• રવિવાર, 08 નવેમ્બર, 2026

શુભ-લાભનો ઉજાસ

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : શુભં કરોતુ કલ્યાણં, આરોગ્ય ધનંસંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે... પ્રકાશપર્વનાં આગમન સાથે જ મંગળ વિચારો ફરી વળે છે. દીપોત્સવી પર્વ જ એવું અનોખું છે જે સમગ્ર સૃષ્ટિમાં આનંદ ભરી દે છે. ઉમંગનું અજવાળું દિલો-દિમાગમાં છવાઇ જાય છે. આ તહેવાર મનાવવા પાછળની જુદી-જુદી કથાઓ છે, ભાવના છે, પણ દરેકનો મર્મ એક જ છે. અંધકાર પર પ્રકાશનો વિજય, અસત્ય પર સત્યની જીત, સદાચારની જીત. દિવાળીનું બીજું એક ઊજળું પાસું છે ઋતુચક્ર. કાળઝાળ ઉનાળા અને તે પછી વરસાદી ઋતુ અને ભાદરવાના તાપ સાથે આવેલી બીમારીઓથી પરેશાન આપણને સૌને શરદ ઋતુનાં આગમનથી રાહત મળે છે. દિવાળીના દિવસોમાં નહીં ગરમી, નહીં ઠંડી જેવું વાતાવરણ હોય છે અને આરોગ્યદાયી શિયાળો એ પછી ધીમી ગતિએ પ્રવેશે છે. સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ સર્જવામાં આ પર્વનો અમૂલ્ય ફાળો છે. વળી, દીપોત્સવી તહેવાર સર્વે દુ:ખ, પીડા, ગ્લાનિ, મતભેદ ભૂલીને ઊજવવાનો અવસર છે. પ્રકાશપર્વને તહેવારોનો રાજા અમસ્તો નથી કહેવાયો. તેનાં આગમન માત્રથી ઉમંગ-ઉત્સાહનો સંચાર થાય છે. રાજમહેલોથી માંડીને નાની ઝૂંપડી સુધી દીપકોનો ઝગમગાટ જોવા મળે છે. અલબત્ત, આજે તહેવારની ઉજવણીનો - સંદર્ભ બદલાયો છે. `તારક મહેતા'ના ભીડે - માસ્તરની જેમ હમારે જમાને મેંની વાત કરીએ તો બે - અઢી દાયકા પહેલાં સુધી કળી ચૂના કે ડિસ્ટેમ્પરનું મહત્ત્વ હતું. ગળી નાખેલો ચૂનો ઘરમાં અનેરી સુગંધ ભરી દેતો. ફટાકડા 20-25 રૂપિયામાં તો ખાસ્સા એવા આવી જતા. ભુજમાં જૂની શાકમાર્કેટ પાસે અને શરાફ બજારમાં હોઝિયરી અને કટલેરીની દુકાનો પખવાડિયા માટે ફટાકડા બજારમાં ફેરવાઇ જાય. તે જોવા અમસ્તા-અમસ્તા પસાર થવાનીય મજા આવતી ચાંદલિયા, ટોટી કે સાપની ગોળીથી ફટાકડા ફોડવાનું શરૂ થાય. શેરમાંથી લાવિંગિયા છૂટા કરીને ફોડવાના. કલાકો સુધી ચાલે. વણફૂટેલા કે વાટ વગરના ફટાકડા ભેગા કરીને તેમાંથીય જુદી જાતનો આનંદ લેવાનો. રોકેટ અને બીજી રમતો દિવાળીના મુખ્ય દિવસે જ ફૂટે. એ દિવસોનું સ્મરણ કરતાં જ ભુજના સાંકડા ફળિયા-મહોલ્લાની ગંધકની ગમતીલી ગંધ આજે પણ મહેસૂસ કરી શકાય. ફટાકડાની ખરીદી હવે હજારોમાં હોય છે. કારની પાછલી સીટ અને ડેકી ભરીને ફટાકડા ખરીદાય-ફોડાય છે. કચ્છની દિવાળી અનોખી હોય છે. છેક રાજાશાહી વખતથી ચાલી આવતી કેટલીક પરંપરા આજે પણ યથાવત્ છે. કચ્છની લોકસંસ્કૃતિની વિશેષતા એ છે કે, અહીં તહેવારો માત્ર ધાર્મિક ઉત્સવો બનીને રહેતા નથી, પરંતુ તે લોકજીવન, પરંપરા, સામાજિક વ્યવહાર, ખેતીવાડી, પશુપાલન, કૌટુંબિક સંબંધો અને પ્રકૃતિ સાથેના અનુબંધનું જીવંત પ્રતાબિંબ બની રહે છે. દિવાળી એટલે દીપોત્સવ, પરંતુ કચ્છમાં દિવાળીની ઉજવણીને જોઈએ તો તેમાં ગુજરાતના અન્ય પ્રદેશોની સરખામણીએ કેટલીક આગવી લોકપરંપરાઓ, રિવાજો અને લોકમાન્યતાઓ જોવા મળે છે. ખાસ કરીને કચ્છનાં ગામડાંઓમાં દિવાળી સાથે જોડાયેલી પરંપરાઓમાં કચ્છીયતની અનોખી સુગંધ અનુભવાય છે. કચ્છની દિવાળીને સમજવા માટે માત્ર લક્ષ્મીપૂજન કે દીવડાંની રોશની પૂરતાં નથી. આસો વદ અમાસથી શરૂ થઈને કારતક સુદના દિવસો સુધી ચાલતી લોકઉજવણી, પશુધન પ્રત્યેનો આદર, નવાં વર્ષનાં વધામણાં, લોકમેળાવડા અને પરંપરાગત ભોજન જેવી બાબતોને પણ સાથે જોવી પડે. કચ્છની કેટલીક અદકેરી પરંપરાઓ જોઇએ તો ભુજમાં મંગળા આરતી અને સામૂહિક આતશબાજી, અગાઉ કમાંગર તરીકે ઓળખાતા ચિત્રકારો ઘેર-ઘેર જઈ શુભ ચિહ્નો દોરતાં હતાં, વિશિષ્ટ પ્રથા તરીકે `શકન' આપવાની પરંપરા. મુસ્લિમ કુંભારો ઘેર-ઘેર નમક આપી શકન કરાવે છે. આ પરંપરા આજે પણ જીવંત છે. બેસતાં વર્ષ નિમિત્તે જ્ઞાતિમિલન અને કોલોનીના રહેવાસીઓનું સ્નેહમિલન યોજાય છે. અગાઉ વડીલો અને દેવસ્થાને પગે લાગવા જતી વખતે નાળિયેર અને સાકર લઇ જતા. ભુજમાં કાળીચૌદસની ઉજવણી સાથે જોડાયેલી એક રસપ્રદ પારિવારિક પરંપરા નોંધપાત્ર છે. આ દિવસે કુળદેવી અથવા માતાજીને વિશિષ્ટ નૈવેદ્ય ધરાવવામાં આવે છે. આ નૈવેદ્ય તૈયાર કરવામાં પરિવારની મહિલાઓ વહેલી સવારથી જોડાય છે. શુભ મુહૂર્તે પૂજનવિધિ કરવામાં આવે છે.   દીપોત્સવમાં દીવડાં પ્રગટાવવાની પરંપરા સર્વત્ર છે, પરંતુ ગુજરાતના જૂનાં લોકજીવનમાં `મેરાયું' નામની એક વિશિષ્ટ પ્રથા પણ  નોંધાયેલી છે.  મેરાયું એટલે શેરડીના સાંઠા અને નાળિયેરનાં છોતરાંમાંથી બનાવવામાં આવતી મશાલ જેવી લાકડી. જૂની લોકપરંપરામાં બાળકો મેરાયું લઈને ઘેરઘેર જઈ તેલ એકત્ર કરતા. એ જ રીતે તે વર્ષે લગ્ન થયેલા નવદંપતી એકબીજાના મેરાયાંમાં ઘી પૂરતા હોવાની પ્રથા પણ નોંધાયેલી છે. કેટલીક જગ્યાએ નવજાત બાળકને લઈને પરિવારજનો મેરાયું સાથે સગાસંબંધીઓને ત્યાં જતા. આ બધું આજે ભલે ટકી રહ્યું છે, પણ શહેરોમાં કે આધુનિક વિચારસરણીમાં તેનું અનુસરણ નહીંવત થાય છે. આજની જેન-ઝી કે જેન આલ્ફાને કદાચ એવું લાગે કે આ બધાની શું જરૂર ? પણ તેમને કહેવું છે કે, આવી પરંપરાઓ પ્રકાશનાં પર્વને માત્ર ઘરની સજાવટ પૂરતો મર્યાદિત રાખવાને બદલે સામાજિક સંબંધો અને સામૂહિક સહભાગિતાનો ઉત્સવ  બનાવે છે. કચ્છના વેપારી વર્ગમાં દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન અને ચોપડાપૂજનનું વિશેષ મહત્ત્વ છે. વેપારીઓ પોતાનાં ધંધા-રોજગારના હિસાબી ચોપડાનું પૂજન કરે છે. નવા હિસાબી વર્ષ માટે શુભ શરૂઆતની  પ્રાર્થના  કરવામાં આવે છે. દુકાનો, પેઢીઓ અને કારખાનાંઓમાં દીપ પ્રાગટય સાથે પૂજન થાય છે. વેપાર-વણજમાં સમૃદ્ધિ, પ્રામાણિકતા અને સતત પ્રગતિની મનોકામના વ્યક્ત કરવામાં આવે છે. આ પરંપરા કચ્છના વેપારી સ્વભાવ અને ઉદ્યમશીલતાની સાક્ષી પણ છે.  દિવાળી આનંદ-ઉલ્લાસ કરવાની સાથે બીજાઓનાં ઘરમાંય થોડી ખુશી પહોંચાડવાનો પ્રસંગ છે. કોઇ ગરીબ-શ્રમજીવી બાળકોને થોડા ફટાકડા, કપડાં કે મીઠાઈ અપાવી જુઓ. તેના ચહેરાનો આનંદ તમને માનસિક સંતોષ આપશે. દિવાળી આત્મપ્રકાશનો તહેવાર છે. ગણેશ અને લક્ષ્મીનું પૂજન કરીએ ત્યારે પ્રાર્થન એવી થવી જોઇએ કે, સમૃદ્ધિ બધાય દરવાજા સુધી પહોંચે.  આપણા ઘરના કોડિયાનો પ્રકાશ અંધકારમાં ઉજાસનો અહેસાસ કરાવે એ દિવાળીનું તાત્પર્ય છે.  અને છેલ્લે ફટાકડા ફડફડ ફૂટે નીપ જલાવી નાખે દિવાળી, જૂનું ઝેર ઢાવી નવાં વર્ષને લાવે દિવાળી.... દઈને સૌને શુભ દીપાવલિ અને એડવાન્સમાં સાલ મુબારક.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd