ભુજ, તા. 13 : સોના-ચાંદીની આયાત ડયૂટી છ ટકાથી સીધી 15 ટકા કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને લીધે
કિંમતી ધાતુની આયાતમાં કમ સે કમ દસેક ટકાનો પણ ઘટાડો થાય, તો વિદેશી મુદ્રા ભંડારને સારું
બળ મળશે. બીજી તરફ સુવર્ણ અને રજતના અગાઉથી
જ આકાશી ભાવ ઓર વધી રહ્યા છે અને ગ્રાહકો માટે સુંવર્ણ અને રજત ખરીદવી વધુ મોંઘી બનશે
અને વેંચાણમાં વધુ ઘટાડો થતાં ખાસ કરીને કારીગરોની મુશ્કેલી વધશે. સાથે જ દાણચોરીનો
જૂનો ખેલ ફરી જીવંત થાય તેવી પણ દહેશત છે. જાણીતા વ્યાપારી અને કચ્છ બુલિયન ફેડરેશનના
અગ્રણી જગદીશ ઝવેરી કહે છે કે, ઈમ્પોર્ટ ડયૂટીમાં નવ ટકાનો વધારો
એટલે સાદો હિસાબ માંડીએ, તો 10 ગ્રામ સોનામાં રૂા.13પ00 જેટલો વધારો થઈ ગયો ઉપરાંત ત્રણ ટકા જીએસટી પણ લાગે છે. કુલ રૂા.22પ00 10 ગ્રામે સરકારના વેરા થાય છે. આ નિર્ણય પાછળનો કેન્દ્ર સરકારનો ઉદ્દેશ સારો
છે અને વિદેશી મુદ્રા ભંડાર વધે એ દેશ માટે સારી બાબત છે, પણ આયાત ડયૂટી વધાર્યા બાદ
સ્ટોક રિસ્ટ્રીક્શન સહિતની બાબતો ધ્યાનમાં લેવી પડશે. બાકી સોના અને ચાંદીના ભાવ ઓર
વધશે એટલે બજારમાં વેચાણ ઘટશે અને કારીગરોનો પ્રશ્ન વધુ ગંભીર બની શકે છે. વેપારીઓ
પાસે કામ નહીં હોય તો કારીગરો શું કરશે? ભુજ બુલિયન એસોસીએશનના
પ્રમુખ ભદ્રેશ દોશી કહે છે કે, ભારતીયો દર વર્ષે લગભગ 800થી 900 ટન સોનું આયાત કરે છે અને ઈમ્પોર્ટ ડયૂટી વધારવાના નિર્ણયથી અંદાજે 100 ટન સોનું ઓછું ઈમ્પોર્ટ થાય, તો દેશની તિજોરીને ફાયદો થાય.
ગયા વર્ષે આપણી સુવર્ણની આયાત 24 ટકા વધીને 71.98 અબજ
ડોલર થઈ ગઈ હતી. જો કે,
કચ્છ સહિતની બજારમાં મંદી વધશે અને વેપારીઓ તેમજ કારીગરોની તકલીફ પણ
વધી શકે. સોના-ચાંદીની સાથે પેકેજિંગ, આંગડિયા, ડિઝાઈનિંગ જેવા ઉદ્યોગો પણ જોડાયેલા છે તેમને પણ અસર પડશે. આમ તો ઘણા સમયથી સોના-ચાંદીના ભાવવધારાને લીધે કચ્છની
બજારમાં દાગીનાની ખરીદીમાં મંદીનો માહોલ છે, પણ બીજી તરફ રોકાણની
દૃષ્ટિએ કાચા માલનું વેચાણ સારું થતું હતું હવે તેના પર પણ અસર થશે. દરમ્યાન,
માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર આયાત ડયૂટી વધતાં ફરી એકવાર દાણચોરી
વધવાની શક્યતા છે. અમુક લોકોમાં વેરા આપ્યા વિના રોકડમાં બિલ વિનાનો માલ ખરીદવાનું
ચલણ વધી શકે છે અને બહારના ખાસ કરીને મધ્યપૂર્વના દેશોમાંથી સ્મગલિંગ પણ વધી શકે છે.
આયાત ડયૂટી અમલી બનતાં જ સોનામાં 10 ગ્રામે આઠેક હજારનો વધારો થઈ ગયો છે અને ચાંદી પણ ફરી એકવાર ત્રણ લાખ નજીક
પહોંચી ગઈ છે. ભાવ વધશે,
તો બજારને ફાયદો નહીં થાય. કચ્છમાં સોના-ચાંદીના પાંચેક હજાર કારીગર
છે. અને તે પૈકી 80 ટકા
પાસે તો સાવ ઓછું કામ છે તેમની મુશ્કેલી વધશે. - ભ્રષ્ટાચારમાં રોકડને બદલે ગોલ્ડ બિસ્કિટનું
ચલણ : જાણકાર સૂત્રોએ રસપ્રદ વાત કરી હતી કે, છેલ્લા કેટલાક સમયથી સરકારી
કામોમાં લાંચ સ્વરૂપે રોકડને બદલે સોનાના બિસ્કીટનું પણ ચલણ વધ્યું હતું અને તેને લીધે
પણ ગોલ્ડની ખપત વધી હતી અને કેન્દ્ર સરકારનાં ધ્યાને એ બાબત પણ આવી હશે.