કેયૂર
વૈદ્ય દ્વારા : ભુજ, તા. 13 : એક તરફ દૂરનો વસવાટ અને દૂર દૂર આવેલા ટયુશન
કે કોચિંગ કલાસ અને બીજી તરફ બાળહઠ... આ બધા સામેના ઉપાય તરીકે વાલીઓ ઈ-બાઈક તરફ વળ્યા
છે. અનેક લોભામણી ઓફરો ઉપરાંત આરટીઓ પાસિંગની કે લાયસન્સની પણ તેમાં ઝંઝટ ન હોવાનો
વિકલ્પ પણ ઓછા ભાવ સાથે ઉપલબ્ધ હોવાને કારણે હળવી ક્ષમતાના ઈ-બાઈક ઝડપભેર કચ્છમાં પણ
રસ્તા પર નજરે પડી રહ્યા છે, પરંતુ જો આવાં ઈ-બાઈકને
અકસ્માત થાય તો ? આવા અણગમતા સંજોગોમાં મોટું આર્થિક નુકસાન ભોગવવું
પડી શકે તેમ છે, કેમ કે, આવાં ઓછી ક્ષમતાનાં
ઈ-બાઈક આરટીઓમાં નોંધાતા ન હોવાને કારણે જો આવાં વાહન કોઈ અકસ્માતનો ભોગ બને કે આવાં
વાહન થકી કોઈને ઈજા થાય તો તેવા સંજોગોમાં વીમો કે કાયદાનું રક્ષણ મળી શકતું નથી. - હજારો વાહનો રસ્તા પર : જોવાની વાત એ છે કે, આરટીઓમાં તેની નોંધણી ન થતી
હોવાથી લાયસન્સની જરૂર ન હોય તેવાં કેટલાં વાહન કચ્છમાં દોડી રહ્યાં છે, તેનો સત્તાવાર આંક પણ મળવાપાત્ર નથી, પણ જાણકારો અનુસાર
આવાં હજારો વાહન રસ્તે ઘૂમી રહ્યાં છે. - નાનાં બાળકોય રસ્તે ઘૂમી રહ્યાં : આરટીઓમાં પાસિંગની જરૂર ન ધરાવતાં ઈ-બાઈકને
ચલાવવા કોઈ લઘુતમ વયની મર્યાદા ન હોવાને કારણે નાની ઉંમરનાં બાળકો પણ શહેરી તો ઠીક
હવે ગામડાંના માર્ગો પર પણ આવાં બાઈક પરથી
સરસરાટ નીકળતા નજરે પડી રહ્યા છે. કાયદો આ બાબતમાં છૂટ આપતો હોવા છતાં વાલીઓએ સ્વસમજથી
નાનાં બાળકોને આવાં વાહનો ચલાવવા આપવા જોઈએ નહીં એમ જાણકારો કહે છે. - આરટીઓ કહે છે, નિયમો બને તો કાર્યવાહી શક્ય
: આરટીઓના પાર્થ ગઢવીને આ અંગે પૂછતાં તેમણે કહ્યું
કે, મર્યાદિત
ગતિવાળાં ઈ-બાઈકની નોંધણી કે તેને ચલાવવા લાયસન્સની જરૂર ન હોવાને કારણે હાલના તબક્કે
તેમનું તંત્ર કાંઈ કરી શકે નહીં, પરંતુ જો કેન્દ્ર સરકાર તરફથી
કોઈ માર્ગદર્શિકા આવે તે પછી જ તેમનાં તંત્રની કોઈ ભૂમિકા આવી શકે એમ તેમણે ઉમેર્યું
હતું. અત્યારે પેટ્રોલની ઊંચી કિંમત ઉપરાંત પેટ્રોલથી ચાલતા દ્વિચક્રી અને વધુ ક્ષમતાના
`બ્રાન્ડેડ' ઈ-બાઈકની પણ લાખેણી કિંમતોએ આમ પણ
હળવાં - ઈ-બાઈકની સંખ્યા વધવાનું કારણ આપ્યું છે. ઈલેક્ટ્રિક દ્વિચક્રી વાહનોમાં પણ
હવે તો આરટીઓ પાસિંગ અને નોંધણી નંબર સાથેનાં વાહનો પણ આવી રહ્યાં છે. આવાં વાહનોની
ઝડપની અને બેટરીની ક્ષમતા સ્વાભાવિક રીતે જ વધુ હોય છે. - લાયસન્સની જરૂર નહીં : ભારતમાં, ઓછી ગતિવાળા ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવવા
માટે ડ્રાઇવિંગ લાયસન્સ અથવા વાહન નોંધણીની જરૂર નથી. જો કે, આ મુક્તિ માટે લાયક બનવા માટે, સ્કૂટર સેન્ટ્રલ મોટર
વ્હીકલ રૂલ્સ (ઈખટછ)માં દર્શાવેલા ચોક્કસ માપદંડોને તે વાહન પૂર્ણ કરે તે જરૂરી છે.
