હૃષિકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 28 : ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં
કરોડરજ્જુ સમાન સૂક્ષ્મ, નાના અને મધ્યમ
ઉદ્યોગોને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026 હેઠળ ખજખઊ માટે સહાયની નવી
યોજના-ઠરાવ જાહેર કર્યો છે, જે મુજબ પહેલી
જૂન, 2026થી અમલમાં આવેલી આ યોજના પાંચ
વર્ષ એટલે કે, 31મી મે, 2031 સુધી અમલમાં રહેશે. નવી વ્યવસ્થાનો
વ્યાપ માત્ર મૂડી સહાય પૂરતો સીમિત નથી. ઉદ્યોગોને વ્યાજમાં રાહત, વીજદર સહાય, કર્મચારી
ભવિષ્યનિધિની ભરપાઈ, ગુણવત્તા પ્રમાણપત્ર, શૂન્ય ખામી-શૂન્ય અસર પ્રમાણપત્ર, માહિતી-પ્રસારણ ટેક્નોલોજી,
નવી ટેક્નોલોજી મેળવવા, પેટન્ટ નોંધણી,
ઊર્જા-પાણી બચત, મૂડી ઊભી કરવા, વીજજોડાણ અને ભાડા જેવી વિવિધ સહાય સાથે જોડવામાં આવ્યો છે. આ ઠરાવ કે નવી
નીતિનો સૌથી મોટો સંદેશ એ છે કે, ખજખઊને માત્ર સહાય મેળવનાર એકમ
તરીકે નહીં, પરંતુ ભવિષ્યમાં મોટા ઉદ્યોગોમાં વિકસે તેવા ઔદ્યોગિક
એકમ તરીકે જોવામાં આવ્યો છે. સરકારના ઠરાવમાં ખજખઊને મોટા ઉદ્યોગોની પુરવઠા સાંકળ,
સેવા અને ટેકનોલોજીના સહયોગી તરીકે વિકસાવવા, દેશ-વિદેશની
બજાર સાંકળ સાથે જોડવા અને ટેકનોલોજી અપનાવવા પર ભાર મુકાયો છે, એટલે કે, આ યોજના પરંપરાગત સબસિડી માળખાંથી આગળ વધીને
ખજખઊના સમગ્ર વિકાસચક્રને આવરી લેવાનો પ્રયાસ કરે છે. આ યોજના હેઠળ ખજખઊની પાત્રતા
પ્લાન્ટ અને મશીનરીમાં કરવામાં આવેલા કુલ સ્થિર મૂડીરોકાણના આધારે નક્કી થશે. માઇક્રો
ઉદ્યોગ માટે મર્યાદા રૂા. 2.50 કરોડ સુધી, સ્મોલ
ઉદ્યોગ માટે રૂા.2.50 કરોડથી વધુ
અને રૂા. 25 કરોડ સુધી તથા મીડિયમ ઉદ્યોગ
માટે રૂા. 25 કરોડથી વધુ અને રૂા. 125 કરોડ સુધી રાખવામાં આવી છે.
