ગાંધીધામ, તા. 3 : ગાંધીધામના વિવેકાનંદ સર્કલ
એટલે કે જેને બેન્કિંગ સર્કલ તરીકે ઓળખવામાં આવે છે ને અહીં દરરોજ હજારો લોકોની અવરજવર
રહે છે. કરોડો રૂપિયાના વ્યવહારો થાય છે ત્યાં સર્કલનું કામ મંથર ગતિએ થતું હોવાથી
ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી
રહ્યો છે. ઘણા લાંબા સમયથી આ સર્કલનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ધીમી ગતિએ થતું હોવાથી સમસ્યાઓ વધી રહી
છે. વાણિજ્ય ગતિવિધિ જે જગ્યાએ થઈ રહી છે ત્યાં ધીમી ગતિએ થતાં કામથી અનેક સમસ્યાઓ
સર્જાઈ રહી છે. ભૂતકાળમાં ટ્રાફિક સમસ્યાનો લાભ લઈને અનેક બનાવો બન્યા છે. બેન્કિંગ
વિસ્તાર હોવાથી ચાંપતી નજર માટે પોલીસે સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે, પરંતુ હાલના સમયે અહીં વિવેકાનંદ સર્કલનું કામ થઈ રહ્યું છે અને સાવ ધીમી ગતિએ
થતું હોવાથી સમસ્યાઓ વધી રહી છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા આ સર્કલની ગંભીરતા
સમજીને ઝડપથી કામ થાય તે દિશામાં પગલાં ભરવાં જરૂરી છે. મળતી માહિતી પ્રમાણે અહીં હાઈમાસ્ટ
લાઈટ લગાડવામાં આવી છે અને તેનું ટેસ્ટિંગ થઈ ગયું છે, પરંતુ
થ્રી ફેઝ કનેક્શન હજુ સુધી મળ્યું નથી આ ઉપરાંત સર્કલને ફરતી કામગીરી બાકી છે અને લગભગ
15 દિવસથી લઈને એક મહિના દરમિયાન
કામ પૂરું થાય તેવી સંભાવનાઓ છે અને ત્યાં સુધી લોકોને અહીં મુશ્કેલીઓનો સામનો કરવો
પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ વાણિજ્ય વિસ્તાર છે. અનેક બેંકો આવેલી છે. બેંકોની અંદર
કરોડો રૂપિયાના વ્યવહાર થાય છે. ભૂતકાળમાં લૂંટ સહિતના બનાવો બન્યા છે. અહીં ધીમી ગતિએ
થતી કામગીરી મુશ્કેલીઓ સર્જી રહે છે. વાહનો પાર્કિંગ થઈ શકતા નથી તેના કારણે ટ્રાફિક
સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા તાકીદે અહીં કામ
પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે. જો કે આ સર્કલમાંથી પાણી નિકાલની વ્યવસ્થાઓ બાબતે સવાલો
ઊઠી રહ્યા છે ને આ દિશામાં પણ વહીવટી તંત્રએ ધ્યાન આપવું આવશ્યક છે. - સેક્ટર-પાંચમાં
માર્ગનું કામ લોકો માટે માથાના દુ:ખાવા સમાન
બન્યું : ગાંધીધામના સેક્ટર-પાંચમાં ગીતા પાનથી રામદેવપીર
મંદિર સુધીના માર્ગનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને ઘણા દિવસોથી તો બંધ છે તેના
કારણે લોકોને વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ કામ માથાના દુ:ખાવા
સમાન બની ગયું છે. લોકોને પોતાના ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. કામની ગુણવત્તા
સામે પણ સવાલો ઊઠયા છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા લોકોને સુવિધા માટે માર્ગ
બનાવવામાં આવે છે, પણ કામ ધીમી
ગતિએ થઈ રહ્યું છે અને અધૂરું છોડી દેવાતાં હવે લોકો માટે મુસીબત બન્યું છે. તંત્ર
દ્વારા પગલાં ભરીને માર્ગનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ વિસ્તારવાસીઓ કરી
રહ્યા છે.