ભુજ, તા. 19 : કુદરતી કે માનવસર્જિત આપત્તિ
સમયે સ્થાનીક સ્તરે ત્વરિત કમાન્ડ અને પ્રતિક્રિયા આપવાના આશયથી કચ્છ જિલ્લા વહીવટી
તંત્ર દ્વારા સાત દિવસીય વિશેષ `યુવા આપદામિત્ર
સ્કીમ' તાલીમ શિબિરનું આયોજન માધાપર યક્ષ મંદિર ખાતે
કરાયું હતું, જે હેઠળ યુવાનોને 20 જુલાઇ સુધી બેઝિકથી એડવાન્સ
કક્ષાનું પ્રશિક્ષણ અપાશે. જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાનાં માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર
મેનેજમેન્ટ ઓથોરિટી કચ્છ અને સ્પીપા રાજકોટના સંયુક્ત સંકલનથી આપત્તિ વ્યવસ્થાપનની
તાલીમનું આયોજન કરાયું છે. એન.એસ.એસ.ના કચ્છની વિવિધ કોલેજના 102 તાલીમાર્થીઓને સ્ટેટ ડિઝાસ્ટર
રિસ્પોન્સ ફોર્સના અનુભવી પોલીસ જવાનો દ્વારા બચાવ અને રાહત કામગીરીનું સઘન પ્રશિક્ષણ
આપવામાં આવશે. ડિઝાસ્ટર મામલતદાર પી.કે. ચૌધરી, સ્પીપાના નાયબ સેકશન અધિકારી હીનલબેન કુવાડિયા, ડિઝાસ્ટર
શાખા ડીપીઓ નીરવસિંહ નાડોડા, એનડીઆરએફના ઇન્સ્પેકટર એસ.એન. પરીખ,
યક્ષ મંદિર મેનેજર હિતેશ ગજ્જર સહિત એનએસએસ તાલીમાર્થી ઉપસ્થિત રહ્યા
હતા.