મેઘાણી સાહિત્ય કોર્નરના નિર્માણ માટે સહયોગ બદલ
બહુમાન કરાયું
ભુજ, તા. 14 : દિવાળીના
પર્વ અવસરે મેઘાણીના ચાહક એવા કચ્છીમાડુનું બહુમાન કરાયું હતું. રાજકોટ નિવાસી અને
કચ્છના લખપત તાલુકાના ઘડુલી ગામના મૂળ વતની મેઘાણી-ચાહક મિસ્ત્રી વાલજીભાઈ પિત્રોડાનું
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી
સ્મૃતિ સંસ્થાન દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. વાલજીભાઈના પરિવારજનો પત્ની વનિતાબેન, પુત્રો અશ્વિન, સંજય, પુત્રવધૂઓ
પ્રિયા, અવની અને સાડા ચાર માસની પૌત્રી કિશ્વા પણ ઉપસ્થિત રહી
હતી. ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વિકાસ પામી રહેલા ઝવેરચંદ
મેઘાણીનાં જીવન અને કાર્ય સાથે સંકળાયેલા વિવિધ ઐતિહાસિક સ્મૃતિ-સ્થળો જેવા કે,
ચોટીલા, રાજકોટ, ધંધુકા,
બોટાદ, રાણપુર, બગસરામાં
સાંસ્કૃતિક વારસો – હેરિટેજની જાળવણી અને મેઘાણી-સાહિત્ય
કોર્નરના નિર્માણ માટે વાલજીભાઈ લાગણીથી પ્રેરાઈને સતત સહયોગી બની રહ્યા છે. અત્રે
એ નોંધનીય છે કે, મોરારિબાપુ, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજકોટ
સાંસદ અને ભારતના પૂર્વ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા પણ શ્રી પિત્રોડાનું અભિવાદન
કરાયું છે.