• બુધવાર, 04 માર્ચ, 2026

અંજારમાં લગ્ને-લગ્ને કુંવારા ઇશાકચંદ્રનો લગ્નોત્સવ ઊજવાયો

અંજાર, તા. 3 : કચ્છના ઐતિહાસિક શહેર મધ્યે 200 વર્ષથી વધુના સમયથી ચાલી આવતી હોળી-ધુળેટીનાં પર્વ નિમિત્તે શહેરના પનોતા પુત્ર ઇશાકચંદ્રના લગ્નોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. હોળાષ્ટકના પ્રારંભે શિવાજી રોડ પર આવેલ આશાપુરાનાં મંદિર પાસે વિધિવત રીતે માણેકસ્થંભની સ્થાપના બાદ આ તહેવારની ઉજવણી કરાય છે. શહેરના વિવિધ રસ્તાઓ પર આસોપાલવ અને શાકભાજીના તોરણ બાંધવામાં આવે છે. લગ્ને - લગ્ને કુંવારા ઇશાકચંદ્રના લગ્નોત્સવની જાનનો શહેરના ભીડ ચોક વિસ્તારમાંથી બપોર બાદ પ્રારંભ થાય છે. તે શહેરના મુખ્ય માર્ગો કંસારા બજાર, ગંગાનાકા, મચ્છીપીટ, મોહનરાયજી ચોકથી પસાર થઇને માણેક સ્થંભ પાસે પહોંચે છે. ત્યાં વિધિવત રીતે લગ્નોત્સવની ઉજવણી કરી લોકો એકબીજાને મીઠાઇ ખવડાવે છે અને રમૂજભર્યા ફટાણા, લગ્નગીત ગવાય છે. આ લગ્નોત્સવની ઉજવણીમાં ઢોલ-નગારા, બેન્ડપાર્ટી સાથે લોકો લાઠીદાવ, અંગ કસરતના વિવિધ દાવો કરતા હોય છે. આ નિમિત્તે સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રમાંથી નર્તકીઓ આ લગ્નોત્સવમાં ભાગ લેવા આવે છે. આ જાન લગ્નોત્સવની વિધિ બાદ શિવાજી રોડ, સોરઠિયા ફળિયાથી માધવરાયજી ચોક, કસ્ટમ ચોક, 12 મીટર રોડથી ગંગાનાકા મધ્યે ઉજવણી પૂરી થાય છે. આ લગ્નોત્સવમાં ભાગ લેવા શહેરના લોકો તેમજ બહારગામ વસતા લોકો ઉત્સાહભેર ઉપસ્થિત રહે છે. આ ઉજવણીનું સંચાલન સમિતિના દીપક સોલંકી, અજય પોમલ, અક્ષય ઠક્કર સહિતે કર્યું હતું. પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. 

Panchang

dd