કોટડા (ચ.), તા. 13 : જિલ્લામાં ગરમીનો પારો દિવસે
ને દિવસે વધી રહ્યો છે, ત્યારે ભુજ તાલુકાના ભુજ-ભચાઉ હાઈ-વે પર આવેલું પદ્ધર ગામનું
બસ સ્ટેન્ડ મુસાફરો માટે રાહતનું કેન્દ્ર બન્યું છે. ગ્રામ પંચાયત દ્વારા બસ સ્ટેન્ડ
ખાતે બે પંખા તથા મોબાઇલ ચાર્જિંગ સુવિધા પણ
ઉપલબ્ધ કરાવાઈ છે. કાળઝાળ ગરમી વચ્ચે બસની રાહ જોતા મુસાફરો પંખાની ઠંડી હવામાં થોડી
રાહતનો અનુભવ કરી રહ્યા છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવી સુવિધાઓ ભાગ્યે જ જોવા
મળે છે અને ગરમીના સમયમાં પંખા તથા મોબાઇલ ચાર્જિંગ જેવી જરૂરી સુવિધાઓ ખૂબ ઉપયોગી
સાબિત થાય છે, તેવું મુસાફરોએ જણાવ્યું હતું. જિલ્લાના ઘણા ગ્રામીણ બસ સ્ટેન્ડો આજે
પણ જર્જરિત હાલતમાં છે, જ્યાં મુસાફરો માટે બેસવાની કે ઊભા રહેવાની યોગ્ય વ્યવસ્થા
ઉપલબ્ધ નથી. ત્યારે પદ્ધર ગામની આ પહેલ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનતાં સ્થાનિક લોકોએ
ગ્રામ પંચાયતની આ કામગીરીની પ્રશંસા કરી હતી અને અન્ય ગામોના બસ સ્ટેન્ડોમાં પણ આવી
સુવિધાઓ શરૂ કરવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.