ઓનલાઈન આર્થિક વ્યવહારો માટે યુપીઆઈ પદ્ધતિનો ઉપયોગ કરતા લોકો
અને વેપારીઓમાં વધી રહેલી નારાજગી હવે ગુસ્સામાં પરિવર્તિત થઈ રહી છે. શરૂઆતમાં લોકોએ
જે વિરોધ નોંધાવ્યો તે હવે આંદોલનમાં બદલાવવાની તૈયારી છે. 2 ઓક્ટોબરે `નો યુપીઆઈ ડે'ની જાહેરાત વેપારી સંગઠનોએ કરી છે. એક પ્રકારનું
અસહકાર આંદોલન કે સવિનય કાનૂન ભંગ તેને કહી શકાય. પૂર્ણ સંભાવના છે કે, નાનામાં નાના વેપારીથી માંડીને ઓનલાઈન વ્યાપાર કરનારા તમામ વર્ગનો ટેકો આ આંદોલનને
મળશે. સરકારે આ અંગે પુન: વિચાર કરવો રહ્યો. કારણ કે, હવે આ ઓનલાઈન
વ્યવહાર સામાન્ય બની રહ્યા છે. યુપીઆઈ દ્વારા થતા ચૂકવણાનો મુદ્દો સતત ચર્ચામાં છે.
રૂા. 2000થી વધારે રકમના યુપીઆઈ વ્યવહાર
ઉપર 0.4 ટકા ફી વસૂલાશે તેવું જાહેર
થયું છે. આજના સમયમાં 2000 રૂપિયાની
લેવડ-દેવડ તો સામાન્ય છે. કોઈ પણ આર્થિક વ્યવહાર વેપારી કરે કે, તેમણે સરકારને કોઈ ચોક્કસ રકમ ચૂકવવાની થાય
તો તેનો બોજ છેલ્લે તો પ્રજા ઉપર જ આવે. આ કિસ્સામાં પણ એવું થશે, હજી તો સરકાર યુપીઆઈ વ્યવહારો ઉપર 18 ટકા જીએસટીનો અમલ કરવાનું પણ વિચારી રહી છે. આ સ્થિતિમાં ઓનલાઈન
આર્થિક વ્યવહાર મોંઘા થશે. દેશના વેપારી સંગઠનોએ
હવે તેનો ઉગ્ર વિરોધ કરવાનું શરૂ કર્યું છે. દેશભરના વેપારીઓ 2 ઓક્ટોબરે કોઈ પણ રકમ યુપીઆઈ દ્વારા સ્વીકારશે
નહીં તેઓ ક્યુઆર કોડ, સ્કેનર જેવા
ડિજિટલ ચૂકવણાના ઉપકરણોને કાળા કપડાથી ઢાંકી દેશે. ગુજરાતના વેપારીઓએ પણ આ વિરોધમાં
જોડાવાનું નક્કી કર્યું છે. સામાન્ય માણસો પણ આ આંદોલનને ટેકો આપે તો નવાઈ નહીં,
કારણ કે, આખરે તો તેમણે આ ચાર્જ ચૂકવવાનો થશે.
2016માં નોટબંધીનો અમલ થયો ત્યારથી
ડિજિટલ ચૂકવણા માટે સરકારે લોકોને પ્રોત્સાહિત કર્યા અને ગેરરીતિઓ ઘટાડવા આ પ્રકારે
આર્થિક વ્યવહાર કરવા તેઓએ અનુરોધ કર્યો. જનતા માટે પણ આ પદ્ધતિ સરળ બની. આજે પાણીપુરીના
વેપારી કે શાકની લારી ચલાવતા ફેરિયા પાસે પણ ઓનલાઈન પૈસા સ્વીકારવાની સગવડ છે. ફરસાણના
વેપારી પણ આ પ્રકારે વ્યવહાર કરે છે. લોકોને જ્યારે હવે આ ચૂકવણાની ટેવ પડી ગઈ છે ત્યારે
આ પ્રકારની જોગવાઈ તેમના માટે થોડી નારાજગી ઊભી કરે તે સ્વાભાવિક છે. ડિજિટલ ઈન્ડિયા તરફથી લોકો પાછા રોકડ વ્યવહાર તરફ
ન વળે તે પણ જોવું જોશે. આંદોલન ઉગ્ર બને તે પહેલાં આ અંગે ફરી વિચારણા થવી જોઈએ.