• બુધવાર, 04 માર્ચ, 2026

સુખપર : આંગણામાં દાટેલો 6.15 લાખનો શરાબ જપ્ત

ભુજ, તા. 3 : તાલુકાના સુખપર ગામે બાતમીનાં પગલે માનકૂવા પોલીસે મકાન ઉપર દરોડો પાડતાં ઘરના આંગણામાં ખાડો ખોદી દાટેલો રૂા. 6,15,585નો શરાબ ઝડપી પાડયો હતો. આ અંગે માનકૂવા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે રાત્રે પોલીસને સચોટ બાતમી મળી હતી કે, સુખપરમાં સુથાર સમાજવાડી પાછળ રહેતો જયદીપ વિજયભાઇ ચૂડાસમાએ પોતાના મકાનમાં શરાબનો જથ્થો સંતાડીને રાખ્યો છે. આ બાતમીનાં પગલે પંચોને સાથે રાખી મધ્ય રાત્રે પોલીસે જયદીપનું ઘર ખખડાવતાં તેના માતાએ દરવાજો ખોલ્યો હતો અને જયદીપ રાજકોટ ગયાનું જણાવ્યું હતું. પોલીસે દરોડાની સમજ આપી નિરીક્ષણ કરતાં ઘરના આંગણાની દીવાલ પાસે તાજું ખોદકામ દેખાયું હતું. પાવડાથી માટી હટાવતાં શરાબના જથ્થાની પેટીઓ     મળી આવી હતી. વિવિધ બ્રાન્ડની નાની-મોટી શરાબની બોટલો અને અલગ-અલગ બ્રાન્ડના બિયરના ટીન એમ કુલ્લે 994 નંગ જેની કિં. રૂા. 6,15,585નો શરાબનો જથ્થો પોલીસે હસ્તગત કરી આરોપી જયદીપ વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી. આરોપી જયદીપ વિરુદ્ધ અગાઉ ભુજ એ-ડિવિઝન અને માનકૂવા પોલીસ મથકે શરાબ સંબંધિત ગુના નોંધાઇ ચૂકયા છે.આ કામગીરીમાં માનકૂવા પીઆઇ કે.એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એ.એન. ધાસુરા, એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ રાણા, જિજ્ઞેશભાઇ અસારી, હેતલબેન ગોસ્વામી, હે.કો. અશોકભાઇ ડાભી, વિનોદજી ઠાકોર, કિરણભાઇ પુરોહિત, મહેશભાઇ વાળા, આરાભાઇ ચૌધરી, ભરતજી ઠાકોર, કોન્સ. મહેશભાઇ જાદવ, ડ્રાઇવર હે.કો. વિજયભાઇ ખાટ, કિશોરસિંહ સોઢા, જી.આર.ડી. સભ્ય સંજયભાઇ ગોસ્વામી, મહેશભાઇ જોડાયા હતા. 

Panchang

dd