ગાંધીધામ, તા. 28 : અંજાર તાલુકાના ભીમાસરના કોળીવાસમાં
બાવળની ઝાડીમાંથી પોલીસે રૂા. 23,142ના દારૂ સાથે
શખ્સને પકડી પાડયો હતો. તેનો ભાગીદાર તથા દારૂ આપનારો હાથમાં આવ્યો ન હતો. જૂના ગામ
ભીમાસર કોળીવાસમાં વિજય ધરમશી કોળીના ઘર પાછળ બાવળની ઝાડીમાં વિજય તથા મહેતાપસિંહ ભૂરસિંહ
ભાટી નામના શખ્સો દારૂ વેચતા હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો.
આ જગ્યાએ દારૂ વેચતા વિજય કોળીને પકડી લેવાયો હતો. તેની પાસેથી ગ્રીન લેબલ 180 મિ.લી.ના 164 ક્વાર્ટરિયા કિંમત રૂા. 23,124નો દારૂ જપ્ત કરાયો હતો. તેનો
ભાગીદાર મહેતાપસિંહ હાજર મળ્યો ન હતો. મહેતાપના કહેવાથી આ દારૂનો જથ્થો કાના વેલા બઢિયા
નામનો શખ્સ આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. હાથમાં ન આવેલા આ બંને શખ્સોને પકડી
પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.