નવી દિલ્હી, તા. 14 : દેશની
રાજધાની દિલ્હીમાં ધરણા-પ્રદર્શન અને મોટી રેલીઓના આયોજનને લઈને ટૂંક સમયમાં જ કડક
નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. દિલ્હી પોલીસે રામલીલા મેદાન સહિત અન્ય સ્થળો પર યોજાતી
જનસભાઓ અને પ્રદર્શનોને વ્યવસ્થિત કરવા માટે એક નવી સ્ટાન્ડર્ડ ઓપરાટિંગ પ્રોસિજર તૈયાર
કરી છે. હાલમાં આ નવા નિયમોનો ડ્રાફ્ટ મંજૂરી માટે પોલીસ હેડક્વાર્ટર મોકલવામાં આવ્યો
છે. મંજૂરી મળી ગયા બાદ દિલ્હીના તમામ પ્રદર્શન સ્થળો પર આ નવી ગાઇડલાઇનનો ચુસ્તપણે
અમલ કરવામાં આવશે. પ્રસ્તાવિત નિયમોને મંજૂરી બાદ હવે રામલીલા મેદાનમાં આયોજકો પોતાની
મરજી મુજબ બેફામ ભીડ એકઠી કરી શકશે નહીં. દિલ્હી પોલીસની નવી એસઓપી મુજબ રામલીલા મેદાનમાં
એક સમયે મહત્તમ 50 હજાર લોકોને જ એકઠા થવાની પરવાનગી આપવામાં આવશે.
જો કે,
કોઈ પણ કાર્યક્રમમાં કેટલા લોકો સામેલ થઈ શકશે તેનો અંતિમ નિર્ણય કાર્યક્રમનું
સ્વરૂપ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવામાં આવશે,
એટલે કે જરૂર જણાય તો 50 હજારથી ઓછી સંખ્યાની પણ મંજૂરી
મળી શકે છે. પોલીસ દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટમાં આયોજકો માટે કેટલીક મહત્ત્વની શરતો
છે. ધરણા કે પ્રદર્શન માટે આયોજકોએ ઓછામાં ઓછા 10 દિવસ અગાઉ અરજી કરવાની
રહેશે અને `વેન્યૂ
અવેલેબિલિટી સર્ટિફિકેટ' લેવું ફરજિયાત બનશે. પ્રદર્શનનો
સમય પણ નક્કી કરી દેવામાં આવ્યો છે, જે મુજબ માત્ર
સવારે 10 વાગ્યાથી
સાંજના 5 વાગ્યા
સુધી જ કાર્યક્રમ યોજી શકાશે. આયોજકોએ ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા માટે પોલીસ
સાથે સંકલન સાધવું પડશે. નવા નિયમોમાં સ્પષ્ટ જણાવાયું છે કે, રસ્તા, ફૂટપાથ કે ઈમર્જન્સી રૂટ બ્લોક કરવાની મંજૂરી
નહીં મળે તેમજ હથિયારો, જ્વલનશીલ પદાર્થો અને પ્રતિબંધિત વસ્તુઓ
લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, જ્યારે ડ્રોન ઉડાડવા માટે
પણ અગાઉથી મંજૂરી લેવી પડશે. અહીં ભેગી થતી વિશાળ ભીડને કારણે આસપાસના વિસ્તારોમાં
ભારે ટ્રાફિક સર્જાય છે, જેનાથી સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકી
ભોગવવી પડે છે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે. આ તમામ સમસ્યાઓના
કાયમી ઉકેલ માટે દિલ્હી પોલીસે આ વ્યવસ્થિત માળખું તૈયાર કર્યું છે.