• રવિવાર, 15 નવેમ્બર, 2026

પીછાણા પાસે જીપકાર હડફેટે બાઈક સવાર બાળકી, યુવાનનાં મોતથી અરેરાટી

ખેડોઈ પાસે અજાણી ટ્રકની ટક્કરથી છકડો પલટતાં એકનું મૃત્યુ : ચારને ઈજા

ગાંધીધામ, તા. 14 : રાપર તાલુકામાં સુરસરથી પીછાણા જતા માર્ગ ઉપર પૂરઝડપે આવતી બોલેરો ગાડીએ મોટરસાઈકલને  હડફેટે લીધી હતી, જેમાં બાઈક ઉપર સવાર અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કુલદીપ માદેવાભાઈ ઝાલા (ઉ.વ. 26) અને નયનાબેન કાનાભાઈ ચાવડા (ઉ.વ. 9)નું બનાવ સ્થળે મૃત્યુ થતાં ગમગીની પ્રસરી હતી. અંજાર તાલુકાના ખેડોઈ પાસે છકડોરિક્ષા પલટી મારી જતાં ઈજાગ્રસ્ત સંજય ગોવિંદગર  બાવાજી (ઉ.વ. 35)નું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ચારને ઈજા પહોંચી હતી. પોલીસ સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અકસ્માતનો આ બનાવ સુરસરથી પીછાણા જતા રોડ ઉપર નારણભાઈ સોમાભાઈ રબારીના ખેતર પાસે ગત તા. 13/11ના 4.45 વાગ્યાના અરસામાં બન્યો હતો. બોલેરો ગાડી નં. જીજે-08-ડીડી-4047ના ચાલકે પૂરઝડપે તથા બેદરકારી અને ગફલતભરી રીતે પોતાનું વાહન ચલાવીને  મોટરસાઈકલ નં. જીજે-39-કે-1966ને હડફેટે લીધી હતી. દરમ્યાન કુલદીપસિંહ તેમજ નયનાબેનને માથા તથા ચહેરા તેમજ પગના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં બંને જણે આંખો મીંચી લીધી હતી. આ બનાવ અંગે મૃતક કુલદીપસિંહના ભાઈ મેહુલભાઈ માદેવાભાઈ ઝાલાની ફરિયાદના આધારે પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માર્ગ અકસ્માતનો વધુ એક બનાવ ખેડોઈ ગામની નદી પાસે ધોરીમાર્ગ ઉપર ગત તા. 13/11ના સવારે 7.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. અજાણ્યા ટ્રકચાલકે ટાટા કંપનીના છકડા નં જીજે-12-બીડબલ્યુ-2271વાળાને પાછળથી ટક્કર મારી હતી, જેમાં સંજય બાવાજીને માથાના ભાગે  તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેમનું મૃત્યુ થયું હતું, જ્યારે વાહનમાં સાથે બેઠેલા પ્રદીપગિરિ હરેશગિરિ ગુંસાઈ, શૈલેષગર નરોત્તમગર ગુંસાઈ, ગુલામશા મામદશા શેખ, દિનેશભાઈ મોહનભાઈ ઠક્કરને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તો  ચાંદ્રોડામાં ગોગા મહારાજના મંદિરે જતા પદયાત્રિકોની સેવા માટે ગયા હતા. સેવાકેમ્પમાં સેવા આપ્યા બાદ પરત ફરતી વખતે તેમને અકસ્માત નડયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd