• ગુરુવાર, 14 મે, 2026

ગાંધીધામ મહાપાલિકાના અણઘડ વહીવટે પીજીવીસીએલને ગોટે ચડાવ્યું

ગાંધીધામ, તા. 13 : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને મહાનગરપાલિકા વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસનાં કામો થઈ રહ્યાં છે, પરંતુ ધીમી ગતિ અને તુરંત નિર્ણય શક્તિના અભાવે કામો ઉપર ખુદ તંત્રનું ગ્રહણ લાગી રહ્યું હોવાનું સપાટી ઉપર આવે છે. ખાસ કરીને ગાંધી માર્કેટ તથા ગુરુકુળના માર્ગનું કામ વીજલાઈન ટ્રાન્સફર કરવાના વાકે અટક્યું હોવાનું બહાર આવ્યું છે. ટાગોર રોડથી ગુરુકુળના ગેટ તરફ જતા માર્ગનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. એક બાજુનો માર્ગ બન્યો છે જ્યારે ગુરુકુળ ગેટથી ટાગોર રોડ તરફનો માર્ગ અટક્યો છે. આ બાબતે તપાસ કરતાં વીજ લાઈન ટ્રાન્સફર કરવાના વાંકે કામ શરૂ થયું નથી. પીજીવીસીએલના સૂત્રોનું માનીએ તો પહેલાં વીજ લાઈન ટ્રાન્સફર કરવા બાબતે કોઈ નિર્ણય લેવાયો નહીં, હવે તે રોડ બનાવવાના મશીનમાં વીજ થાંભલાઓ નડતરરૂપ બને તેમ હોવાથી મહાપાલિકાનાં તંત્રએ પીજીવીસીએલને વીજ લાઈન શિફ્ટ કરવા માટે કહ્યું છે. આવી જ સ્થિતિ ગાંધી માર્કેટવાળા રોડ ઉપર ઊભી થઈ છે. અહીં મહાપાલિકાના એન્જિનીયરોએ પહેલાં વીજ લાઈન શિફ્ટ કરવાની જરૂરિયાત નથી તેવું કહ્યું હતું ને ત્યારપછી હવે અહીંથી વીજ લાઈન શિફ્ટ કરવી પડશે તેવું કહેવામાં આવતાં પીજીવીસીએલનું વહીવટી તંત્ર ધંધે લાગ્યું છે. વીજ વિભાગ પાસે એક જ કોન્ટ્રાક્ટર છે જેથી અનેક જગ્યાઓ ઉપર તુરંત લાઈન શિફ્ટ કરવી તેમના માટે પણ મુશ્કેલ છે.  મહાનગરપાલિકાના એન્જિનીયરોનો અણઘડ વહીવટ પીજીવીસીએલના તંત્ર માટે માથાંના દુ:ખાવા સમાન બન્યો છે. કોઈ વ્યવસ્થિત પ્લાનિંગ કરીને કહેવામાં આવતું નથી અને પાછળથી વીજ લાઈનો શિફ્ટ કરવી પડશે, ટ્રાન્સફર કરવી પડશે તેવું કહેવામાં આવે છે, જેના પગલે વીજ વિભાગને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે તંત્ર ઇજનેરોનું માનવાના બદલે કમિશનર અથવા તો ડેપ્યુટી કમિશનર દ્વારા લાઈન શિફ્ટ કરવા માટે કહેવામાં આવશે ત્યારે જ લાઈન શિફ્ટ કરાશે તેવું સૂત્રો કહી રહ્યા છે, પરંતુ સચોટ આયોજનના અભાવે અને કામો ખોરંભે ચડી રહ્યાં છે. ખરેખર કમિશનર અને ડેપ્યુટી કમિશનરોએ આ બાબતે સમીક્ષા કરીને જે ક્ષતિઓ અને ખામીઓ છે તેને દૂર કરવી જરૂરી છે નહિતર ચોમાસા પહેલાં કામો પૂર્ણ નહીં થાય તો નાગરિકોને મહામુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેવી સ્થિતિ ઊભી થવાની વકી છે. 

Panchang

dd