• મંગળવાર, 10 નવેમ્બર, 2026

પ્રાકૃતિક સંસાધનોના કરકસરથી ઉપયોગનો સંકલ્પ લઇએ

તંત્રી સ્થાનેથી.. દીપક માંકડ

અંધકાર તરફથી પ્રકાશ તરફની ગતિ એટલે જ દીપોત્સવ. વિક્રમ સંવત 2082ની વિદાય અને નૂતન વર્ષના આરંભના અવસરે કચ્છમિત્રના સર્વે વાચકોને શુભકામના સાથે આવનારું વર્ષ મંગલકારી નીવડે એવી પ્રાર્થના... બદલાતા સમયની અસર તહેવારો-ઉત્સવો ઉપરે અનુભવાય છે. વીતેલું વર્ષ કચ્છ અને સમગ્ર રાષ્ટ્ર માટે કઠિન રહ્યું. ગ્લોબલ વોર્મિંગની સીધી અસર હેઠળ કચ્છ સહિત ગુજરાતના કેટલાક જિલ્લામાં દુષ્કાળ પડયો. યુક્રેન યુદ્ધ, અખાત યુદ્ધે દુનિયાના વ્યવહારો ખોરવી નાખ્યા છે. ચોમેર મંદી, હિંસા, મોંઘવારી, યુવાઓમાં અસંતોષ, ટ્રમ્પ જેવા શાસકના અવિચારીપણાએ પરિસ્થિતિ ઓર જટિલ બનાવી છે. આવા સમયે દિવાળી જેવું પર્વ લોકોને બે ઘડી દુ:ખ-દર્દ ભૂલવાની તક આપે છે અને આવતું વર્ષ સારું જશે એવી મનમાં નવી ઉમ્મીદ-અપેક્ષા જગાવે છે. 

ઇશ્વરને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે, વિદાય લેતાં વર્ષની સાથે તમામ કઠણાઇઓનો પણ અસ્ત થાય, યુદ્ધોનો અંત આવે, પ્રકૃતિ શાંત રહે અને ઉમંગ, ઉત્સાહભરી નવી સવાર ઊગે જે કચ્છ, ગુજરાત અને દેશની પ્રગતિનો રાહ આસાન બનાવે અને લોકોને સરળ-સુખમય જીવન પ્રદાન થાય. 

દુષ્કાળનો પડકાર 

કચ્છ હંમેશાં પાણીતરસ્યો પ્રદેશ રહ્યો છે. જિલ્લામાં વરસાદ નજીવો થતાં જળાશયો ખાલી પડયાં છે. ખેડૂતો, પશુપાલકોની સ્થિતિ ખરાબ છે. ઔદ્યોગિક વિકાસ સાથે આનુષંગિક રોજગારીની તકોનું નિર્માણ થયું છે, તેમ છતાં ચોમાસું વીંખાય એટલે ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારીનો પ્રશ્ન તો ઉદ્ભવે જ. ગુજરાત સરકારે દુકાળની કરેલી જાહેરાતથી તકલીફ સહન કરવાનું પીઠબળ મળશે એમ કહી શકાય. નર્મદાનાં સિંચાઇનાં નીર અને વધારાનાં પાણીનાં આયોજનોએ મોટી ધરપત આપી છે એ ખરું, પરંતુ કચ્છના સુખ-દુ:ખનો, આજીવિકાનો, વ્યવસાયનો, ખેતી-પશુપાલનનો સઘળો મદાર વરસાદ ઉપર જ રહે છે.

વીતેલું ચોમાસું દગો દઇ ગયું એટલે સપરમા દિવસોમાંય વાસ્તવિક સ્થિતિની ચિંતા કરવી જરૂરી જણાય છે. 2001ના ધરતીકંપ પછીના ગાળામાં વરસાદની અનિયમિતતા ઓછી થઇ છે. ક્યારેક પાંચ-સાત વર્ષ નિરંતર મેઘમહેર અનુભવાઇ, પણ એ વચ્ચે કેટલાક ચોમાસા કોરાધાકોર કે વેરવિખેર રહે ત્યારે કચ્છની કઠણાઇ બેસે છે. આ વખતે ગ્લોબલ વોર્મિંગજન્ય અલ નીનો પરિબળે આપણા જિલ્લા ઉપરાંત ગુજરાત અને દેશને ભારે નુકસાન પહોંચાડયું છે. ગુજરાત અને ભારતમાં ચોમાસું સાતત્યવિહોણુ રહ્યું. બિહાર, પૂવોત્તર રાજ્યો, હિમાલયન રાજ્યો, ઓરિસ્સા તરફ અનરાધાર વરસાદ થયો, પણ બાકીના ભાગોમાં અવકૃપા રહી. વળી જ્યાં ભરપૂર વરસાદ થયો ત્યાં ખેતી, જળાશયોનો સોથ વળી ગયો કેમ કે, આભ ફાટયું હોય એટલી જળરાશિ એકસાથે વરસે એ નુકસાન જ કરે... જમીનનું ધોવાણ, પુલ-રસ્તા નષ્ટ થવા, જળાશયો તૂટવાં, ભૂસ્ખલન જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ ચિંતા જગાવી ગયું. 

હવામાન નિષ્ણાતોએ એવી ચેતવણી આપી છે કે, ચોમાસું જેવું-તેવું ગયા પછીએ મુશ્કેલીઓનો અંત નથી. શિયાળા દરમ્યાન પણ ઠંડી ઓછી રહેશે, ગરમીનું અસામાન્ય પ્રમાણ પ્રકૃતિ, આબોહવા ઉપરાંત અનાજની પેદાશ માટે પણ પ્રતિકૂળ રહેવાની ભીતિ છે. 

પાણી બચાવીએ 

કોઇ માને કે ન માને આ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરનારા આપણે જ છીએ. પગ પર કુહાડો મારવા જેવો તાલ છે. અપાર ભૌતિક વિકાસ, સુખ-સુવિધા, ડિજિટલ ક્રાંતિની મોટી કિંમત ચૂકવવાનું ટાણું આવી ગયું છે. એકતરફ ડિજિટલાઇઝેશનનું ગૌરવ લઇ રહ્યા છીએ, પણ એ બધો ભાર કુદરતી સંસાધનો ઉપર જ આવવાનો તેનું શું. ડેટા સેન્ટરો મબલખ પાણી વાપરે છે, ઉદ્યોગો પાતાળનાં પાણી ઉલેચે છે, પાણીના સીમિત સ્રોત ઉપર ભારે દબાણ ઊભું થયું છે. 

કચ્છ હોય કે દેશનો અન્ય કોઇ પ્રદેશ, વિકાસની ગતિ હવે રોકાવાની નથી. જરૂર છે પ્રાકૃતિક સંસાધનોના શિસ્તબદ્ધ ઉપયોગનું વ્યવસ્થાપન ગોઠવવાનું. એ માટે આપણે સૌએ પોતાની આદતો બદલવી પડશે. અગાઉના અનુભવમાંથી બોધપાઠ લઇને જીવનશૈલીમાં બદલાવ લાવવો પડશે. 

ઈઝરાયલી પેટર્નની જરૂર 

ઘરમાં, મકાનોમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ફરજિયાત કરવી રહી. દરેક નાગરિક સંકલ્પ લઇને પાણીનો વેડફાટ બંધ કરે તોય ઘણો ફાયદો થાય... ખેતી-બાગાયતમાં ઇઝરાયલી પેટર્ન અપનાવીને ફાયદો મેળવી શકાય. જળાશયોની સંગ્રહશક્તિ પણ વધારવાની જરૂર છે. કેટલાક વર્ષોથી ચાલતી કૂવા રિચાર્જની ઝુંબેશ સઘન બનશે તો પાતાળનાં ઉલેચાતાં પાણીની અમુક અંશે ભરપાઈ થશે. ગ્લોબલ કચ્છ-કચ્છમિત્ર દ્વારા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના સહયોગથી ભૂખી નદી પુનર્જીવન પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રકલ્પ મહત્ત્વાકાંક્ષી છે. ઇશ્વર કરે ને આ નવાં વર્ષમાં ચોમાસું સોળ આની રહે ત્યારે  જળપલ્લવિત ભૂખી નદી એ સમગ્ર વિસ્તાર માટે ચમત્કારિક પરિણામદાયી નીવડશે. માત્ર ભૂખી જ શા માટે ? એ રીતે બધી નદીઓને સાફ-સફાઇ કરીને પાણીદાર બનાવાય તો  જે-તે વિસ્તારને ફાયદો થશે. 

ધોળાવીરાનું દૃષ્ટાંત 

પાણીના સંચય માટે કચ્છે હવે ક્રાંતિકારી પહેલ કરવાની આવશ્યકતા છે. આ માત્ર કચ્છનો જ પ્રશ્ન નથી, ગુજરાત, દેશ અને દુનિયામાં આ હાલત છે. ગ્લોબલ વોર્મિંગ સહિતની બાબતોને લીધે આવનારા સમયમાં સ્થિતિ વણસતી જ જવાની... જૂના જમાનાથી ભારતમાં એવી પદ્ધતિઓ અપનાવાઇ હતી, જેમાં ચોમાસાના ચાર મહિનાનું પાણી સંઘરી લઇને વર્ષભર ઉપયોગમાં લેવાતું. દેશના અનેક ભાગોમાં આજે પણ આ પદ્ધતિ છે. અરે, પાંચ હજાર વર્ષ પૂર્વેની સિંધુ સભ્યતામાંય જળસંચયની અદ્ભુત વ્યવસ્થાના ચિહ્નો ધોળાવીરા ખાતે જોવા મળ્યાં છે. કચ્છમાં સુખપર, માનકૂવા તથા પટેલ ચોવીસીના અમુક ગામોમાંય જળસંચયની જાગૃતિ જોવા મળે જ છે ને? એને કેમ બધા ન અનુસરે ? 

કચ્છનું ખમીર, કસદાર ભૂમિ, પાણીદાર પશુઓનો વૈભવ ટકાવવો હોય તો નૂતન વર્ષે પ્રાકૃતિક સંસાધનોનો કરકસરથી ઉપયોગ કરવાનો સંકલ્પ લઇએ. આવનારી પેઢી માટે આટલું તો કરી જ શકીએ. 

સૌને નૂતન વર્ષાભિનંદન !

Ram Katha

Vyapar Utsav

Panchang

dd