ભુજ, તા. 28 : નીતનવા જૂઠાણા ફેલાવી દેશની
પ્રજાને ગેરમાર્ગે દોરવી એ કોંગ્રેસની માનસિકતા રહી છે. મતદારયાદીને શુદ્ધ અને ક્ષતિરહિત
બનાવવા માટે ચૂંટણીપંચે હાથ ધરેલી કામગીરી સામે સવાલ ઉઠાવી કોંગ્રેસે પોતાની નકારાત્મક
માનસિકતાને ઉજાગર કરી છે તેવું ભુજમાં કચ્છ
કમલમ્ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે કહ્યું હતું.
જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું કે, ચૂંટણીપંચની
આ પરદર્શિતાભરી કામગીરી પર લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી તેમજ અન્ય વિપક્ષી પાર્ટીઓએ
ગંભીર પ્રકારના આક્ષેપ કરી સમગ્ર દેશને ગુમરાહ કરવાનું કાર્ય કર્યું છે. જનાદેશ કોંગ્રેસની
તરફેણમાં આવે ત્યારે લોકશાહીની રીત અને જ્યારે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભાજપને જનાદેશ
મળે તો વોટચોરી, ઈવીએમ પર સવાલ ઉઠાવવા એ વિપક્ષી માનસિકતાને આખા
દેશની પ્રજા સુપેરે જાણી ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર તથા અન્ય બે સાથી ચૂંટણી કમિશનરોએ
એસઆઈઆરની કામગીરી દરમ્યાન તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયાનું સ્પષ્ટીકરણ કરી વિપક્ષના
તથ્યહીન આક્ષેપો પર પાણી ફેરવી દીધું છે. એસઆઈઆરની કામગીરીના કારણે દેશની મતદારયાદી
ક્ષતિરહિત બની છે આમ છતાં વિપક્ષો આ કામગીરી સામે જે રીતના પાયાવિહોણા આક્ષેપ કરી રહ્યા
છે તેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસને વિકાસની રાજનીતિના
બદલે વિવાદની રાજનીતિ કરવામાં વધુ રસ છે તેવું જિલ્લા ભાજપ પ્રદેશ પ્રમુખ દેવજીભાઈએ
કહ્યું હતું. કોંગ્રેસ પક્ષ પ્રજા વચ્ચે જઈને ઉઠાવી શકે તેવા કોઈ મુદ્દા તેમની પાસે
રહ્યા નથી ત્યારે ચૂંટણીપંચની પારદર્શિતા સામે ખોટા આક્ષેપ કરી કોંગ્રેસ પક્ષે દેશની લોકશાહી સામે પણ અણિયારા સવાલ ઉઠાવ્યા છે તે બિલકુલ
ગેરવાજબી છે. પત્રકાર પરિષદમાં
જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશ ખંડોર, ભીમજી જોધાણી, દીપક ડાંગર, મીડિયા
ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી, ચેતન કતિરા, સંજય મહેશ્વરી સહિત ઉપસ્થિત રહ્યા હતા.