• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

રાજકીય સંગ્રામ : બન્ને છાવણી સજ્જ થાય છે

ચૂંટણીપંચના મુખ્ય કમિશનરની કાર્યપ્રણાલી અને કાર્યવાહી અંગે ફરિયાદ અને વિવાદ શરૂ થયા પછી કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષોએ મુખ્ય કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવાની અને એમની સામે કાનૂની - સંસદીય કાર્યવાહી કરવાની હિલચાલ શરૂ કરી હતી, પણ મુખ્ય કમિશનરે પત્રકાર પરિષદ બોલાવીને તમામ ફરિયાદો - આક્ષેપો નકાર્યા અને કેટલાક સુધારા કરવાની ખાતરી આપી, તે પછી ભાજપે વિરોધ પક્ષો સામે આક્રમક વલણ લીધું છે. બન્ને છાવણીઓ લડાયક મિજાજમાં છે. ફરિયાદો - આક્ષેપો થતા હતા, ત્યારે ભાજપી નેતા ચિરાગ પાસવાને નિવેદન કર્યું કે, જ્ઞાનેશકુમારે સ્પષ્ટતા કરવી જોઈએ. આ નિવેદનની એવી અસર પડી કે, સરકાર - અર્થાત્ ભાજપ ભીંસમાં છે અને સંરક્ષણાત્મક છે, પણ પંચની ત્રિમૂર્તિએ સંયુક્ત પ્રેસ પરિષદમાં ઉપસ્થિત રહીને `એકતા' પ્રદર્શિત કર્યા પછી ભાજપે તેના તમામ મુખ્ય પ્રધાનોને મેદાનમાં ઊભા કરી દીધા અને કોંગ્રેસ ઉપર વળતા હુમલા કર્યા - દેશમાં ચૂંટણી પ્રક્રિયામાં અવિશ્વાસ જગાવવાના અને અરાજકતા સર્જવાના પ્રયાસ થતા હોવાનો વળતો - જવાબી આક્ષેપ થયો છે. વોટચોરી નથી, પણ વિપક્ષી નેતાનું દિમાગ ચોરાઈ ગયું છે એવી ટકોર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી છે. શાસક પક્ષના સાથીપક્ષોએ વળતો હુમલો શરૂ કર્યા પછી વિપક્ષોનો આક્રમક જુસ્સો જળવાઈ રહે અને એકતા બતાવી શકાય તે માટે પ્રયાસ શરૂ થયા છે. આવતીકાલે - બુધવારે કોંગ્રેસ કારોબારીની બેઠકમાં રણનીતિની ચર્ચા થશે અને તે પછી 30મી તારીખે - બુધવારે ઇન્ડિ મોરચાના તમામ નેતાઓ આક્રમણનો નિર્ણય કરશે. મુખ્ય કમિશનર પદેથી જ્ઞાનેશકુમારને પદભ્રષ્ટ કરવાના પ્રસ્તાવને વિપક્ષો એકીઅવાજે સમર્થન આપશે, જેથી લોકસભાના સ્પીકરે પ્રસ્તાવ દાખલ કરવો પડશે. આ સાથે જો રાજ્યોમાં મતદારોની નામાવલિની ફેરતપાસ થઈ રહી છે તે રોકી દેવામાં આવે એવી માગણી પણ કરવામાં આવશે. લોકસભામાં આવી અવિશ્વાસની દરખાસ્ત આવે, હો-હા થાય ત્યારે વિપક્ષો દેશભરમાં દેખાવો યોજીને જ્ઞાનેશકુમારને સજા કરવાની માગણી કરતા પોસ્ટરો અને ભાષણો કરશે. ચૂંટણીપંચ સામે અવિશ્વાસ જગાવીને બહિષ્કાર કરવાનો પ્રચાર આગામી રાજ્યોની ચૂંટણીમાં કામિયાબ નીવડશે એવો વિશ્વાસ વિપક્ષી નેતાઓને છે. વિપક્ષોની બેઠકમાં આમ આદમી અને તામિલનાડુની ડીએમકે પાર્ટી નહીં જોડાય, પણ વિપક્ષી બેઠક પછી જે સંયુક્ત નિવેદન બહાર પડે તેના ઉપર મંજૂરીની સહી કરશે. આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર સામે કોંગ્રેસ મેદાનમાં છે, તેથી વિપક્ષી એકતા બેઠકમાં સાથે બેસી શકાય નહીં. તામિલનાડુમાં કોંગ્રેસે ડીએમકેનો હાથ - સાથ છોડયા પછી લોકસભામાં પણ અલગ બેસે છે, પણ હવે વિપક્ષની એકતા બતાવવી છે. ચૂંટણીપંચમાં અવિશ્વાસ વ્યક્ત કરવો છે તેથી સંયુક્ત નિવેદન ઉપર સહી કરશે. છાશ લેવા જવું છે, પણ `દોણી' સંતાડવી છે! શાસક પક્ષો પણ તૈયારી કરી રહ્યા છે. ચૂંટણીપંચના મુખ્ય કમિશનરને પદભ્રષ્ટ કરવાની માગણી કરતો ઠરાવ આખરે નામંજૂર થાય તો પણ ચર્ચા દરમિયાન વિરોધી નેતાઓ તમામ આક્ષેપોનું પુનરાવર્તન કરી શકે છે અને સંસદનાં માધ્યમથી સમગ્ર દેશમાં પ્રચાર કરી શકે છે. અલબત્ત, શાસક પક્ષો અને ગૃહપ્રધાન અમિત શાહ તમામ મુદ્દાઓના જવાબ આપશે. વિપક્ષોનો પ્લાન રાષ્ટ્રપતિજીને મળીને રજૂઆત - ફરિયાદ કરવાનો પણ છે, જેથી દેશભરમાં લોકો સુધી એમની વાત પહોંચે. આગામી દિવસો હવે રાજકીય સંઘર્ષ રાજકીય મહાભારતના છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd