• શુક્રવાર, 26 જુલાઈ, 2024

અંજારમાં યોગેશ્વર ચાર રસ્તાના વિકલ્પ માટે મંથન

અંજાર, તા. 9 : અહીંના યોગેશ્વર ચાર રસ્તા પાસે અકસ્માતમાં વિદ્યાર્થિનીના મોતના બનાવ બાદ વહીવટી અને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું, જેમાં આજે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ટ્રાન્સપોર્ટરો, અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ હતી અને યોગેશ્વર ચાર રસ્તાના વિકલ્પ માટે મંથન કરાયું હતું. અંજાર ડીવાયએસપી કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં યોગેશ્વર ચાર રસ્તાના વિકલ્પમાં કયા માર્ગ પરથી વાહન વ્યવહાર કાર્યરત કરવો, એ બાબતે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી, જેમાં નાગલપર બાયપાસ રોડ પર મેટલ કામ પૂર્ણ કરીને આ રોડને ભારે વાહનો માટે ચાલુ કરવાની શક્યતાની ચકાસણી કરાઇ હતી. તેમજ અહીંના યોગેશ્વર ચાર રસ્તા પાસેથી ખાલી ગાડી પસાર થવા અને વરસામેડીથી એરપોર્ટ ચાર રસ્તા બાજુથી ભારે વાહનો પસાર કરવા માટે ટ્રાન્સપોર્ટરો દ્વારા રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત એરપોર્ટ રોડ પર જાહેરનામું હોવાથી ટ્રાન્સપોર્ટરોને મીઠીરોહરથી અજાપર તરફથી જવું પડે છે, જેથી હજારો લીટર ઇંધણની નુકસાની થાય છે. આવા સંજોગોમાં કચ્છ જિલ્લા ડમ્પર ઓનર્સ વેલફેર એસો. ગાંધીધામ દ્વારા એરપોર્ટ રોડ પુન: શરૂ કરવા માંગ કરાઈ હતી. બેઠકમાં અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવ કોડરાણી તેમજ અન્ય સ્થાનિક અગ્રણીઓએ યોગેશ્વર પાસેથી ભારે વાહનોની અવર-જવર સદંતર બંધ કરવાની વાત ઉપર ભાર મૂક્યો હતો. જાહેરનામાને કારણે અજાપરથી મોડવદર માર્ગે ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો છે. પરિણામે પરિવહનકારોને ફેરો પડે છે, જેથી અનેક મુશ્કેલી પડે છે, ત્યારે કયા માર્ગ પરથી પસાર થવું, એ મુદ્દે ટ્રાન્સપોર્ટરોએ ચિંતા વ્યક્ત કરી હતી. ડીવાયએસપી મુકેશ ચૌધરીએ ટ્રાન્સપોર્ટ સંગઠનોને લેખિતમાં રજૂઆત કરવા જણાવ્યું હતું. માટિંગમાં અંજાર મામલતદાર રાહુલ ખાંભરા, માર્ગ અને મકાન વિભાગના પરાક્રમ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડેની શાહ, જિલ્લા ભાજપના અગ્રણી વસંત કોડરાણી તથા ભરત શાહ, પરિવહન એસો. ના શિવજીભાઈ આહીર સહિતના ટ્રાન્સપોર્ટરો હાજર રહ્યા હતા. - કચ્છમાં ટ્રાફિક સંબંધિત જાહેરનામાંની સદ્તંર ઉપેક્ષા! : અંજારના આજના આ કરુણ બનાવને પગલે અહીં એકત્ર જાગૃતોએ રોષ પ્રગટ કર્યો હતો કે, ભારે વાહનો માટે આ પ્રતિબંધિત હોવા છતાં બેરોકટોક અહીંથી ભારે વાહનો પસાર થાય છે. કલેકટરનાં જાહેરનામાંનો ભંગ થવા છતાં સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતાં નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, કલેકટર દ્વારા અનેક જાહેરનામાં જાહેર થાય છે. પરંતુ તેની અમલવારી ન થતી હોવાની ઠેર-ઠેરથી રાવ ઊઠી રહી છે. જિલ્લા મથક ભુજની ટ્રાફિક સમસ્યાને લઈને પણ વિવિધ દિશા-સૂચનના જાહેરનામાં છે પરંતુ તેની અમલવારી માટે આંખ આડા કાન થઈ રહ્યાનીય ફરિયાદો છે, જેમાં ખાસ કરીને જ્યુબિલી ગ્રાઉન્ડના મુખ્ય સર્કલ આસપાસથી ચારે તરફના માર્ગની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ વાહન ઊભાં ન રાખવાં અગાઉ જાહેરનામું બહાર પડયું છે, જેની આજદિન સુધી અમલવારી ટ્રાફિક પોલીસ દ્વારા કરાવાતી ન હોવાની ફરિયાદો પણ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. આ ઉપરાંત રિક્ષા, છકડા રિક્ષા અને ખાનગી દોડતી બસોમાં પણ મુસાફરો ભરવાના નિયમો સાથેના દિશા-નિર્દેશો છે, પણ તે અંગે કાર્યવાહી અહીં બિલકુલ દેખાતી નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang