નવી દિલ્હી, તા. 28 : દેશમાં સગીરો
દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગમાં સલામતી માટે મહત્ત્વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર
સરકારને એક મોટું પગલું ભરવા માટે નિર્દેશ કર્યો છે. અદાલતે કેન્દ્ર સરકારને કહ્યું
છે કે, સોશિયલ મીડિયા કંપનીઓ માટે સગીરોના એકાઉન્ટ
સંબંધિત વર્તમાન વ્યવસ્થાને માત્ર ગાઇડલાઇન સુધી સીમિત રાખવામાં ન આવે બલ્કે તેને ભારતીય
કાયદા હેઠળ પ્રભાવી બનાવવામાં આવવા જોઈએ. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે,
સગીરો સાથે જોડાયેલા હાલના ભારતીય કાયદાઓનું પાલન સોશિયલ મીડિયા કંપનીઓએ
પણ કરવું પડશે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સોલિસીટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે,
સરકારે સોશિયલ મીડિયાથી બાળકોને થતાં નુકસાનની તપાસ કરવી જોઈએ. મહેતાએ
સ્વીકાર્યું હતું કે, આ મામલામાં કંઈક કરવું પડશે. અરજીમાં બાળકો
માટે ઈન્ટરનેટ પર પૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ હતી. તમામ સોશિયલ મીડિયા કંપનીઓને
એવો નિર્દેશ જારી કરવામાં આવે કે, 18 વર્ષથી ઓછી વયના સગીરો પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી
શકવા ન જોઈએ. માતા-પિતા અને વાલીઓની દેખરેખમાં એક નિર્ધારિત ઉંમર પછી જ એકાઉન્ટની મંજૂરી
આપવામાં આવે. હાલ વચગાળાના નિયમોમાં આવું કહેવામાં આવ્યું છે, પણ તેની અસરદાર ઢબે વ્યવસ્થા બનાવવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટ રાઇટ્સ ઓફ ચિલ્ડ્રન અલાયન્સની અરજી ઉપર સુનાવણી દરમિયાન સગીરોના
સોશિયલ મીડિયા ઉપયોગ માટે સુરક્ષા ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી. અરજદાર તરફથી વરિષ્ઠ
એડવોકેટ એચ.એસ. ફુલ્કાએ દલીલ કરી હતી કે, 18 વર્ષથી નાની વયનાં બાળકો સ્વતંત્ર રીતે કોઈ પણ કરારમાં સામેલ
થઈ શકે નહીં, પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના
નિયમો અને શરતોને સ્વીકાર કરીને એકાઉન્ટ બનાવી નાખે છે. સર્વોચ્ચ અદાલતે 18 વર્ષથી નાના લોકોના સ્વતંત્ર
રીતે સોશિયલ મીડિયા સાથે આવા કોઈ કોન્ટ્રાક્ટ કરવા ઉપર રોકની વ્યવસ્થાને વચગાળાના નિયમો
હેઠળ વૈધાનિક રૂપ આપવા અંગે વિચારવા કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો. અરજીમાં એવી પણ માગણી
કરવામાં આવેલી છે કે, સગીર બાળકોને
ડિજિટલ પ્લેટફોર્મથી સંપૂર્ણ અળગા કરવાના બદલે માતા-પિતા કે પાલકની સહમતી અને દેખરેખમાં
મર્યાદિત પહોંચ માટે વ્યવસ્થા બનવી જોઈએ. સુનાવણી દરમિયાન કોર્ટે એમ પણ જણાવ્યું હતું
કે, ભારતમાં કાર્યરત અનેક ડિજીટલ પ્લેટફોર્મ વિદેશોમાં રજિસ્ટર્ડ
છે. જેમાં અમેરિકાની કંપનીઓનો સમાવેશ થાય છે. કોર્ટે કહ્યું કે ભારતમાં કામ કરવા દરમિયાન
આ પ્લેટફોર્મ્સને ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશે.