• ગુરુવાર, 01 મે, 2025

માંડવીમાં જળભરાવના નિકાલ અર્થે કેનાલનાં કામનું ખાતમુહૂર્ત કરાયું : ઉકેલનો પ્રયાસ

માંડવી, તા. 15 : શહેરના વોર્ડ નંબર - 1માં આવેલાં માધવ નગર, મેઘમંગલ નગર તેમજ વલ્લભ નગર સોસાયટીઓમાં ચોમાસાં દરમિયાન જળભરાવ થતો હોઈ સમસ્યાના કાયમી ઉકેલ અર્થે માંડવી નગરપાલિકા દ્વારા 15મા નાણાપંચની વર્ષ 2020-2021ની ટાઈડ ગ્રાન્ટમાંથી રૂા.55. 89 લાખના ખર્ચે મોટર અને પાઈપ ખરીદી કરવાનો નિર્ણય લેવાયો હતો.   સદરહુ હેતુસર કેનાલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે કરાયું હતું. વરસાદી જળભરાવના નિકાલ માટે કેનાલ બનાવવામાં આવશે. માધવ નગરમાં શિશુ મંદિર પાછળ અને વલ્લભ નગર સોસાયટીમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કેનાલનાં કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.  તેમણે જણાવ્યું હતું કે, સંબંધિત વિસ્તારના રહેવાસીઓની કુદરતી સમસ્યાના ઉકેલ માટે પોતે અને નગરપાલિકાના અધ્યક્ષ હરેશભાઇ વિંઝોડાનાં નેતૃત્વ હેઠળની સુધરાઈ ટીમે સતત મનોમંથન કરી સુચારુ ઉકેલ લાવવાની દિશામાં પ્રયાસો કર્યા હતા. કુદરતી આફતના ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શહેરી વિકાસમંત્રી તેમજ જિલ્લા પ્રભારીમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. નગરપાલિકાના અધ્યક્ષ હરેશભાઈ વિંઝોડાએ જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિ સમયે વોર્ડ નંબર 1માં માધવ નગર, મેઘમંગલ નગર, વલ્લભ સોસાયટી, જય નગર, વિજય નગર તેમજ સત્સંગ આશ્રમ પાસેનો વિસ્તાર વરસાદી પાણીથી હંમેશાં પ્રભાવિત થતો હોવાથી સમસ્યા ઉકેલ માટે માધવ નગરમાં વરસાદી પાણીના નિકાલ માટે સંપ બનાવવામાં આવ્યા છે અને હવે રૂા. 37. 90 લાખના ખર્ચે કેનાલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ સાથે રૂા. 17. 99 લાખના ખર્ચે બે મોટર અને પાઈપલાઈન લગાડવામાં આવશે.    ઉપાધ્યક્ષા જ્યોત્સનાબેન સેંઘાણી, લાંતિક શાહ, રાજેશ કાનાણી, પારસ માલમ, દીપાબા જાડેજા, પારસ સંઘવી, પ્રેમજી કેરાઈ, નિમેષ દવે, વિજય ચૌહાણ ઉપરાંત રહેવાસીઓ દિનેશ કતિરા, પ્રકાશ ભાનુશાલી, ભરત ગાંધી, અક્ષય મહેતા, ડો. હર્ષદ ઉદ્દેશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ચાર્જ હેડ ક્લાર્ક મનજી પરમારનાં નેતૃત્વ હેઠળ હરેશ ગઢવી, ભૂપેન્દ્ર સલાટ, જયેશ ભેડા, રાજેશ ગોર, બલરામ વિંઝોડા, શિવરામગર ગુંસાઈ અને હાર્દિક ઠક્કર સહયોગી બન્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd