• બુધવાર, 05 નવેમ્બર, 2025

સારા વક્તા અને સારા લેખક એક સાથે હોવું દુર્લભ

ડાકોર, તા. 3 : અહીં શ્રીમદ ભાગવત કથા દરમ્યાન લાભ પાંચમના દિવસે કથાના વક્તા ડો. ત્રિકાલદાસજી મહારાજ લિખિત પુસ્તક `ઉપનિષદના ઉપવનમાં'નું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે સ્વામી નિજાનંદજી બાપુએ જણાવ્યું હતું કે, સારા વક્તા અને સારા લેખકનું એક સાથે હોવું દુર્લભ હોય છે, પરંતુ ત્રિકાલદાસજી બાપુ એમાંના એક છે. તેમણે ઉપનિષદ વિશે પ્રમાણભૂત વાતો રજૂ કરી હતી. જી.પી.એસ.સી.ના પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ જોષીએ પુસ્તકના વિમોચન બદલ હર્ષની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઉપનિષદ જેવા ગહન વિષયના વિચારોને સરળ, સહજ અને રસીલી ભાષામાં આ પુસ્તકમાં વ્યક્ત કર્યા છે. ત્રિકાલદાસજીએ પુસ્તક નિર્માણકાર્યમાં સહાયરૂપ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. ઠક્કર ખેતશીભાઈ કેશવરામ પોપટ પરિવાર મૂળ વાવ હાલે સુરત દ્વારા આયોજિત આ ભાગવત કથામાં કચ્છમિત્ર દૈનિકની પૂર્તિમાં ત્રણ વર્ષ ચાલેલી `ઉપનિષદના ઉપવનમાં' નામથી આવતી કોલમના સંકલિત લેખોનાં આ પુસ્તકનું વિમોચન ગોતરકાના સ્વામી નિજાનંદ બાપુ, શ્રી જોશી, કથાના યજમાન પરિવારના નર્મદાબેન ખેતશીભાઈ પોપટ, હસમુખભાઈ, જયંતીભાઈ, વસંતભાઈ, અનિલભાઈ, કનુભાઈ તથા ડો. ત્રિકાલદાસજીના માતા શારદાબેન, રાપરના ડો. મઠ, ડો. રાહુલપ્રસાદ, સુરેન્દ્રનગરના ડો. જયેશભાઈ આચાર્ય, નટુભાઈ આચાર્ય, પ્રવીણભાઈ પોપટ, કુલદીપસિંહ જાડેજા, ઈશ્વરભાઈ પોપટ, બિપિનભાઈ રતાણી, સાગરભાઈ સાધુના હસ્તે કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, બાપુ દ્વારા પહેલું પુસ્તક રવિભાણ `સંપ્રદાયનો ઈતિહાસ લખાયું હતું.' જેનું વિમોચન મોરારિ બાપુની માનસ વ્રજવાણી કથામાં વ્યાસપીઠેથી કરાયું હતું તેમજ બીજું પુસ્તક `ચેત્યા તો જીત્યા નહીંતર હાર પાકી છે'નું વિમોચન સંપ્રદાય દરિયાસ્થાન મંદિર-રાપરથી કરાયું હતું. કથામાં ઉપસ્થિત સર્વે મહેમાનોને બાપુના હસ્તે પુસ્તક પ્રસાદીરૂપે અપાયું હતું. સંચાલન મુકેશ ઠક્કરે કર્યું હતું. 

Panchang

dd