• ગુરુવાર, 14 મે, 2026

કચ્છના વહીવટી તંત્રના ચહેરા બદલાયા

પ્રશ્નોને સમજીને તેના ઉકેલને પ્રાથમિકતા અપાશે :  શુક્રવારે પદભાર સંભાળવા પૂર્વે નવનિયુક્ત કલેક્ટર અનિલ રાણાવસિયાની કચ્છમિત્ર સાથે ખાસ વાતચીત : કચ્છમાં કામ કરવાનો અનુભવ પડકારજનક રહેશે : આનંદ પટેલનો કાર્યકાળ જિલ્લા માટે રહ્યો મહત્ત્વપૂર્ણ : ભુજ, તા. 13 : રાજ્ય સરકારે વહીવટી તંત્રના માળખાંમાં ધરખમ ફેરફાર કરી 72 જેટલા સનદી અધિકારીની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. બદલીના આ દોરમાં કચ્છના કલેકટર આનંદ પટેલની સ્કૂલ્સ કમિશનર ગાંધીનગર તરીકે બદલી કરાઇ છે. તેમનાં સ્થાને જૂનાગઢના કલેકટર અનિલ રાણાવસિયાને કચ્છના કલેકટરનો કાર્યભાર સોંપાયો છે. ત્યારે શુક્રવારે કચ્છના કલેકટરનો પદભાર સંભાળવા પૂર્વે કચ્છમિત્ર  સાથેની ખાસ વાતચીતમાં શ્રી રાણાવસિયાએ લોકસમસ્યા જાણી તેના ઉકેલ માટે સકારાત્મક પ્રયાસોને અગ્રતા આપવાની વાત કરી હતી. 2024ની બેચના આઇએએસ એવા અનિલ રાણાવસિયાએ કહ્યું કે, કચ્છ એ દેશનો વિશાળ વિસ્તાર ધરાવતો અને વિશિષ્ટ ભૌગોલિક તાસીર ધરાવતો પ્રદેશ છે. અહીં કામ કરવું પડકારજનક રહેશે તેમ કહેતાં શ્રી રાણાવસિયાએ કલેકટરપદનો કાર્યભાર સંભાળ્યા બાદ અહીં લોકોના પ્રશ્નો જાણી તેનો  ઉકેલ લાવવા સાથે સરકારની જે-જે વિકસાલક્ષી યોજના છે તેનો વ્યાપ આ સરહદી જિલ્લાના છેવાડા સુધી પહોંચે તે માટેના પ્ર્રયાસો હાથ ધરવાની નેમ વ્યક્ત કરી હતી. કચ્છમાં તેમનું પોસ્ટિંગ પ્રથમવાર થતું હોઇ કામગીરી કરવાને લઈ રોમાંચ જોવા મળતો હોવાનું કહ્યું હતું. હાલમાં જૂનાગઢના કલેકટર તરીકે કાર્યભાર સંભાળતા અનિલ રાણાવસિયા અગાઉ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર તરીકે અમદાવાદમાં, રાજકોટના  જિલ્લા વિકાસ અધિકારી, રાજ્ય ચૂંટણી આયોગ અને ખેડામાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે કાર્યભાર સંભાળી ચૂકયા છે. કચ્છ કલેક્ટર તરીકે જેમની બદલી થઇ છે એ આનંદ પટેલની કામગીરી પણ આ જિલ્લા માટે ઘણી મહત્ત્વની રહી છે. શ્રી પટેલે ઓપરેશન સિંદૂર સમયે ઉમદા કામગીરી કરી સંરક્ષણ દળો અને સ્થાનિક તંત્રોના સંકલન માટે મહત્ત્વનું કાર્ય કર્યું હતું. બ્લેકઆઉટના અમલ સહિતમાં તેમણે ચાવીરૂપ કામગીરી કરતાં ભારતીય આર્મી દ્વારા તેમને વિશિષ્ટ રીતે સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત તેમણે પોતાના કાર્યકાળ દરમ્યાન 105 ગામમાં રમતગમતનાં મેદાન નીમ કરવા  સરકારી તંત્રોને જમીન ફાળવણી કરવા સહિતનું કાર્ય કર્યું, લોકલક્ષી અભિગમને વેગ આપ્યો હતો. - કલેક્ટર આનંદ પટેલ અને ગાંધીધામ મહાપાલિકાના કમિશનર ગુરવાણી સહિત રાજ્યના 72 સનદી અધકારીની બદલી : કચ્છના નવા સમાહર્તા અનિલ રાણાવસિયા અને મ્યૂ. કમિ. બી.ડી. દવેરા : ભુજ/અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્ય સરકારે એકસાથે 72 આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂકનો આદેશ જાહેર કર્યો છે. આ ફેરફારોમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી અને વિવિધ સરકારી વિભાગોના ટોચના અધિકારીઓનો સમાવેશ થાય છે.  કચ્છ કલેક્ટર આનંદ પટેલને ગાંધીનગર ખાતે શાળા કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ પીએમ પોષણ યોજનાનો વધારાનો ચાર્જ  પણ સંભાળશે. તેમના સ્થાને અનિલ રાણાવસિયાને નિમણૂક અપાઈ છે. ગાંધીધામ મનપા કમિશનર મનીષ ગુરવાણીને નવસારી કલેક્ટર તરીકે બદલવામાં આવ્યા છે.  ગાંધીધામમાં તેમનું સ્થાન બી.ડી. દવેરા લેશે. શ્રી દવેરા વડોદરા અર્બન ડેવ. ઓથોરિટીના સીઈઓ હતો. અમદાવાદના કલેક્ટર સુજીત કુમારને રાજ્ય કર વિભાગમાં વિશેષ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે તેમના સ્થાને વલસાડના કલેક્ટર ભવ્ય વર્માને અમદાવાદના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારઘીને નાગરિક પુરવઠા વિભાગમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે.જ્યારે સુરત કલેક્ટર તરીકે તેજસ પરમારની વરણી કરવામાં આવી છે. મોરબીના કલેક્ટર કિરણ ઝવેરીને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બનાવાયા છે. તાપી-વ્યારા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના મેનાજિંગ ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે. નવસારી, દાહોદ, અરવલ્લી, ભરૂચ, ગીર-સોમનાથ, નર્મદા, બોટાદ સહિતના જિલ્લાઓમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી કરી નવી નિમણૂકો કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર મહા નગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનરોની બદલી કરવામાં આવી છે.  72 બદલીમાં કચ્છમાં અગાઉ ફરજ બજાવી ગયેલા ભવ્ય વર્મા ઉપરાંત ગૌરાંગ એચ. મકવાણાને કલેક્ટર ભરૂચથી ગુજરાત ઊર્જા એજન્સીના નિર્દેશક તરીકે, પ્રભવ જોશીને જૂનાગઢ મ્યુનિશિપલ કમિશનર તરીકેનો સમાવેશ થાય છે. 

Panchang

dd