• ગુરુવાર, 25 જૂન, 2026

અન્ન-જળ ખૂટતાં મગરના હવે સાચા આંસુ...

બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 23 : પાવરપટ્ટીના ઓરીરા ગામ નજીક આવેલો નિરોણા ડેમ મહાકાય મગરો માટે જાણીતો છે. ગત ચોમાસામાં ડેમ છલકાયા પછી રવી મોસમમાં પાણીનો જથ્થો સિંચાઈના ઉપયોગમાં લેવાયો હતો. સિંચાઈના નીતિ-નિયમો મુજબ જળરાશિનો અમુક હિસ્સો અનામત રાખવો ફરજિયાત છે. નિયમને નેવે મુકાતાં હાલ ખાસ કરીને જળચર જીવોનાં જીવન પર મોટું સંકટ ઊભું થયું છે. જળાશયના જાણીતા કદાવર મગરને પણ હવે રાત્રિના ભાગમાં જમીન પર નીકળી પોતાના અસલી રહેણાક કડિયા ધ્રોના `ગુના' તરફ હિજરત કરવાની ફરજ પડી છે. સારા વરસાદ બાદ કચ્છના અનેક ડેમોમાં મગર જોવા મળે છે. જેની કચ્છી માડુ `ભાગુ' તરીકે પણ ઓળખે છે. પાવરપટ્ટી પંથકના ઓરીરા-વેડહાર ગામ નજીક આવેલા નિરોણા ડેમના ભૂખરા રંગના મહાકાય સંખ્યાબંધ મગર વિશિષ્ટ રહેણીકરણી માટે જાણીતા છે. જ્યારે-જ્યારે આ ડેમ છલોછલ ભરાય છે ત્યારે ડેમમાં અનેક નાના-મોટા મગર પાણીના પ્રવાહ સાથે ઉપરવાસથી વહી ડેમમાં ઠલવાઈ પોતાનું વર્ચસ્વ જમાવે છે. આ અનોખી જળચર જીવસૃષ્ટિ માટે નિરોણા ડેમ ભારે અનુકૂળ હોઈ નાનાં બચ્ચાંથી માંડી 8થી 10 ફૂટના કદાવર અને મોટી સંખ્યામાં મગરો પાણીની સપાટી નીચે મસ્તીથી વિચરે છે. - સેંકડો ઠલવાયા : ગત વર્ષે ચોમાસામાં મેઘરાજાની  મહામહેર થયા પછી આ ડેમ છલકાયો હતો. ચોમાસા દરમ્યાન ડેમના ઉપરવાસમાં પથરાયેલા કલરફુલ પથ્થરોથી કલાત્મક કડિયા ધ્રોમાંથી સેંકડો મગર પાણીના વહેણ સાથે વહી ડેમમાં ઠલવાયા હતા. ચોમાસા બાદ શિયાળાની રવી સિઝન માટે પાણીનો જથ્થો છોડાયો હતો. સિંચાઈ તંત્રના નિયમ અનુસાર ડેમોમાં જમા જળરાશિનો અમુક હિસ્સો અનામત રાખવો ફરજિયાત છેપરંતુ સિંચાઈ વિભાગે નિયમનો છેદ ઉડાડી દીધા પછી ડેમના દરવાજાની સપાટી સુધી પાણી ખાલી કરી નાખ્યું એટલું જ નહીં પાછળથી કેટલાંક પાણીચોરો ગેરકાયદે મોટર, મશીન લગાવીને પણ ધોરીધરાર પાણી ઉલેચવાં લાગ્યાં હતાં. રહીરહીને પાછળથી નિરોણા ગ્રામ પંચાયતે રહ્યુંસહ્યું પાણી અનામત રાખવા સિંચાઈ વિભાગને લેખિતમાં જાણ કર્યા પછી સિંચાઈ વિભાગે પાણીચોરોને નોટિસ પાઠવી પાણી ઉલેચવાનું બધ તો કરાવ્યું પણ ત્યાં સુધી પાણીની લગભગ સપાટી તળિયે પહેંચી ગઈ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. - જીવસૃષ્ટિ ઉકળી : હાલ ઉનાળાના પ્રખર તાપથી તમામ જીવસૃષ્ટિ ઉકળી ઊઠી છે ત્યારે આગ ઓકતા તાપ સામે આ ડેમના જળચર જીવો પોતાનું અસ્તિત્વ ટકાવવા ભારે પરેશાન છે. ખાસ કરીને ડેમમાં વિચારતા સેંકડો કદાવર મગર રાત્રિની ઠંડી મોસમમાં ડેમમાંથી નીકળી ઉપરવાસના નદી પટ્ટ વચ્ચે જળચર જીવ કડિયા-ધ્રોના `ગુના'તરફ સરકી રહ્યા છે. વિચરતા લોકોના કહેવા મુજબ મોટી સંખ્યામાં નાના-મોટા મગર ડેમમાંથી નીકળી નદી પટની રેતીમાં ચાલતા મહાકાય શરીરના લસરકાથી એક પગદંડી બનાવી છે જે પરથી ચાલી આઠેક કિ.મી.ના અંતર પછી પોતાના અસલી ઘર ગુનામાં સમાઈ જાય છે. - મગરના કુદરતી `ગુના' : વર્ષોથી નિરોણા ડેમના સથવારે અસ્તિત્વ ટકાવી રાખનાર જળચર મગરના જીવ જોખમાય નહીં તેના માટે કુદરતે રહેણાકની અનોખી વ્યવસ્થા ઊભી કરી  છે. નિરોણા ડેમમાં જ્યાંથી પાણી ઠલવાય છે તે ઉપરવાસમાં ડેમથી અંદાજે આઠેક કિ.મી.નાં અંતરે નદીના પથરાળ પટ્ટમાં ગતિશીલ પાણીના વમળથી કુદરતી રીતે મોટા અને ઊંડા કૂવાઓની રચના થઈ છે. જે કૂવાને સ્થાનિક લોકો ગુના તરીકે ઓળખે છે. લોકોના કહેવા મુજબ આ કુદરતી કૌતૂક સમા કૂવા અતિ ઊંડા છે, જે મગરનાં રહેણાક માટે ખૂબ જ ઉપયોગી છે, જેની આસપાસ પાણીના `ધ્રો' પણ આવેલા છે, જે પૈકી `કડિયા' નામક ધ્રો તો દુનિયાભરમાં જાણીતો છે. ચોમાસામાં અહીંથી નદી વહે ત્યારે ગુનામાંથી વહેણ સાથે મગર વહી ડેમમાં ઠેલવાય. જ્યાં મહિનાઓ સુધી રહી ડેમના પાણી સૂકાય ત્યારે પાછા પગપાળા સ્થળાંતર કરી આ ગુનામાં સમાઈ જાય. આ ક્રમ વર્ષોથી ચાલે છે. - મહાકાય મગરના પરાક્રમ પણ મોટા : નિરોણા : નિરોણા ડેમના મહાકાય મગર પરાક્રમી પણ એટલા જ છે. ડેમના કાંઠે પાણી પીવા આવતાં ઘેટાં, બકરાં કે કૂતરા જેવા પ્રાણીઓ તો ઠીક ઊંટ અને નીલગાય જેવા કદાવર જાનવરોને પોતાની ધારદાર પૂંછની થપાટ મારી શિકાર બનાવે છે. એટલું જ નહીં ડેમ નજીકના ઓરીરા અને વેડહાર ગામોની અનેક ભેંસોના આ પરાક્રમી મગરોએ પૂંછડાં કાપી `બાંડી' બનાવી દીધી છે !! છેલ્લા બે દાયકાથી કચ્છના વિવિધ ડેમોમાં માછીમારીના ધંધા સાથે સંકળાયેલા ચંદુ કોલી કહે છે, નિરોણા ડેમ જેવા ભાગુ બીજે કયાં નથી. માછલાં પકડતી વખતે અમને પણ ઘણી વખત આ મગરો હેરાન-પરેશાન કરે છે. થોડાં વર્ષો પહેલાં મારા સાથી કરસન કોલીને આ ડેમના મગરે પગમાં ભારે ઈજા પહોંચાડયા પછી મહિનાઓ સુધી ખાટલાવશ રહ્યો હતો. 

Panchang

dd