• મંગળવાર, 03 માર્ચ, 2026

ભારત-કેનેડા સંબંધોમાં નવી ઊર્જા

ભારત-કેનેડાના સંબંધો છેલ્લાં થોડાંક વર્ષોથી ટાઢાબોળ હતા અને વડાપ્રધાન માર્ક કાર્નીની ભારતયાત્રાને કારણે એમાં ઉષ્મા આવી છે. બદલાતા વૈશ્વિક સમીકરણ વચ્ચે કેનેડાને ભારતની મહત્તા સમજાઈ રહી હોય એવું લાગે છે. મુંબઈમાં બિઝનેસ ક્ષેત્રના માંધાતાઓ સાથેની બેઠક બાદ કાર્નીની ચાર દિવસની આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવી શરૂઆત થવાનાં એંધાણ છે. કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સાથી પક્ષોના શીખ પ્રતિનિધિઓને રાજી રાખવા નવી દિલ્હીમાં ખેડૂત આંદોલનો વખતે કરેલી ટિપ્પણી ભારતની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ જેવી હતી અને એ પછી કેનેડાની ધરતી ખાલિસ્તાનવાદી કેનેડિયન શીખની હત્યા માટે ભારત પર તહોમત લગાડવા જેવાં પગલાં બાદ બંને દેશ વચ્ચેના સંબંધ સૌથી નીચાં સ્તરે પહોંચી ગયા હતા. જો કે, ગયાં વર્ષે માર્ચમાં કાર્ની ચૂંટાઈ આવ્યા એ પછી કેનેડાનો અભિગમ સદંતર બદલાયો. ગયાં વર્ષે જૂન અને પછી નવેમ્બરમાં વડાપ્રધાન મોદી અને કાર્ની વચ્ચેની બેઠકોથી સકારાત્મકતા ઓર વધી છે અને દોઢેક દાયકાથી અટકી પડેલા ઇન્ડિયા-કેનેડા કોપ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ પર વાટાઘાટો આગળ વધશે. અમેરિકાના ટેરિફ તકાદા પછી કેનેડા માટે વેપાર બાબતે આ દેશ પર મદાર ઘટાડી નવા ટ્રેડ ભાગીદારો બનાવવા જરૂરી છે. આથી ભારતની અવગણના કરવાનું હવે તેને પાલવે એમ નથી. કેનેડાની જેમ જ ભારતને પણ અમેરિકાની ટેરિફ નીતિનો ફટકો પડયો છે. યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ટેરિફ ઘટી હોવા છતાં આ મોરચે અનિશ્ચિતતા યથાવત્ છે. દાવોસ જેવા મંચ પરથી ટ્રમ્પની નીતિઓની વિરુદ્ધ કાર્નીએ બોલવાની હિંમત કરી હતી અને કેનેડા કોઈ પણ દબાણ હેઠળ નહીં આવે એવો હુંકાર પણ કર્યો હતો. ભારતને પણ કેનેડા સાથેના સહયોગથી ઊર્જા ક્ષેત્રમાં તથા નાગરિક પરમાણુ ઊર્જા તથા યુરેનિયમ ધાતુ માટેનો કરાર અને કેનેડિયન ક્રૂડતેલ માટેની સમજૂતીમાં રસ છે. જે ઝડપે ભારત અને કેનેડાએ સંબંધોમાં સુધારણા લાવવાની દિશામાં કાર્ય કર્યું છે એનાથી એ તો સ્પષ્ટ છે કે, બંને વડાપ્રધાન આજની વૈશ્વિક વાસ્તવિકતાઓથી સુપેરે વાકેફ છે.

Panchang

dd