ભુજ, તા. 20 : રણ, દરિયો અને પર્વતનો ત્રિવેણી સંગમ ધરાવતાં કચ્છમાં
છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવાસન ક્ષેત્રે અભૂતપૂર્વ ગણી શકાય તેવો વિકાસ થયો છે. નવેમ્બરથી
લઇ માર્ચ માસ સુધી ઊજવાતા પ્રવાસન પર્વનાં કારણે કચ્છનું અર્થતંત્ર પણ ગતિશીલ બની રહ્યું
છે. પ્રવાસન પર્વના સમયગાળામાં દેશ-વિદેશના લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આ મીઠડા મુલકની
મુલાકાત લઇ પ્રવાસન સૌંદર્ય માણી ચૂક્યા છે. ધોરડોનું સફેદ રણ, માંડવી બીચ, વિશ્વ વિરાસત ધોળાવીરા, ભુજનું સ્મૃતિવન, સરહદનો સંત્રી એવો કાળો ડુંગર,
કચ્છ કુળદેવી મા આશાપુરાનાં સ્થાનક માતાના મઢ સહિતના અન્ય ધર્મસ્થાનો
તેમજ પ્રવાસન સ્થળો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યા છે. પ્રવાસીઓનાં
આવાગમનનાં પગલે અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકાય છે. હોટેલ ઉદ્યોગ હોય કે રિસોર્ટ-ભૂંગાના
સંચાલકો, ઊંટગાડી, ઘોડાગાડીવાળાથી લઇ વિવિધ
વસ્તુઓનું વેચાણ કરતા વ્યવસાયકર્મીઓ માટે આ સમયગાળો આર્થિક કરવટ બદલવાનું માધ્યમ બનતો
હોય છે. - સફેદ રણમાં
માનવ મહેરામણ : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિથી ધોરડોનું સફેદ રણ આજે જગવિખ્યાત બન્યું છે. એક સમયે
અહીં ચાર દિવસનો ઊજવાતો રણોત્સવ ચાર માસ સુધી લંબાય છે. સફેદ રણમાં શીતલ ચાંદની, સૂર્યાસ્ત અને સૂર્યોદયનો નજારો માણવા સાથે
કચ્છી લોકસંસ્કૃતિની લિજ્જત માણવા અહીં દેશ-વિદેશના પ્રવાસીઓનો મહેરામણ ઊમટે છે. જિલ્લા
વહીવટી તંત્ર દ્વારા અપાયેલા સત્તાવાર આંકડા અનુસાર અત્યાર સુધી સવા લાખ પ્રવાસીઓ પરમિટ
લઇ સફેદ રણને નિહાળવા પહોંચ્યા છે. પરમિટ ફી પેટે તંત્રને 1.35 કરોડની આવક થઇ છે. આ વર્ષે
સફેદ રણમાં પ્રવાસીઓનો મહેરામણ નવા રેકોર્ડ સર્જે તેવી શક્યતાને નકારાતી નથી. - સ્મૃતિવનમાં ત્રણ માસમાં દોઢ
લાખ પ્રવાસી આવ્યા : વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્મૃતિવનને
યુનેસ્કોએ વિશ્વના શ્રેષ્ઠ સાત સંગ્રહાલયમાં સ્થાન આપ્યું છે. નવેમ્બરથી લઇ અત્યાર
સુધીના ત્રણ માસના સમયગાળામાં દેશ-વિદેશના દોઢ લાખ પ્રવાસીઓએ સ્મૃતિવનની મુલાકાત લીધી
હોવાનું સ્મૃતિવન સંગ્રહાલયના મનોજ પાંડેએ વિગતો આપતાં કહ્યું હતું. 2022માં નરેન્દ્ર મોદીના હસ્તે
લોકાર્પણ થયા બાદ ત્રણ વર્ષમાં 16 લાખથી વધુ
પ્રવાસીઓ સ્મૃતિવન આવ્યા છે. સ્મૃતિવન પરિસરમાં વિશ્વનું સૌથી મોટું મિયાવાકી વન પણ
ઊભું કરવામાં આવ્યું છે. 2001ના ભૂકંપમાં
મૃત્યુ પામેલાં બાળકોની સ્મૃતિમાં અંજારમાં બનાવાયેલાં વીર બાળ સ્મારકમાં પણ હજારોની
સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે. ભુજના આયના મહેલ, કચ્છ મ્યુઝિયમ, સ્વામિનારાયણ મંદિર ઉપરાંત ભુજોડીના વંદેભારત
મેમોરિયલમાં પ્રવાસીઓનું આવાગમન વધ્યું છે. - ધોળાવીરામાં 30 હજારથી વધુ પ્રવાસી આવ્યા : વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થયેલ ધોળાવીરામાં
આ ત્રણ માસના સમયગાળામાં 30 હજારથી વધુ
પ્રવાસી આવ્યા છે. રોડ-ટુ-હેવન થઇ ધોળાવીરા પહોંચવું વધુ સરળ બનતાં પ્રવાસીઓ સારી એવી
સંખ્યામાં હડપ્પન સંસ્કૃતિના વારસાને જોવા આવે છે. રોડ-ટુ-હેવનમાં સફેદ રણ અને પક્ષી
સૃષ્ટિનો અલભ્ય નજારો માણી પ્રવાસીઓ ધોળાવીરા પહોંચી અદ્ભુત માહોલનો અનુભવ કરે છે.
- વ્યવસાયકર્તાઓના મુખ પર રોનક
: ધોરડો અને ધોળાવીરામાં ટેન્ટસિટીના નિર્માણ
સાથે નજીકના આઠથી દશ કિ.મી.ના વિસ્તારમાં ભૂંગા અને રિસોર્ટનું નિર્માણ કરાયું છે.
વળી ભુજમાં પણ પ્રવાસન પર્વની સિઝન દરમ્યાન હોટેલો અને રિસોર્ટ પેક જોવા મળે છે. ધોરડોમાં
વિશેષ ક્રાફ્ટ બજારની સાથે ભુજમાં પણ કચ્છી બાંધણી,
શાલ ઉપરાંત અડદિયા જેવી વસ્તુની ખરીદી કરવા પ્રવાસીઓ ઊમટી પડતા હોવાથી
બજારમાં પણ આર્થિક ચહલ-પહલ વધી ગઇ છે. વેપારીઓના જણાવ્યાનુસાર આ સમયગાળામાં સામાન્ય
દિવસોની તુલનાએ ખરીદીનો આંક બમણો થઇ જતો હોય છે. ભીરંડિયારાના મીઠા માવાની લાખો રૂપિયાની
ખરીદી થતી હોવાનું સ્થાનિક વેપારીઓએ વિગતો આપતાં કહ્યું હતું. - વિમાનના પ્રવાસીઓ વધ્યા : ટ્રેનો
પેક : પ્રવાસનની આ સિઝન પરિવહન ક્ષેત્રને પણ ફળી
છે. નવેમ્બરથી લઇ જાન્યુઆરી માસના અત્યાર સુધીના સમયગાળામાં વિમાનના પ્રવાસીઓનો આંક
લગભગ બમણો થયો છે. મુંબઇ-ભુજ અને દિલ્હીને જોડતી ચાર ફ્લાઇટમાં આ સમયગાળામાં 40 હજારથી વધુ મુસાફરો આવ્યા છે. એ જ રીતે આ સમયગાળામાં ભુજ-ગાંધીધામની
ટ્રેનો પણ હાઉસફુલ દોડી રહી છે.