ભુજ, તા. 3 : ગત તા. 27/2ના માંડવીના શેરડી-ગંગાપર માર્ગે વચ્ચે આખલો આવતાં બાઇકના અકસ્માતમાં પાછળ
બેઠેલા શેરડીના 35 વર્ષીય યુવાન
વિનેશ શાંતિલાલ ગરવાને માથામાં ગંભીર ઇજા પહોંચતાં અમદાવાદમાં સારવાર દરમ્યાન તેનું
મૃત્યુ થયું હતું. મુંદરાના શિરાચાના 35 વર્ષીય યુવાન હિંમતભાઇ બબુભા જાડેજાએ ગળેફાંસો ખઇ જીવ દીધો હતો.
જ્યારે અબડાસાના પરજાઉના 25 વર્ષીય યુવાન
સચિનભાઇ રામજીભાઇ મહેશ્વરીએ એકાદ માસ પૂર્વે ઝેરી દવા પી લીધી હતી, પરંતુ લાંબા સમયની સારવાર કારગત ન નીવડતાં ગઇકાલે
અંતિમ શ્વાસ લીધા હતા. શેરડી ગામે રહેતો વિનેશ તેના કાકાઇ ભાઇ શૈલેષ રામજીભાઇ ગરવા
બંને તા. 27/2ના સાંજે
બાઇક નં. જી.જે. 12-એચ.જી. 3273વાળી લઇને ભાડઇ જઇ રહ્યા હતા.
શૈલેષ બાઇક ચલાવતો હતો અને વિનેશ પાછળ બેઠો હતો. શેરડી-ગંગાપર વચ્ચે આવેલી પાવડીથી
થોડે દૂર ગંગાપર બાજુ પહોંચ્યા ત્યારે માર્ગમાં આખલો આડો આવતાં બાઇક સાથે અકસ્માત થયો
હતો. આથી વિનેશને માથા અને ખભામાં ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. વિકેશને 108 મારફત પ્રથમ ભુજની જી.કે. જનરલ
હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં શત્રક્રિયા કરવામાં
આવી હતી. વિનેશની સારવાર ચાલુ હતી ત્યારે હોસ્પિટલમાં
તા. 1/3ના તેનું મૃત્યુ થયું હોવાની
વિગતો વિનેશના પિતા શાંતિલાલે આજે ગઢશીશા પોલીસ મથકે જાહેર કરતાં પોલીસે ચાલક શૈલેષ
વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. શિરાચાના હિંમતસિંહે ગઇકાલે કોઇ અગમ્ય કારણોસર
શિરાચા ત્રણ રસ્તા પાસે પ્રભાતસિંહ ચૌહાણની ઓફિસની પાછળ લોખંડની સીડી સાથે મફલર બાંધીને
ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ અંગે વિગતો જાહેર કરતાં મુંદરા પોલીસે અકસ્માત
મોતનો ગુનો દાખલ કર્યો હતો. અબડાસા તાલુકાના પરજાઉના યુવાન સચિનભાઇ મહેશ્વરીએ ગત તા.
29/1ના સવારે કોઇ અગમ્ય કારણોસર
પરજાઉની વાડીમાં ઝેરી દવા પી લીધી હતી. આથી સચિનભાઇને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ
હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક માસથી પણ વધુ એવી લાંબી સારવાર પણ કારગત ન નીવડતાં ગઇકાલે
તેણે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા.