લાભપાંચમે ધારાસભ્ય દ્વારા કાંટાપૂજન કરી વેપારની
શરૂઆત કરાવી
ભુજ, તા. 14 : અહીંની
નવી જથ્થાબંધ બજાર ખાતે લાભપાંચમે સાત કરોડના મુહૂર્તના સોદા સાથે ધારાસભ્ય દ્વારા
કાંટાપૂજન કરી વેપારની શરૂઆત કરવામાં આવી હતી. પ્રારંભે ભુજ ગ્રેઈન એન્ડ સિડસ હોલસેલ
મર્ચન્ટ એસોસિએશન સંચાલિત ભૂકંપગ્રસ્ત ભુજ બજાર નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ જથ્થાબંધ
બજારના પ્રમુખ મેહુલ ઠક્કરના અધ્યક્ષસ્થાને કાંટાપૂજન તથા ભુજંગ દેવની પૂજા-અર્ચના
કરવામાં આવી હતી જેમાં ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપતિ શીતલભાઈ શાહ, ભુજ લોહાણા મહાજન પ્રમુખ ડો. મુકેશચંદે,
જૈન ઓસવાળ જ્ઞાતિ પ્રમુખ સ્મિત ઝવેરી, વર્ધમાનનગર
ભુજોડી સરપંચ રોનિત શાહ, ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન હિતેશ ઠક્કર,
જથ્થાબંધ બજાર ટ્રસ્ટી જમનાદાસ ઠક્કર, મનીષ ઠક્કર,
વગેરે જોડાયા હતા. બજારના પ્રમુખ મેહુલ ઠક્કરે પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ
ઠક્કરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના કાર્યોને યાદ કર્યા હતા. કાંટાપૂજનની
શરૂઆતમાં ધારાસભ્ય કેશુભાઈએ કિશોરભાઈ શિવલાલ પાસેથી રૂા. 101ના
ભાવે મગની ખરીદી કરી આજના વેપારની શરૂઆત કરાવી આવનારું વર્ષ ફળદાયી રહે તેવી શુભકામના
પાઠવી હતી. પ્રમુખ શ્રી ઠક્કર, રમેશ પટેલ, કાંતિભાઈ ગણાત્રા, હસમુખ ઠક્કર, જિજ્ઞેશ શાહ, અભય શાહ, કિરીટ શાહ
વગેરે દ્વારા મહેમાનોનું સન્માન કરાયું હતું. આજના દિવસે નમક, શ્રીફળ, ગોળ, ખાંડ, ચોખા, તેલ, ઘઉં, બાજરો, જુવાર, ભુંસો, ખોડ તેમજ અન્ય વસ્તુઓના અંદાજે સાતેક કરોડના વેપાર થયા હતા. આજના કાર્યક્રમમાં
હિંમત ઠક્કર, વિનેશ શાહ, બી.જે. ગોર,
પ્રબોધ કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન દામોદરભાઈ,
આભારવિધિ રમેશભાઈ અને સંચાલન હિતેશ ઠક્કરે કર્યા હતા.