ભુજ, તા. 28 : અબડાસા તાલુકાના કોઠારા ગામે
વ્યાજખોર ભાઈઓ સામેની પોલીસની સઘન કાર્યવાહી ચાલુ જ છે, જેમાં તેના મળતિયા પાસેથી વધુ 54 લાખના સોનાં-ચાંદીના દાગીના
તથા 27 જેટલા દસ્તાવેજો અને પાંચ હિસાબી
નોટબુક મળી આવી છે. વ્યાજખોર ભાઈઓ ઓસમાણ હાજી મંધરા અને આમદ હાજી મંધરાની અટક બાદ પોલીસે
સર્ચ એન્ડ સીઝની કાર્યવાહી કરતાં આરોપીઓના કૌટુંબિક ભાઈ ઓસમાણ સાલેમામદ મંધરા (રહે.
રાયધણપર, તા. અબડાસા) પાસેથી 2.25 કરોડની રોકડ તથા દાગીના તેમજ
અનેક ચેકો તથા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આ બાદ આમદના સાળા રજાક ઓસમાણ સોતા
(રહે. સંજોનગર, ભુજ)ના ઘરે પણ એલસીબીએ
દરોડો પાડી ત્યાંથી રોકડા રૂા. 6.18 લાખ તેમજ 94,40,832ના સોનાં-ચાંદીના દાગીના તથા
વાહન વેચાણનો કરાર તેમજ એરગન મળી હતી. દરમ્યાન બન્ને ભાઈના રિમાન્ડ દરમ્યાન તેમના ભાગીદાર
નીલેશવન ગોસ્વામીનું નામ સામે આવ્યું હતું. નીલેશવન કોઠારામાં પાન-બીડીનો ગલ્લો ચલાવે
છે અને ગામ તથા આ વિસ્તારના લોકોને વ્યાજે રૂપિયાની જરૂર પડે તો તે અપાવતો હતો. આમદ
અને ઓસમાણ પરની પોલીસ કાર્યવાહીના પગલે નીલેશવન પોતા પાસેની આવી રોકડ તથા દાગીના અને
દસ્તાવેજો તથા બુક લઈને ગાડીથી માંડવી બાજુ છુપાવા જતો હતો ત્યારે કોઠારા પોલીસ તથા
એલસીબીએ તેનો પીછો કરી ડુમરા-લાયજા વચ્ચેથી કાર રોકાવી ઝડપી લીધો હતો. આ નીલેશવન દીપકવન
ગોસ્વામી (કોઠારા)ને ચોરી કે છળકપટથી મેળવેલા સોનાંનાં ઘરેણા 353.16 ગ્રામ કિં.રૂા. 52,46,768, ચાંદીના ઘરેણા 1038 ગ્રામ કિં.રૂા. 2,37,702, 27 અસલ દસ્તાવેજો, નાની-મોટી હિસાબી બુક નંગ-5, એક મોબાઈલ કિં.રૂા. 5000 અને વેગનઆર કાર કિં.રૂા. 50,000 એમ કુલ્લે રૂા. 55,39,470નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
આ કામગીરીમાં કોઠારાના પીઆઈ પી.કે. રાડા, હે.કો. દામજીભાઈ મારવાડા, એ.એસ.આઈ. અનિરુદ્ધસિંહ જાડેજા,
હે.કો. શક્તિસિંહ ગઢવી, પરવિન્દ્રસિંહ ચૌધરી અને
એલસીબીનો સ્ટાફ જોડાયો હતો.