- નિયમો શું છે? : જો આ સ્કૂટર નીચેની બે શરતને પૂર્ણ કરે છે તો તેમને `નોનઆરટીઓ' અથવા `મુક્તિ' શ્રેણી હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે : ટોચની ગતિ : સ્કૂટરની
મહત્તમ ગતિ 25 કિમી/કલાકથી
વધુ ન હોવી જોઈએ. મોટર પાવર : મોટરની ક્ષમતા 250 વોટ કે તેથી ઓછી હોવી જોઈએ. - બોક્સમાં આવે, ફટાફટ તૈયાર : આવાં ઈ-બાઈક ચીનથી આયાત કરવામાં આવે છે અને તેને વેચતા
વિક્રેતાઓ અહીં તેને એસેમ્બલ્ડ કરે છે. જાણકારો અનુસાર આવાં ઈ-બાઈક બોક્સની અંદર છૂટા
- છૂટા ભાગરૂપે આવે છે અને વેચાણકર્તાએ માત્ર બે ટાયર સાથે તેને ફિટ કરવાના હોય છે. - નિયમોનો છડેચોક ઉલાળિયો : જેમ દરેક કાયદામાં થાય છે એમ હળવાં ઈ-બાઈકની
મહત્તમ ગતિના નિયમોમાં પણ ઉલાળિયા થતા હોવાનું સામે આવી રહ્યું છે. આ ક્ષેત્રને સારી
રીતે જાણનારાઓ પાસેથી મળતી વિગત મુજબ 25 કિ.મી.ની ગતિમર્યાદા સાથે આવતાં આ વાહનો વાસ્તવમાં 40 કિ.મી.ની મહત્તમ ગતિએ દોડતાં હોય છે. વાહનવિક્રેતા
ગતિમર્યાદામાં ફેરફાર કરી શકતા હોવાથી અનેક ઈ-બાઈક કચ્છમાં પણ તેની નિયત ગતિક્ષમતાથી
વધુમાં દોડતા હશે તેવો દાવો કરતાં એક વર્ગે જો તપાસ કરાય તો જ સાચી હકીકત સામે આવી
શકે તેમ જણાવ્યું હતું. દરમ્યાન નામ નહીં આપવાની શરતે વિક્રેતાએ કહ્યું કે, 25ની મર્યાદા છે,
પણ કોઈ આગ્રહ કરે તો ગતિ વધારી દઈએ છીએ. - હેલ્મેટ પહેરવી સારી : અન્ય દ્વિચક્રીની માફક જ હળવી ક્ષમતાના (લાયસન્સની
જરૂર વિનાના) ઈ-બાઈકના ચાલકે હેલ્મેટ પહેરવી સારી એમ જાણકારો સલાહ આપતાં કહે છે. - સ્વૈચ્છાએ વીમો લેવો : આ સ્કૂટર માટે વીમો ફરજિયાત નથી, જો કે, ચોરી કે અકસ્માતો સામે રક્ષણ મેળવવા માટે થર્ડ-પાર્ટી વીમો ખરીદવો એ હંમેશાં
સમજદારીભર્યો નિર્ણય છે. - કાયદો
બને તો જ ઉકેલ આવે : હળવા ઈ-બાઈકથી અકસ્માતના કિસ્સામાં જો વીમો
ન લીધો હોય તો ઈ-બાઈકના ચાલક કે માલિકને આર્થિક નુકસાન થઈ શકે છે. આ આખાં કોકડાંનો
એકમાત્ર ઉકેલ એ છે કે,
સરકાર રસ લઈને આ દિશામાં કાયદો લઈને આવે તો જ કંઈક થઈ શકે તેમ છે એમ
કાયદાના જાણકારો કહી રહ્યા છે.