• બુધવાર, 04 માર્ચ, 2026

ન્યૂઝીલેન્ડ પર ઈતિહાસ બદલવાનું દબાણ

કોલકાતા, તા. 3 : ટી-20 વિશ્વકપની પ્રથમ સેમિફાઇનલમાં અહીંના ઇડન ગાર્ડન સ્ટેડિયમ પર દ. આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ ટીમ આમને-સામને હશે ત્યારે બે અલગ-અલગ એપ્રોચની ટીમ વચ્ચે ટક્કર જોવા મળશે. ન્યૂઝીલેન્ડ ટીમની ખાસિયત એ છે કે, તે દબાણમાં રસ્તો કાઢી આગળ વધે છે. સામે દ. આફ્રિકા ટીમ આઇસીસી ટૂર્નામેન્ટમાં વારંવાર ચોકર્સ સાબિત થઈ છે. તે દબાણમાં વિખેરાઈ જાય છે. જો કે, આફ્રિકા ટીમે આ લેબલ ગયા વર્ષે દૂર કર્યું છે. તેણે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મજબૂત ઓસ્ટ્રેલિયાને હાર આપી બે દશક પછી આઇસીસી ખિતાબ કબજે કર્યો હતો. હવે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા માટે એડન માર્કરમની ટીમે તેનું હાલનું શાનદાર ફોર્મ જાળવી રાખી કિવિઝ ટીમ પર હાવી થવું પડશે.  પ્રોટિયાજ (આફ્રિકી ટીમ) વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી સારો દેખાવ કરવામાં સફળ રહી છે. ખરા અર્થમાં આફ્રિકી ટીમ બ્રાંડ ક્રિકેટ રમી છે, જેમાં ટોપ ઓર્ડરમાં સંયમિત અને ફાસ્ટ બોલિંગમાં સમજદાર આક્રમકતાનો સમન્વય કર્યો છે. તેની આ રણનીતિ સફળ રહી છે અને સેમિફાઈનલ સુધી અપરાજિત રહી પહોંચી છે. દરેક મેચમાં માર્કરમની ટીમનું વલણ ઢીલું-પોચું નહીં, પ્રભાવશાળી રહ્યું છે. જે આ ટૂર્નામેન્ટમાં ભારત-ઇંગ્લેન્ડ સહિતની અન્ય કોઇ ટીમ કરી શકી નથી. બીજી તરફ બ્લેક કેપ (ન્યૂઝીલેન્ડ) ટીમે ચુપચાપ અને મજબૂત અભિયાન સાથે સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. મિચેલ સેંટનરની ટીમ ગેમ એવરનેસ પર વધુ ભરોસો કરી રહી છે. આ ટીમ ક્યારે પણ ગભરાતી નથી. નોકઆઉટ મેચમાં આ મિજાજ મહત્ત્વનો બની રહે છે. સુપર-8 રાઉન્ડની નિર્ણાયક મેચમાં વિજય નજીક પહોંચી કિવિઝ ટીમ ઇંગ્લેન્ડ સામે હારી હતી. આથી તેનો સેમિફાઇનલ પ્રવેશ મઝધારમાં ફસાયો હતો. અંતમાં પાક.ની શ્રીલંકા સામે પાંચ રનની જીત પછીના સમીકરણ તેના પક્ષમાં રહ્યા અને અંતિમ-4માં જગ્યા બનાવી હતી. કિવિઝ ટીમ હવે આ મોકાનો લાભ લેવા વધુ એક ચોંકાવનારો દેખાવ કરવા ઉત્સુક છે. ઇડન ગાર્ડનની પીચ પર પહેલાંની જેમ બાઉન્સ અને શોર્ટને વેલ્યૂ મળે છે. પાવરપ્લેમાં સચોટ ઝડપી બોલિંગને પણ ઇનામ મળે છે. સાંજના સમયે ઝાકળની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બને છે. અહીં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ પસંદ કરે છે.  

Panchang

dd