• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

મેસ્સીનો વધુ એક જાદૂઇ ગોલ છતાં ઇન્ટર મિયામીનો પરાજય

નવી દિલ્હી, તા.28: મેજર લીગ સોકરના રેગ્યુલર સિઝનના મુકાબલામાં ઇન્ટર મિયામીના કેપ્ટન અને ફૂટબોલ જગતના દિગ્ગજ લિયોનેલ મેસ્સીએ શાનદાર ફ્રી-કિક ફટકારીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જોકે, તેમના આ જાદુઈ ગોલ છતાં ઇન્ટર મિયામીએ પોતાના હોમ ગ્રાઉન્ડ પર કોલંબસ ક્રૂ સામે 1-2થી નિરાશાજનક હારનો સામનો કરવો પડયો હતો. સ્કોટ્સ મિરેકલ-ગ્રો ફિલ્ડ ખાતે રમાયેલી આ મેચની શરૂઆતમાં જ કોલંબસ ક્રૂએ આક્રમક રમત દાખવી હતી. મેચની 28મી મિનિટે તેમને મળેલી પેનલ્ટીને ગોલમાં ફેરવીને કોલંબસ ક્રૂએ 1-0 ની સરસાઈ મેળવી લીધી હતી પરંતુ, ચેમ્પિયન ટીમની માફક ઇન્ટર મિયામીએ માત્ર પાંચ મિનિટ બાદ જ વળતો પ્રહાર કર્યો હતો. મેદાનના જમણા છેડેથી મુશ્કેલ એંગલ પરથી મળેલી ફ્રી-કિકને મેસ્સીએ સીધી ગોલ પોસ્ટમાં ધકેલીને સ્કોર 1-1 થી બરાબર કરી દીધો હતો. મેસ્સીનો આ કિક એટલી સચોટ અને અદભુત હતી કે તેના સાથી ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત રહી ગયા હતા. છેલ્લી મિનિટોમાં બંને ટીમો જીત માટે મરણિયા પ્રયાસો કરી રહી હતી. ત્યારે સ્ટોપેજ ટાઈમમાં કોલંબસ ક્રૂએ નિર્ણાયક ગોલ ફટકારીને 2-1 થી જીત મેળવી હતી. આ હાર છતાં ચાલુ સીઝનમાં ઇન્ટર મિયામીનું પ્રદર્શન એકંદરે મજબૂત રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં 12 જીત, 5 હાર અને 10 ડ્રો સાથે ટીમે કુલ 46 પોઈન્ટ્સ મેળવ્યા છે અને તે ઈસ્ટર્ન કોન્ફરન્સના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને અકબંધ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd