નવી દિલ્હી, તા. 28 : ટ્રાફિક દંડની
વસૂલાત અંગે અધિકારીઓ દ્વારા નક્કર પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકતાં સુપ્રીમ કોર્ટે
સૂચન કર્યું હતું કે, જો લોકો ટ્રાફિક
દંડ ન ભરતા હોય તો વસૂલાત માટે દંડની રકમને વીજબિલ જેવા અન્ય સરકારી લેણાં સાથે જોડવા
જેવી પદ્ધતિ પર વિચાર કરી શકાય. જો કે, તેના અમલીકરણ માટે કોઈ
આદેશ જારી કરવામાં આવ્યો નથી. અદાલતે નિર્દેશ આપ્યો કે વાહનોની રેન્ડમ તપાસ કરવામાં
આવે અને જો ઈ-ચલણની રકમ ચૂકવવામાં ન આવી હોય, તો જરૂર જણાય તો
વાહન જપ્ત કરવામાં આવે. એક મીડિયા હેવાલ મુજબ, સુનાવણી દરમિયાન
જસ્ટિસ જે.બી. પારડીવાલાએ સૂચન કર્યું હતું કે, દંડની રકમને વીજળીના
બિલ જેવા અન્ય સરકારી લેણાં સાથે જોડવા જેવી પદ્ધતિઓ પર વિચાર કરી શકાય છે. કેમ કે,
માત્ર ઈ-ચલણ જારી કરવાથી કામ પૂરું થતું નથી. પોલીસ હજારો કે લાખોની
સંખ્યામાં ઈ-ચલણ જારી કરી શકે છે, પરંતુ વાસ્તવિક સમસ્યા તેના
દ્વારા લાદવામાં આવેલા દંડની વસૂલાતની છે. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે,
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઈ-ચલણ પેટે અંદાજે 45,000 કરોડની વસૂલાત કરવાની બાકી
છે, જેમાંથી અત્યાર સુધીમાં લગભગ 25,000 કરોડની વસૂલાત થઈ ચૂકી છે.
ન્યાયમૂર્તિ પારડીવાલાએ જણાવ્યું હતું કે, અધિકારીઓએ વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવી જોઈએ. તેમણે
સૂચન કર્યું હતું કે, જે વાહનોના ચલણ બાકી હોય, તેવા વાહનો માટે રજિસ્ટ્રેશન પ્રમાણપત્રના નવીનીકરણને અટકાવવા અને ડુપ્લિકેટ
પ્રમાણપત્ર જારી કરવા જેવા પગલાં લઈ શકાય છે. અદાલતે વધુમાં કહ્યું હતું કે,
જ્યાં સુધી ચલણની રકમ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી વાહન માટે ફિટનેસ પ્રમાણપત્ર
જારી કરાય નહીં. આ ઉપરાંત, `પરિવહન' પોર્ટલ
પર આવા વાહનોને બ્લેકલિસ્ટ કરવા અને ડ્રાઇવિંગ લાયસન્સના નવીનીકરણને અટકાવવા જેવા પગલાં
પણ લઈ શકાય છે. આ ઉપરાંત, હાલના ડ્રાઇવિંગ લાયસન્સ સ્થગિત કરવા
અને વાહનો માટે પીયુસી પ્રમાણપત્રો જારી કરવાનું અટકાવવા જેવા પગલાં પણ વિચારણા માટે
સૂચવવામાં આવ્યા હતા.