ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ
રિવિઝન (એસઆઇઆર) સામે અત્યાર સુધી માત્ર વિરોધી પક્ષોને વિરોધ હતો, હવે આ સૂરમાં ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો
સૂર પણ ભળ્યો છે. મુખ્યપ્રધાન યોગીનો દાવો છે કે, ઉત્તર પ્રદેશની
મતદારયાદીઓમાંથી 1.27 કરોડ હિન્દુ મતદારનાં નામ કાઢી નાખવામાં આવ્યાં
છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીપંચનો સંપર્ક સાધી ફરિયાદ કરી છે કે, રાજ્યમાં મુસ્લિમ મતદારોની સંખ્યા 1.65 ટકા
વધી છે તથા 1.26 કરોડ
હિન્દુનાં નામ આ યાદીમાંથી ગાયબ થઈ ગયાં છે. એસઆઇઆર વિશેના વિરોધ પક્ષના કાગારોળને
દુપ્રચાર ગણાવતાં યોગીએ કહ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં
મુસ્લિમ મતદારોની સંખ્યા વધી હોવાથી અખિલેશ યાદવ હવે એસઆઇઆરનો વિરોધ પણ નહીં કરે અને
તે પાછી ખેંચવાની માંગ પણ નહીં કરે. છેલ્લા કેટલાક મહિનાઓથી એસઆઇઆરને લઈને સર્વોચ્ચ
અદાલત તરફથી સતત થઈ રહેલી ટિપ્પણી, વિરોધ પક્ષો તથા વિદ્યાર્થી
સંગઠનો દ્વારા થઈ રહેલો દેશવ્યાપી વિરોધ તથા સામાન્ય નાગરિકોનાં મનમાં નિર્માણ થઈ રહેલી
શંકા જોતાં ચૂંટણીપંચે મતદારયાદીમાં જેમનું નામ નથી એવા મતદારોને અંતિમ યાદીમાં સ્થાન
મળે એ માટે સાત રાજ્યમાંના મતદારો માટે એક માર્ગ ખુલ્લો કરી સકારાત્મક પગલું લીધું
છે. મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હી, હરિયાણા, આંધ્રપ્રદેશ, ઝારખંડ, તેલંગાણા
અને નાગાલેન્ડ આ સાત રાજ્યમાં મતદારયાદીમાંથી બાકાત થયેલા મતદારોને વધુ એક તક આપવામાં
આવી છે, જે આવકારદાયક પગલું છે.
એસઆઇઆર પ્રક્રિયામાં મતદારયાદીમાંથી મતદારોનાં
નામ બાદ થવા માટે ચાર મુખ્ય કારણો છે-ગેરહાજરી, સ્થળાંતર,
મૃત મતદાર અને એકથી વધુ જગ્યાએ નામ ધરાવતા મતદારો. ભારતમાં મતદાન માટે
પાત્ર લોકોની સંખ્યા 100 કરોડની આસપાસ હશે અને આટલા મોટા પાયે મતદારયાદીમાં
સુધારા કરવાનું કામ આસાન તો નથી જ. વળી, વર્ષોથી આ યાદીઓની
સમીક્ષા થઈ નહોતી, આથી આ કવાયત સમયની માંગ હતી. જો કે,
જે ઝડપે આ અભિયાન હાથ ધરાયું અને મતદારયાદીમાં નામ જાળવી રાખવા મતદારોને
જે હાલાકી સહન કરવી પડી તેના કારણે નારાજગી તો હતી જ. એમાં વિપક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનરને
જ આ મામલામાં આરોપી બનાવી તેમના રાજીનામાની માગણી સાથે દેશવ્યાપી આંદોલનો કર્યાં. મૂળ
મુદ્દો કોરાણે રહી ગયો અને વિરોધનો વળ ચડયા કર્યો.
યોગી આદિત્યનાથે કરેલા આક્ષેપોને કોંગ્રેસ અને
સમાજવાદી પાર્ટી જેવા વિરોધીઓએ ટીકા નથી કરી, કેમ કે,
તેમના જ દાવાને યોગી સમર્થન કરી રહ્યા છે. જો કે, ચૂંટણીપંચે સ્પષ્ટતા કરી છે કે, જે મતદારોનાં નામ બાકાત
થયાં છે અને જેમનાં નામ ઉમેરાયાં છે, તેમની ધર્મવાર નોંધ ઈલેક્શન
કમિશન રાખતું નથી. યોગી આદિત્યનાથે પોતાના પક્ષના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે,
જે પણ મતદારોનાં નામ યાદીમાંથી બાકાત થયાં છે, તેમનાં નામનો ફરી સમાવેશ થાય એ માટે તમામ મદદ કરજો. 1.27 કરોડ
મતદારનાં નામ માસિંગ હોય એનો અર્થ એ થયો કે, દરેક વિધાનસભા
મતદારક્ષેત્રમાં આશરે 31,000 વોટર્સનાં નામ ગાયબ છે. આવતાં વર્ષે ઉત્તર પ્રદેશ
વિધાનસભા ચૂંટણી પહેલાં આ મુદ્દો હજી ગરમાશે એવું લાગે છે.