• રવિવાર, 15 નવેમ્બર, 2026

કચ્છમાં ડેંગ્યૂ, મેલેરિયા સહિતના તાવમાં ઉછાળો

સરકારી કેન્દ્રોમાં સપ્તાહમાં 7635 કેસ નોંધાયા

ભુજ, તા. 14 : શિયાળાની ફૂલગુલાબી ઠંડી જામવા પહેલાં એકતરફ પ્રવાસીઓનો ધસારો શરૂ થઇ ચૂક્યો છે, તો બીજી બાજુ બેવડી ઋતુવાળા વાતાવરણમાં કચ્છીઓ ડેંગ્યૂ, મેલેરિયા સહિતના વાયરલ તાવ, ખાંસી, માથાના દુ:ખાવાની ચપેટમાં આવી રહ્યા હોવાથી ખાનગી તેમજ સરકારી દવાખાનામાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. આરોગ્ય વિભાગ લોકોની શારીરિક સુસ્તીની વાતને  સ્વીકારવા સાથે રોગચાળા જેવી સ્થિતિને નકારે છે. ઉનાળાની વિદાય વેળાએ  બપોરે ગરમી, તો શિયાળાનો આરંભ થઇ ચૂક્યો હોવાથી દેશની સાથે કચ્છમાં પણ પરોઢે ધુમ્મસનો માહોલ ઘેરાઇ જતાં માથાનો દુ:ખાવો થવો સહજ બાબત છે. એ જ રીતે રાત્રે પણ ઠંડીની અસર વર્તાવી શરૂ થઇ ગઇ છે. નવેમ્બર મહિનાના પ્રથમ 12 દિવસમાં સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સારવાર લેવા પહોંચેલા ડેંગ્યૂ, મેલેરિયા સહિત  વાયરલ ઇન્ફેકશનથી ફેલાયેલા તાવના દર્દીઓનો આંકડો 7635 નોંધાયો છે. સરકારી દવાખાનાઓમાં તાલુકાવાર વાયરલ તાવના નવેમ્બરના પ્રથમ 12 દિવસમાં સૌથી વધુ ભુજમાં 1274, ત્યારબાદ માંડવીમાં 1034, અંજારમાં 957, રાપરમાં 839, મુંદરામાં 739, ભચાઉમાં 676, ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં 623, અબડાસામાં 565 અને નખત્રાણા તાલુકામાં 484 મળી 7523 દર્દીઓ સારવાર લઇ ચૂક્યા છે. જિલ્લા મેલેરિયા વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ માત્ર ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ડેંગ્યૂના 11 કેસ નોંધાય, તે ગત વર્ષના આ ગાળામાં નોંધાયેલા ત્રણ કેસની તુલનાએ  200 ટકા વધારે છે. જો કે, જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી ગત વર્ષે 15 કેસ હતા, તેની સામે વર્ષ 2026માં 16 જ કેસ નોંધાયા હતા. આમ ડેંગ્યૂના કેસમાં ગાંધીધામ કોર્પોરેશન વિસ્તારમાં માત્ર નવેમ્બરના આરંભમાં જ ઉછાળો આવ્યો છે. ડેંગ્યૂના જિલ્લાના અન્ય નવ તાલુકામાં પ્રથમ 10 મહિનામાં ડેંગ્યૂના 175 કેસ નોંધાયા હતા, તેની સામે આ વર્ષે 91 કેસ નોંધાતાં 48 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગત વર્ષના 38 કેસ સામે 17 કેસ નોંધાતાં ડેંગ્યૂમાં 55 ટકાનો ઘટાડો નોંધાયો છે. મેલેરિયાના કેસમાં નવ તાલુકામાં જાન્યુ.થી ઓક્ટોબર સુધી વર્ષ 2025માં 95 કેસ સામે આ વર્ષે 46 કેસ નોંધાતાં 51 ટકાનો ઘટાડો થયો છે, તો ગાંધીધામ મનપામાં નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ગત વર્ષે 38ની તુલનામાં હાલ 17 કેસ નોંધાતાં 55 ટકાનો ઘટાડો થયો હોવાનું જિલ્લા મેલેરિયા અધિકારીએ જણાવ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd