નવી દિલ્હી, તા. 13 : પાકિસ્તાનના
લાહોરને પાછળ રાખી દઇને દિવાળી પછી શુક્રવારે દિલ્હી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર
બની ગયું હતું. રાજધાનીમાં આજે વાયુ ગુણવત્તા આંક 403 નોંધાયો
હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા અનુસાર, દિલ્હી યુનિવર્સિટીની આસપાસ વાયુ ગુણવત્તા આંક (એક્યુઆઇ) 478 રહ્યો
હતો. દેશના 18 શહેરમાં
સરેરાશ એક્યુઆઇ 301થી 400 વચ્ચે નોંધાયો હતો, જેમાં હરિયાણાના નવ, ઉત્તરપ્રદેશના પાંચ, રાજસ્થાન, પંજાબ અને તામિલનાડુના એક-એક શહેર સામેલ છે.
દિલ્હી-એનસીઆરમાં જમીનથી આકાશ સુધી લગભગ એક હજાર મીટર સુધી તીવ્ર પ્રદૂષણનું આવરણ ફેલાયું
હતું. હરિયાણાનાં 23 શહેરમાં હવાનું સ્તર ખરાબ અને ક્યાંક બહુ ખરાબની
શ્રેણીમાં રહ્યું હતું. બીજી તરફ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા જારી છે, જેની અસર હેઠળ
ઉત્તરપ્રદેશમાં રાતનાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો.