• રવિવાર, 15 નવેમ્બર, 2026

મર્યા પાછળ `દાડો', જીવંત વડીલોની શતાયુ વંદના કરી

વેકરાના રવજી બાપાને 100 વર્ષ થતાં આખાય ગામને સાથે રાખી પિંડોરિયા પરિવારે વિશિષ્ટ ઉજવણી કરી; સામાજિક પ્રેરણાનું ઉદાહરણ

વસંત પટેલ દ્વારા

કેરા (તા. ભુજ), તા. 14 : કયાંક કયાંક એવું પણ જોવા મળે  વૃદ્ધ વડિલો મૌન થતા જાય, અવગણના ઉપેક્ષા ફાંસની જેમ કણશે... પણ એક ઘટના એવી પણ ધ્યાનમાં આવી કે, વેકરા ગામના રવજી બાપાને 100 વર્ષ પૂર્ણ થતાં દેશ-વિદેશ રહેતો સમગ્ર પરિવાર વતન આવી જીવંત શતાયુને વંદના કરી, મર્યા પછી `દાડો' ભલે કરો પણ જીવતા માવતરના દિવસોને અવસર પણ બનાવો આવી સામાજીક પ્રેરણા પિંડોરિયા પરિવારે સર્જી ખારા સમંદરમાં મીઠી વીરડી વહેતી કરી હતી. 100 વર્ષના પરદાદાને હેપી બર્થ ડે કરવા પાંચ મહિનાની પ્રપૌત્રી દેવીકા પણ જોડાઇ અને ઝેન-જી, આલ્ફા, આલ્ફા પ્લસ, કિશોર, યુવાન, આધેડ સભ્યો પણ માવતરના શ્રેષ્ઠ કર્તૃત્વને નતમસ્તક થયા, વાત છે વેકરા ગામના પિંડોરિયા પરિવારની કે જેણે આખાય ગામને સાથે રાખી રવજી બાપાની સદીને મેન ઓફ ધ મેચ ટ્રોફી અર્પણ કરી, પુત્રો શામજીભાઇ, હિરજીભાઇ, કેશરાભાઇ, ખીમજીભાઇ, પુત્રી રાધાબેન કલ્યાણ રાબડિયા પોતે જીવનની અર્ધસદી કરી ચૂકયા છે તેમના મનમાં માવતરો પ્રત્યે અપાર હેત-ભાવ હોય તે સ્વાભાવિક છે એવા ઘણાં પરિવારો છે કે, જે સહસા માવિત્રોનું માન રાખે છે સેવા કરે છે એ સામાન્ય ઘટના છે પણ ઘરના વડિલને 100 વર્ષ થાય તેની સૌ સાથે મળી લગ્ન, સગાઇ જેવા ઊમંગથી ઉજવણી કરે તે વર્તમાન સમયે પ્રેરક ઘટના ઘણી શકાય તેમાંય દેશ-વિદેશ રહેતા તમામ સભ્યો આવે, પિતાનું પૂજન, આરતી, પાદપ્રક્ષાલન, તિલક-ચાંદલો, હાર, ઠાકોરજીને અન્નકૂટની જેમ સ્વહસ્તે ભાવતા ભોજનિયા કરાવે ત્યારે જીવનનો થાક ઉતરી જાય આ પરિવારના માતા અમરબેન 94 વર્ષે સ્વર્ગ સિધાવ્યા તે પહેલાં વડિલ દંપતિનું પૂજન દર વર્ષે કરાતું રહ્યું. ઉલ્લેખનીય છે કે, આ રવજી બાપાની પાંચ પેઢી હયાત છે તેમાં બધા મળીને 70 જણનો પરિવાર છે. કચ્છના જાણીતા શિક્ષણવિદ્ કેશરાભાઇ પિંડોરિયાનું કહેવું છે કે, એક બાજુ સ્વસ્થ જીવનનો શતાયુ સંદેશ છે તો સંગઠનની શરૂઆત પરિવારથી થાય છે. વડિલોની માન-મર્યાદા માત્ર એક દિવસ નહીં પણ સમગ્ર જીવન દરમ્યાન તેમને યોગ્ય સમય આપવો એ મુખ્ય છે. સેવા કરૂણાનો પ્રારંભ  ઘરથી થવો જોઇએ. રવજી બાપાની આંખમાં આંસુ છે જ્યારે ગામમાં જૂજ પરિવારો સંતાનોને માંડ સાતમું ધોરણ ભણાવતા ત્યારે ખેતમજૂરી કરી શિક્ષણનો રાહ ચીંધ્યો માતા અમરબેન કોઇ પણ અન્યાય સામે ખૂમારીથી લડયા અને અક્ષુણ સંસ્કારનો વારસો આપ્યો. સાસરે વરાવેલી નિયાણીઓએ આવી અને પરનાના કે પરદાદાની વંદના કરી. સંત, સપૂતો અને ખૂદ ઇશ્વરને દંડવત જરૂર કરીએ પણ ઘરના `િહરો'ને કયારેય ન ભૂલીએ આવા અદ્ભુત સામાજીક સંદેશાને જીવંત કરનારા પિંડોરિયા પરિવારની પ્રેરક પહેલને વંદના સહ અભિનંદન.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd