મુંદરા, તા. 3 : આધુનિક શિક્ષણ સાથે અતૂટ સંકલ્પના
સમન્વયનાં અદ્ભુત પરિણામનું ઉદાહરણ મુંદરામાં જોવા મળ્યું હતું. તાજેતરમાં અદાણી ફાઉન્ડેશન
પ્રેરિત `પ્રોજેક્ટ ઉત્થાન' અંતર્ગત આયોજિત સમારોહમાં એબેક્સ તાલીમ પૂર્ણ
કરનાર નવયુવાનોને પ્રમાણપત્રોથી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના સ્થાનિક આગેવાનો
સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુંદરા ખાતે આયોજિત કાર્યક્રમમાં એવા
`ગણિતના જાદૂગરો'નું સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે `બ્રેઈન પ્રો
એબેક્સ'ના લેવલ-1 અને લેવલ-3ની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી હોય. આ
સમારોહની સૌથી રોમાંચક ક્ષણ એ હતી, જ્યારે આ બાળકોએ સેકેન્ડોમાં ગણિતના અઘરા દાખલાઓના સ્પષ્ટ જવાબો આપીને ઉપસ્થિત
મહેમાનો, સરકારી અધિકારીઓ અને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
એબેક્સ તાલીમની જાદૂઈ અસરોની વાત કરીએ તો તેનાથી બાળકોમાં એકાગ્રતાની શક્તિમાં થયેલો
વધારો ઊડીને આંખે વળગે તેવો હતો. વળી, બ્રેઈન પ્રો એબેક્સ એ બાળકોના
સંપૂર્ણ માનસિક વિકાસ માટેનો એક આધુનિક તાલીમ કાર્યક્રમ છે. તે માત્ર ગણિત શીખવાનું
સાધન નથી, પરંતુ મગજની ક્ષમતા વધારવાની એક પદ્ધતિ છે,
જેનાથી મગજના સંતુલિત વિકાસ દ્વારા બાળકોની યાદશક્તિ અને માનસિક ચપળતા
તેજ બને છે. એટલે એમ કહી શકાય કે, આ કાર્યક્રમથી બાળકોના મગજનો
સર્વાંગી વિકાસ થયો છે. વર્ષ 2018થી કચ્છની ધરતી પર કાર્યરત પ્રોજેક્ટ ઉત્થાન દ્વારા પ્રદેશમાં
શિક્ષણનું નવસર્જન થઈ રહ્યું છે. અદાણી ફાઉન્ડેશનના અવિરત પ્રયાસોને કારણે 15,000થી વધુ બાળક આ પ્રોજેક્ટનાં
માધ્યમથી પોતાનાં સપનાંઓને પાંખો આપી રહ્યા છે. મુંદરાની 50 સરકારી શાળાના 1,800 બાળક રાજિંદા શિક્ષણમાં નવીનતમ
ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારની આશરે 100 શાળામાં શિક્ષણની ગુણવત્તામાં
ક્રાંતિકારી સુધારો જોવા મળ્યો છે.