દયાપર (તા. લખપત), તા. 13 : લખપતના નજીક
આવેલા કાનેર (સાકરિયા) ગામની સરકારની માલિકીવાળી જમીનમાં કિંમતી વૃક્ષોની સોથ વાળી
કોલસા પ્રવૃત્તિ થતાં ગ્રામજનો રોષે ભરાયા છે. મામલતદારને આવેદનપત્ર આપી ગેરકાયદેસર
પ્રવૃત્તિઓ તાત્કાલીક બંધ કરાવવા માગણી કરાઇ છે. કાનેર ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું
હતું કે, લખપત નજીક કાનેરની સીમમાં કિંમતી વૃક્ષો,
બાવળ, બોરડી, પીલુ,
ખીજડો જેવા વૃક્ષો આવેલા છે. અભયારણ્ય નજીક જંગલ અધિનિયમ 1927 હેઠળ આ વૃક્ષો કપાઇ રહ્યા છે, તે યોગ્ય નથી. આડેધડ મોટા વિસ્તારમાં મશીનો
લગાવી વૃક્ષોનો સોથ વળાઇ રહ્યો છે. જંગલ સંરક્ષણ કાયદાનો ભંગ થઇ રહ્યો હોવાના આક્ષેપ
સાથે સરપંચને જાણ કરાતાં તેઓ કોઇ પણ જવાબ આપી શકયા નથી. ઉલ્લેખનીય છે કે, ગ્રામજનોની જાગૃતિનાં કારણે તાજેતરમાં રોજડાની શિકાર પ્રવૃત્તિ પકડાઇ હતી અને
હાલમાં કોલસા પ્રવૃત્તિ બેફામ બની છે. નાની કાંટાળી ઝાડી છોડી દેવાતાં તે પશુઓના પગમાં
વાગે છે તેમજ તેનાં કારણે આગના બનાવો બને છે, ત્યારે જવાબદારોનો
નામજોગ ઉલ્લેખ કરી સ્થાનિક પ્રશાસન અને જંગલ ખાતાં દ્વારા તાત્કાલિક પગલાં ભરાય તેવી
પત્રમાં માંગ કરાઇ છે.