ગાંધીધામ, તા. 28 : અહીંની એક ટ્રાન્સપોર્ટ કંપની
સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કંપનીના
માલિકને વિશ્વાસમાં લઇ કર્મચારીએ બેંક ખાતાંઓમાંથી તબક્કાવાર રીતે કુલ રૂા. 2,31,00,000ની રકમ સરકાવી લીધી હતી. છ
વર્ષ દરમ્યાન બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આદિપુરની
ગાયત્રી સોસાયટીમાં રહેનાર અશોક લાલસિંહ માથુર નામના વૃદ્ધએ આ બનાવ અગે પોલીસ મથકે
ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 1998માં હરિયાણાથી
આવેલા આ ફરિયાદીએ સોનીપત ગોહાના ફ્રેઇટ કેરિયર નામની ટ્રાન્સપોર્ટ કંપની ચાલુ કરી હતી.
જેની ઓફિસ છેલ્લા પાંચેક વર્ષથી આદિપુર આર્કેડ જવાહરનગરની સામે કાર્યરત છે. વર્ષ 2008માં ફરિયાદી પાસે ધર્મવીર હવાસિંહ
પવાર નામનો શખ્સ નોકરી માટે આવતાં ફરિયાદીએ તેને નોકરી પર રાખ્યો હતો. ધીમે ધીમે મીઠી
વાતો કરી આ શખ્સે કંપનીના માલિકનો વિશ્વાસ જીતી લીધો હતો, જેના કારણે વૃદ્ધએ પેઢી સંભાળવા માટે તેનો વિશ્વાસ
કર્યો હતો. બં બેંક ખાતા, તેના એ.ટી.એમ. આ શખ્સને આપી તેમાં મોબાઇલ નંબર પણ આ કર્મચારીના ઉમેરાયા હતા.
આ કર્મચારી ઓફિસ, ગાડીઓનું તમામ કામ સંભાળતો હતો. આ કર્મચારી
અહીં કામ કરતાં કરતાં પોતાનું રોનક કેરિયર નામનું ટ્રાન્સપોર્ટ પણ ચાલુ કર્યું હતું.
આ શખ્સે 2025માં રૂા.
પાંચ લાખ કોઇના ખાતાંમાં ટ્રાન્સફર કરતાં ફરિયાદીએ તે અંગે પૂછતાં પોતાના સાળાનો અકસ્માત
થયો હોવાથી તેના ખાતાંમાં ટ્રાન્સફર કર્યા હોવાનું તેણે શેઠને જણાવ્યું હતું. તેના
ઉપર શંકા જતાં ફરિયાદી તેના ઉપર દેખરેખ રાખવા લાગ્યા હતા. 2026 આવતાં ફરિયાદીને ધંધામાં લગાતાર
નુકસાની આવતી હોઇ તેમણે વર્ષ 2020થી 2026 જૂન મહિના સુધીનો હિસાબ તપાસ્યો
હતો. દરમ્યાન આ શખ્સે ફરિયાદીના બેંક ખાતાંમાંથી પોતાના જુદા જુદા ખાતાંઓમાં રૂા. 1,04,00,000 તેમની જાણ બહાર ટ્રાન્સફર કરી
લીધા હોવાનું બહાર આવ્યું હતું તેમજ બંને બેંક
ખાતાના એ.ટી.એમ. મારફતે તથા ફરિયાદીના સહી કરેલા ચેક મારફતે પણ તેની જાણ બહાર રૂા, 1,27,00,000 સેરવી લીધા હોવાનું બહાર આવ્યું હતું. ધર્મવીરને ઓફિસમાં બેસાડી
હિસાબ બાબતે પૂછતાં તેણે કોઇ જવાબ આપ્યો નહોતો. તે કંપનીના બંને મોબાઇલ છોડીને ચાલ્યો
ગયો હતો. બાદમાં વહેલી સવારે આરોપી ઓફિસમાં આવી ઓફિસના કાગળો પોતાની સાથે લઇ ગયો હતો.
રૂા. 2,31,00,000ની આ છેતરપિંડી, વિશ્વાસઘાતના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની
તપાસ હાથ ધરી છે.