• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

જ્ઞાનેશકુમાર સામે કોંગ્રેસના દેશભરમાં દેખાવો

નવી દિલ્હી, તા. 28 : દેશના ચૂંટણીપંચના વડા જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માંગ સાથે સોમવારે કોંગ્રેસે દેશભરમાં આક્રમક અંદાજ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં. ખાસ કરીને મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, ઉત્તરાખંડ, દિલ્હી, કેરળ તેમજ ગુજરાત મળીને 10 રાજ્યોમાં કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઊતરી પડયા હતા. ઉત્તરપ્રદેશના આગ્રામાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના ઘર પર કોંગ્રેસ કાર્યકરોએ `જ્ઞાનેશકુમાર ગદ્દાર, વોટચોર' એવું લખ્યું હતું. રાજસ્થાનના જયપુરમાં શહીદ સ્મારક પર સભા બાદ કોંગ્રેસ નેતાઓએ ચૂંટપીપંચ કચેરી સુધી પગપાળા રેલી કાઢી હતી. પોલીસે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરા સહિત કાર્યકરો પર પાણીનો મારો કર્યો હતો. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ચૂંટણીપંચ કાર્યાલયને ઘેરાવ કરવા ગયેલા કોંગ્રેસ કાર્યકરોને રોકતાં પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરી પડયા હતા. મહિલા કોંગ્રેસ કાર્યકરોએ વારાણસીમાં બંગડીઓ સાથે દેખાવો કર્યા હતા. કોંગ્રેસ મહામંત્રી જયરામ રમેશે આરોપ મૂકતાં કહ્યું હતું કે, દેશમાં લોકતંત્રની બહાલીનું પહેલું પગલું મુખ્ય ચૂંટણી કમિશનરનું રાજીનામું છે. બીજી તરફ કેન્દ્રીયમંત્રી અને ભાજપ નેતા જે.પી. નડ્ડાએ પલટવાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ અને ઈન્ડિ જોડાણ દેશની પ્રગતિથી હતાશ છે. વિપક્ષોના ઉપજાવી કઢાયેલા આરોપો વખતોવખત તથ્યની કસોટી પર ધ્વસ્ત થયા છે. ચૂંટણીપંચે આરોપો પર તથ્યો સ્પષ્ટ કરી દીધા છે. છતાં માહોલ બગાડવાની કોશિશ જારી છે તેવું નડ્ડાએ જણાવ્યું હતું. મધ્યપ્રદેશના ભોપાલમાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. છત્તીસગઢના દુર્ગમાં કાળાં કપડાં પહેરીને કોંગ્રેસે રેલી કાઢી હતી. ઉત્તરાખંડના દહેરાદૂનમાં પણ કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd