નવી દિલ્હી, તા. 2 : ઇરાન-ઇઝરાયેલ-અમેરિકા
વચ્ચેની યુદ્ધની અસર ખેલ જગત પર પડી છે. ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં બુધવારથી
બેડમિન્ટનની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી ટૂર્નામેન્ટ ઓલ ઇંગ્લેન્ડ શરૂ થઈ રહી છે. જેમાં
ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ સહિત બીજા કેટલાક ખેલાડીઓનું ભાગ લેવું શંકાસ્પદ
બન્યું છે. પીવી સિંધુ હાલ દુબઇમાં ફસાઈ છે. દુબઈનું વિમાની મથક બંધ છે. આથી
સિંધુનું સમયસર ઇંગ્લેન્ડ પહોંચવું શક્ય જણાતું નથી. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન
(બીડબ્લ્યૂએફ)એ કહ્યું છે કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. જે ખેલાડીઓને
બર્મિંગહામ પહોંચવામાં મોડું થશે તેમની મદદ માટે અમે તૈયાર છીએ. ઓલ ઇંગ્લેન્ડ
ચેમ્પિયનશિપમાં સિંધુનો પહેલો મેચ થાઇલેન્ડની ખેલાડી સુપનિદા સામે છે. જો કે સિંધુ
સમયસર પહોંચશે નહીં, આથી થાઇલેન્ડની ખેલાડીને વોકઓવર મળી જશે.
ભારતનો યુવા ખેલાડી લક્ષ્ય સેન ઇંગ્લેન્ડ પહોંચી ચૂક્યો છે. તેનો પહેલા
રાઉન્ડમાં વિશ્વ નંબર વન શી યૂકી સામે ટક્કર થશે. ઉન્નતિ હુડા આફ્રિકાના લાંબા
હવાઇ રસ્તાથી લંડન પહોંચી છે. મેન્સ ડબલ્સમાં સાત્ત્વિક-ચિરાગ સમયસર લંડન
પહોંચવામાં સફળ રહ્યા છે. આ જોડી મલેશિયાના ખેલાડી સામે રમી તેમનું અભિયાન શરૂ
કરશે. ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં પ્રકાશ પાદુકોણે 1980માં
અને પુલેલા ગોપીચંદ 2001માં ચેમ્પિયન થયા હતા જ્યારે
સાઇના નેહવાલ અને લક્ષ્ય સેન ઉપવિજેતા રહી ચૂક્યા છે.