધોરીમાર્ગ પર ટ્રાફિકજામ થતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. બીજી તરફ, ઉત્તરાખંડના સાત જિલ્લામાં આજે વરસાદ અને બરફવર્ષાનું એલર્ટ જારી કરાયું હતું. કાશ્મીરમાં હિમવર્ષાથી રસ્તા પર બરફના ઢગલા ખડકાઈ ગયા હતા. ગુલમર્ગ અને સોનમર્ગમાં બેથી ત્રણ ઈંચ સુધી બરફની શ્વેત ચાદર પથરાઈ ગઈ હતી, તો ગંદરબાલ, કુપવાડા, બાંદીપોરા, શોપિયાં તેમજ કઠુઆના ઊંચાણવાળા પહાડી ભાગોમાં પણ આજે બરફવર્ષા થઈ હતી. ભારે બરફવર્ષાનાં કારણે પૂંચ અને કાશ્મીરને જોડતા મુગલરોડને અસ્થાયી રૂપે બંધ કરી દેવાની ફરજ પડી હતી. કાશ્મીર અને હિમાચલની હિમવર્ષાની અસર મધ્યપ્રદેશમાં પણ થવા માંડી છે. ભોપાલ, ઈંદોર સહિત 20 શહેરોમાં રાતના પારો 15 ડિગ્રીથી નીચે રહ્યો હતો. બીજી તરફ, રાજસ્થાનના 10થી વધુ જિલ્લામાં આજે અને આવતીકાલે રવિવારે વરસાદનું એલર્ટ જારી કરાયું હતું શ્રીગંગાનગરમાં શનિવારની સવારે હળવો વરસાદ થયો હતો. માઉન્ટ આબુમાં 11 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડી રાત રહી હતી. આ વખતે અલ નીનોની અસરથી ઠંડી જોઈએ તેટલી નહીં જામે તેવાં એંધાણ વચ્ચે ઉત્તર ભારતીય રાજ્યોમાં બે દિવસથી થવા માંડેલી બરફવર્ષાએ ઠાર જામવાની આશા બંધાવી છે. હવામાનમાં ઠંડીની તરફેણ કરતા બદલાવ વચ્ચે દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણથી રાહત નથી મળી. દિલ્હીમાં શનિવારની સવારે આઈટીઓમાં વાયુ ગુણવત્તા આંક 414 નોંધાયો હતો, જે ખતરનાક શ્રેણીમાં લેખાય છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd