• બુધવાર, 24 જૂન, 2026

હવાઇ સેવા ક્ષેત્રે મુંદરાની ઉડાન; અદાણી એરપોર્ટનું ઉદ્ઘાટન

મુંદરા, તા. 23 : `સ્ટેટ ઓફ ધ આર્ટ' સુવિધા સાથે મુંદરામાં નિર્માણ પામેલા અદાણી મુંદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલમાં આજે સવારે સ્ટાર એરલાઇન્સની ગોવાથી  આવેલી આ એરપોર્ટની પહેલી કોમર્શિયલ ફ્લાઈટે સફળ લેન્ડિંગ કરતાં જ કચ્છને હવાઈ સેવા ક્ષેત્રે નવી ભેટ મળવા સાથે ઇતિહાસ રચાયો છે. અત્યારે સેવા જારી છે એ ભુજ એરપોર્ટ પછી મુંદરામાં પણ આજથી એક સાથે આઠ મહાનગરને જોડતી નાગરિક હવાઈ સફર સેવા શરૂ થતાં કચ્છ માટે સીમાચિહ્ન  રૂપ પગલું ભરાયું છે. - કચ્છ માટે મોટી તક : આ હવાઈ જોડાણોના આરંભથી મુસાફરો માટે નવી સુવિધાની સાથે-સાથે કચ્છ માટે  આર્થિકવ્યાપારિક, ઔદ્યોગિક અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં વ્યાપક વિકાસ માટેનાં નવાં દ્વાર ખુલ્યાં છે. આમ, મુંદરા હવે અદાણી પોર્ટના માધ્યમથી વૈશ્વિક સ્તરે સમુદ્રી પરિવહન અને રાષ્ટ્રીય માર્ગો સાથે જોડાયા બાદ સંપૂર્ણ સંકલિત, મલ્ટિ મોડલ લોજિસ્ટિક અને બિઝનેસ હબમાં પરિવર્તિત થયું છે. આ પ્રસંગે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં અદાણી એરપોર્ટના ડાયરેક્ટર જીત ગૌતમભાઈ અદાણી, રાજ્યના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાસાંસદ વિનોદભાઈ ચાવડા, માંડવી વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, શાસ્ત્રી કશ્યપ જોશી, વીરાયતન કચ્છના સાધ્વી શિલાપીજી, પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડા, અદાણી પોર્ટ એન્ડ એસઇઝેડના એક્ઝિ. ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. - મુંદરા પરિવર્તનનું રાહબર : આ પ્રસંગને ઐતિહાસિક ગણાવતાં રાજ્યના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ગુજરાતીથી શરૂ કરીને પછી અંગ્રેજીમાં આપેલા વક્તવ્યમાં કહ્યું હતું કે, 90ના દાયકાનું મુંદરા અને અત્યારના મુંદરામાં જમીન આસમાનનો ફેર છે. એક કચ્છી તરીકે અદાણી ગ્રુપને આ હવાઈ સેવા તેમજ કચ્છના સર્વગ્રાહી વિકાસમાં યોગદાન બદલ અભિનંદન છે. વિસ્તારની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો  વિસ્તારની જેમ હવે સૌથી ઝડપી વિકસિત જિલ્લો બનશે એવો વિશ્વાસ છે. - કચ્છમાં સૌથી વધુ એરપોર્ટ : સાંસદ વિનોદભાઈ ચાવડાએ ચાર રાજ્યને જોડતી કચ્છમાં મુંદરાથી શરૂ થતી આ હવાઈ સેવા બદલ આનંદ વ્યક્ત કરતાં ઉમેર્યું કે, 2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વડપણ હેઠળ કેન્દ્રમાં શાસન પછી  કચ્છમાં માર્ગ, રેલવે અને હવે ઉડ્ડયન સેવા એમ દરેક ક્ષેત્રે કચ્છને લાભ વધ્યો છે. ગુજરાતમાં કચ્છ એકમાત્ર એવો જિલ્લો છે, જેમાં સૌથી વધુ એરપોર્ટ છે અને એકમાત્ર જિલ્લો છે જે દિલ્હી સાથે સીધો જોડાયેલો છે. - કાર્ગો એરપોર્ટની જરૂર : આ સેવા શરૂ કરવા બદલ અદાણી ગ્રુપને ધન્યવાદ આપતાં વિનોદભાઇએ ગ્રુપ ચેરમેન ગૌતમભાઈ અદાણીની ઈચ્છા છે એ કાર્ગો એરપોર્ટ પણ શરૂ થઈ જવા વિશ્વાસ દર્શાવ્યો હતો. સ્ટાર એરના સીઈઓ કેપ્ટન સિમરન સિંઘે કહ્યું કે, આ તેમની 32મી સેવા છે. કંપનીનો ઓન ટાઈમ લેન્ડિંગનો સક્સેસ રેશિયો 92 ટકા છે અને આવી જ રીતે શ્રેષ્ઠ સેવા મળતી રહેશે. - પ્રથમ મુસાફરો : આ કાર્યક્રમ પહેલાં સ્ટાર એરની પ્રથમ ફ્લાઈટ મુંદરામાં આવી હતી અને તેમનું વોટર કેનનથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ ફ્લાઈટમાં આવેલા મુસાફરો અને પછીની પહેલી ફ્લાઈટમાં જતા મુસાફરને પુષ્પગુચ્છ આપીને ઉપસ્થિત મહાનુભાવોએ શુભેચ્છા આપી હતી.  પ્રથમ ફ્લાઇટની કેક કટિંગ કરીને ઉજવણી કરાઇ હતી.  કાર્યક્રમ બાદ કચ્છના ઔદ્યોગિક સંગઠન ટૂર ઓપરેટર એસો. વિગેરે સંસ્થાઓ દ્વારા જીત અદાણીનું બહુમાન કરાયું હતું. - ઉપસ્થિત મહેમાનો : સમારોહમાં જીતભાઈ અદાણીના પત્ની દીવા જીત અદાણી, અમીબેન રક્ષિત અદાણી, અદાણી એરપોર્ટ હોલ્ડિંગના સીઈઓ અરુણ બંસલમુંદરાના નાયબ કલેક્ટર બી.ડી. ઝાલામુંદરા કસ્ટમર કમિશનર નીતિન સૈની, એરપોર્ટ ડાયરેક્ટર સુનીલ રાઠોડકંડલા કસ્ટમ કમિશનર દિનેશ સિંઘ, મુંદરાના નગરપતિ ભોજરાજ ગઢવી, અદાણી પોર્ટ સેઝ કમિશનર અભિનવ ગુપ્તા, મુંદરા-તુણા  પોર્ટના સીઈઓ સુજલ શાહ, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઇ કાનગડ તેમજ અદાણી ગ્રુપના વિવિધ અધિકારીઓ તેમજ વિવિધ રાજકીય, વહીવટી ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd