ભુજ, તા. 3 : આગામી 7 અને 8 માર્ચના સફેદ રણમાં ગ્લોબલ ગુજરાતી એવોર્ડ સમારોહનું આયોજન થવાનું
છે, ત્યારે કચ્છયાત્રા રિસોર્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં
ભાગ લેવા આવનાર ગુજરાતના નામાંકિત કલાકારો સમક્ષ કચ્છની કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભા ઉજાગર થશે. ગ્લોબલ ગુજરાતી એવોર્ડ સમારોહ
કચ્છી પ્રતિભાઓને મજબૂત મંચ પૂરો પાડશે. ધોરડો સફેદ રણ ખાતે આયોજિત બે દિવસીય કાર્યક્રમના
પ્રથમ દિવસે કચ્છની ભાતીગળ સંસ્કૃતિને દર્શાવતો કાર્યક્રમ રજૂ થશે, તો બીજા દિવસે 40થી વધુ કેટેગરીમાં
એવોર્ડ એનાયત થશે. બે દિવસીય ગ્લોબલ ગુજરાતી એવોર્ડ સમારોહમાં ગુજરાતના દિગ્ગજ કલાકારોનો મેળાવડો જામશે.
આ એવોર્ડ સમારોહનું આયોજન એ.આર. 9 હોલિ-ડે પ્રાઇવેટ
લિમિટેડ દ્વારા કરાઇ રહ્યું છે. કચ્છમાં પ્રથમવાર
આયોજિત થનારા એવોર્ડ ફંક્શન સમારોહમાં સિદ્ધાર્થ રાંદેરિયા, શેખર શુક્લા, પૂજા જોશી,
યશ સોની, જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, મોના થીબા કનોડિયા, શ્રૃહદ ગોસ્વામી, મયૂર વાંકાણી, ધર્મેશ વ્યાસ, પ્રિન્સ ગુપ્તા, ભાવિની જાની, સુનીલ વિસરાની સહિત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના
40થી વધુ કલાકારો ઉપસ્થિત રહી પોતાનું પરફોર્મન્સ
પણ કરવાના છે. ગ્લોબલ ગુજરાતી એવોર્ડ સમારોહમાં કચ્છની છ પ્રતિભાનું પણ વિશેષ બહુમાન
થવાનું છે. ગ્લોબલ ગુજરાતી એવોર્ડની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ થયા બાદ કચ્છમાં
આ એવોર્ડ સમારોહનું આયોજન પ્રથમવાર થઇ રહ્યું છે. ગ્લોબલ ગુજરાતી એવોર્ડ ગુજરાતની ઓળખ, ગૌરવ અને વૈશ્વિક પ્રસ્તુતિઓનો મંચ બનશે તેવો
સંકલ્પ આયોજકો વ્યક્ત કરી ચૂક્યા છે. આ એવોર્ડ સમારોહની ટિકિટ બૂક માય શો પર ઉપલબ્ધ
છે, ત્યારે કચ્છી માડુઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બને તેવો અનુરોધ
આયોજકો દ્વારા કરવામાં આવ્યો છે.પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું સફેદ રણમાં આયોજન થવું
એ કચ્છ માટે એક ગૌરવની બાબત છે.