• બુધવાર, 04 માર્ચ, 2026

મહિલા બોક્સ ક્રિકેટ-આનંદ મેળાની મોજ

ભુજ, તા. 3 : કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન મહિલા સંઘ કચ્છ પ્રદેશ દ્વારા આયોજિત મહિલા બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ તથા આનંદ મેળાનું આયોજન તાજેતરમાં નિષ્કલંકી નારાયણ તીર્થધામ-નખત્રાણા ખાતે  થયું હતું. આમાં સંસ્થાના ગાદીપતિ મહંત શાંતિપ્રિયદાસજી મહારાજ (અધ્યક્ષ-અખિલ ભારતીય સંત સમિતિ નિષ્કલંકીધામ-નખત્રાણા), અતિથિવિશેષ નિષ્કલંકી નારાયણધામ નખત્રાણાના ચેરમેન જયંતીભાઇ લીંબાણી, સમૂહલગ્ન આયોજન સમિતિના ચેરમેન હીરાલાલ ભીમાણી, યુવા સંઘ કચ્છ પ્રદેશના પ્રમુખ ઉમેશભાઇ વાસાણીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવેલા આનંદ મેળામાં ખાણી-પીણીના વિવિધ સ્ટોલ તથા મનોરંજન માટેના સાધનોનો નાના બાળકો તેમજ સ્વયં મહિલા સંઘની બહેનોએ પોતાની જાતમહેનતથી બનાવેલી ખાણી-પીણીની વસ્તુઓનો લોકોએ લાભ લઇ મોજ માણી હતી. મહંત શાંતિપ્રિયદાસજી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યું કે, કચ્છ સતપંથ સનાતન મહિલા મંડળના આ આયોજનને બિરદાવી આવા પ્રસંગો કાયમ થતા રહે તો દરેક બહેનોમાં જાગરુકતા, સંપ, સંગઠન અને એકતાની ભાવના ખીલી ઊઠે છે. મહિલા બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કચ્છભરમાંથી 28 ટીમે ભાગ લીધો હતો. અંતિમ આઠ ટીમને વિવિધ કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. જેમાં વડવા અને દેશલપરની ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જેમાં ફાઇનલમાં મા ઉમિયા એવેન્જર્સ  દેશલપરની ટીમ 14 રને વિજેતા થઇ હતી. પૂનમ રામજિયાણી, અક્ષી વાસાણી, જાનકી લીંબાણી તથા સેજલ નાકરાણી જેવા ખેલાડીઓએ વિશેષ પ્રદાન કર્યું હતું. વિજેતા ટીમ સ્પોન્સર રામદેવ ફાર્મના લાલજીભાઇ ધોળુ (દુર્ગાપુર) રહ્યા હતા, તો સર્વે ખેલાડીઓને ટી-શર્ટ પ્રગતિ ટિમ્બર (મોરબી) તરફથી તથા ભારત પેટ્રોલિયમ, શ્રી ઉમા પેટ્રોલિયમ તરફથી કેપ આપવામાં આવી હતી. આ સમગ્ર ટૂર્નામેન્ટના સ્પોન્સર નીલકંઠ ઇન્ફ્રા. (અમદાવાદ) રહ્યા હતા. આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે મહિલા સંઘના પ્રમુખ ચંદ્રિકાબેન રંગાણી, મહામંત્રી વનિતા રૂડાણી અને મહિલા સંઘના કારોબારી સદસ્યોએ જહેમત ઉઠાવી હતી. 

Panchang

dd