ગાંધીધામ, તા. 3 : ગાંધીધામ મહાનગરપાલિકાના વહીવટી
તંત્રએ શહેરના રાષ્ટ્રીય ધોરીમાર્ગની લઘુ લગ્ન પ્લોટ નંબર 14ની છ દુકાનના જવાબદારોએ 4.27 લાખનો વેરો ભરપાઈ ન કરતાં તે
દુકાનોને સીલ કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી આસપાસમાં ફફડાટ ફેલાતાં અન્ય 14 દુકાનના જવાબદારોએ સ્થળ ઉપર
8.20 લાખનો ટેક્સ ભરપાઈ કર્યો હતો.
ચાલુ નાણાકીય વર્ષના અંતિમ માર્ચ મહિનામાં વસૂલાતના લક્ષ્યાંક સુધી પહોંચવું જરૂરી
છે જેનાં પગલે જ વહીવટી તંત્ર દ્વારા મિલકત સીલ કરવા સહિતની કાર્યવાહી શરૂ કરવામાં
આવી છે. મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 50 કરોડના માગણાની સામે 22 કરોડથી વધુની વેરાવસૂલાત કરવામાં આવી છે ને અત્યાર સુધીમાં લગભગ
40,000 કરદાતાઓએ મહાનગરપાલિકાને ટેક્સ
ભરપાઈ કરી દીધો છે અને હવે 20,000ની આસપાસ
કરદાતાઓ પાસેથી વેરાવસૂલાત માટેની કાર્યવાહી થઈ રહી છે. ગઈકાલે મહાનગરપાલિકાના વહીવટી
તંત્રએ મિલકત સીલ કર્યા પછી બીજા દિવસે વધુ છ દુકાનોને સીલ કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી
અન્ય 14 દુકાનદારો 8.20 લાખનો વેરો ભરપાઈ કરી ગયા હતા.
આ કાર્યવાહીમાં ઇન્ચાર્જ ટેક્સ ઇસ્પેક્ટર નિયત ધોળકિયાની સાથે કનૈયાલાલ સાધુ તથા કમલ
કેલા, અનિલ ભાટિયા, જયકુમાર
મૌરયાની અને વિભાગનો સ્ટાફ જોડાયો હતો. મહાનગરપાલિકાના એક વિભાગ દ્વારા 30 કરોડથી વધુની વેરા વસૂલાત માટે
મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકાનો વહીવટ ચલાવવા માટેનો આવકનો
મુખ્ય સ્રોત ટેક્સ છે તેના કારણે જ તેની વસૂલાત ઉપર ભાર મુકાઈ રહ્યો છે. આગામી સમયમાં
50,000થી વધુના મોટા બાકીદારો મહાનગરપાલિકાને
ટેક્સ ભરપાઈ નહીં કરે તો તેમની મિલકતોને ટાંચમાં લઈને સીલ કરવા સહિતની કાર્યવાહી કરવામાં
આવશે. અત્યાર સુધીમાં કરદાતાઓને માત્ર નોટિસ આપવામાં આવતી હતી તેમ છતાં કરદાતાઓ દ્વારા
મહાનગરપાલિકાને વેરો ભરપાઈ કરવામાં ન આવતાં વિભાગ દ્વારા મિલકત જપ્તી સહિતની કાર્યવાહી
કરવામાં આવી રહી છે. - વ્યાજ માફી યોજના લાગુ થાય તેવી સંભાવના નહિવત : વર્ષોથી જે કરદાતાઓએ ટેક્સ ભર્યો નથી તેઓ
વ્યાજ માફી યોજનાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ચાલુ નાણાકીય વર્ષના અંતિમ માર્ચ મહિનાના પણ ત્રણ દિવસ વીતી ગયા છે.
હવે આ વર્ષે તો વ્યાજ માફી યોજના લાગુ થાય તેવી કોઈ સંભાવનાઓ દેખાતી નથી. જો આ યોજના
લાગુ કરવાની હોય તો અત્યાર સુધીમાં થઈ જવી જોઈએ, પરંતુ વહીવટી
તંત્ર તરફથી વ્યાજ માફી યોજના લાગુ કરે તેવા કોઈ સંકેત મળતા નથી અને જે કરદાતાઓ ટેક્સ
ભરપાઈ નહીં કરે તેમની સામે મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવું તંત્ર
કહી રહ્યું છે.