ગાંધીધામ, તા. 21 : ગાંધીધામ આદિપુર વચ્ચે આવેલા
રોટરી સર્કલ પાસેના રિલાયન્સ પેટ્રોલ પંપની સામેના રોડની બાજુમાં વરસાદી નાળાં પાસે
મોટો ખાડો છે. ગત વર્ષે અહીં ચાર ફોર વ્હીલર ખાડાના કારણે નાળાંમાં ખાબકી હતી છતાંય
સ્થિતિ જૈસે થે છે. જોડિયા શહેરો અનેક સમસ્યાઓથી ઘેરાયેલાં છે, પરિણામે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી
રહ્યો છે. તત્કાલીન સમયની નગરપાલિકામાં સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો, પરંતુ મહાનગરપાલિકા બન્યા પછી સ્થિતિમાં સુધારો આવશે અને વિકાસ થશે તેવી આશા
લોકોને હતી. કમિશનર મનિષ ગુરુવાણીના આવ્યા પછી લોકોની આશા મુજબ કામ થઈ રહ્યાં હતાં
તેમણે એક વિઝન સાથે વિકાસનાં કામો શરૂ કર્યાં હતાં અને પરિણામે શહેરની તસવીર બદલશે
તેવી સ્થિતિ ઉપસી આવી હતી, પરંતુ તેમની બદલી બાદ વહીવટ ખાડે ગયો
છે, જે કામો ચાલુ છે તેની ઉપર ધ્યાન દેવાતું નથી અને જ્યાં લોકોને
જિંદગી ઉપર ખતરો ઊભો થયો છે, ત્યાં તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં
છે પરિણામે લોકોમાં આક્રોશ ફેલાયો છે રોટરી
સર્કલ રિલાયન્સ પેટ્રોલ પંપની સામે રોડ ઉપર વરસાદી નાળાંની બાજુમાં મોટો ખાડો છે,
ગત વર્ષે ચાર કાર આ ખાડાના કારણે વરસાદી નાળામાં પડી હતી. ત્યારપછી લોકોએ
તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી અને તત્કાલીન ખાડો પૂરીને અહીં મરંમતની કામગીરી કરવા માટે
કહ્યું હતું, પરંતુ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા એક વર્ષનો
સમય વીતી જવા છતાં હજુ સુધી કોઈ પગલાં ભર્યાં નથી. જો વરસાદ પડશે, તો જીવલેણ અકસ્માત ખતરો ઊભો થશે. વહીવટી તંત્ર દ્વારા તાકીદે યોગ્ય પગલાં ભરીને
અહીં મરંમતની કામગીરી કરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી
છે.