આ ગણતરી ભારતભરમાં એકમ દ્વારા ધરાવાતા પ્લાન્ટ અને મશીનરીનાં રોકાણને ધ્યાનમાં રાખીને
કરવામાં આવશે. અહીં એક મહત્ત્વની જોગવાઈ એ પણ છે કે,
પાત્ર સ્થિર મૂડીરોકાણ માટે પહેલી જાન્યુઆરી, 2026થી સંપાદિત અને ચૂકવાયેલી સંપત્તિને
ધ્યાનમાં લેવામાં આવશે, એટલે કે,
નીતિ અમલમાં આવ્યા પહેલાંના કેટલાક પાત્ર રોકાણને પણ તેની જોગવાઈ હેઠળ
સ્થાન મળી શકે છે. વિવિધ ક્ષેત્રોને સહાય-પ્રોત્સાહન માટે કેટેગરી-એ અને કેટેગરી-બી નક્કી કરાઈ છે. જે મુજબ
સામાન્ય ક્ષેત્રોમાં (1) કેટેગરી-એના
વિસ્તારોમાં પાત્ર સ્થિર મૂડીરોકાણના મહત્તમ 45 ટકા સુધી સંયુક્ત પ્રોત્સાહનની જોગવાઈ છે, જ્યારે (2) કેટેગરી-બીમાં આ મર્યાદા 35 ટકા છે. આને સીધી રોકડ સબસિડી
તરીકે સમજવાની નહીં, પરંતુ મૂડી
સહાય, વ્યાજ સહાય અને વીજદર સહાય જેવા વિવિધ ઘટકોની સંયુક્ત મહત્તમ
મર્યાદા તરીકે જોવાની રહેશે. કેટેગરી-એમાં માઇક્રો ઉદ્યોગને 35 ટકા સુધી મૂડી સહાય, જ્યારે સ્મોલ અને મીડિયમ ઉદ્યોગોને 35 ટકા સુધી મૂડી સહાય પાંચ વર્ષમાં
આપવામાં આવી શકે છે. ટર્મ લોન પર એક ટકા વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી અને પાત્ર ઊBિઍઈંના 10 ટકા સુધી છે. વીજદર સહાય પ્રતિ એકમ રૂા. બે, પાંચ વર્ષ સુધી અને ઊBિઍઈંના 25 ટકા સુધી છે, જ્યારે કેટેગરી-બીમાં મૂડી સહાય માઇક્રો માટે 25 ટકા અને સ્મોલ-મીડિયમ માટે
25 ટકા સુધી છે. વ્યાજ સહાય એક
ટકા અને વીજદર સહાય પ્રતિ એકમ રૂા. 1 છે. મહિલા ઉદ્યોગસાહસિકો,
નોંધાયેલા ઉત્પાદન ક્ષેત્રના નવા ઉદ્યોગો અને પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોને
નિર્ધારિત કુલ મર્યાદાની અંદર વધારાની એક ટકા વ્યાજ સહાય પણ મળી શકે છે. નવી નીતિ-ઠરાવ
મુજબ, વીજદરને પણ ઉત્પાદન ખર્ચના મહત્ત્વના ઘટક તરીકે ધ્યાનમાં
લેવામાં આવ્યો છે. પાત્ર વીજ વપરાશ માટે નિર્ધારિત દરે પાંચ વર્ષ સુધી સહાય મળી શકે
છે. નવીનીકરણીય ઊર્જાનો પણ નિર્ધારિત શરતો હેઠળ સમાવેશ છે, જો
કે, કેપ્ટિવ ઉપયોગ માટે મર્યાદા છે. સરકારી પ્રોત્સાહન મેળવતા ઉદ્યોગો માટે સ્થાનિક
રોજગારની શરત પણ મહત્ત્વપૂર્ણ છે. એકમના કુલ કર્મચારીઓમાંથી ઓછામાં ઓછા 85 ટકા કર્મચારીઓ ગુજરાતમાં વસવાટ
કરતા હોવા જોઈએ. વ્યવસ્થાપકીય અને દેખરેખના પદો પર કાર્યરત કર્મચારીઓમાં પણ ઓછામાં
ઓછા 60 ટકા ગુજરાતના રહેવાસી હોવા
જરૂરી છે. આમ, ઉદ્યોગને મળતી સહાય સાથે
સ્થાનિક રોજગાર સર્જનને પણ નીતિ સાથે સીધું જોડવામાં આવ્યું છે. નવી નીતિનો સૌથી આધુનિક
ભાગ ટેક્નોલોજી આધારિત સહાય છે. માહિતી-પ્રસારણ ટેક્નોલોજી, વાદળ
આધારિત તકનીકી માળખું, ઉદ્યોગ-4.0 અને કૃત્રિમ બુદ્ધિ સંબંધિત
ટેક્નોલોજી માટે પાત્ર મૂડીખર્ચના 65 ટકા સુધી, મહત્તમ
રૂા. 5 લાખની સહાયની જોગવાઈ કરાઈ છે. આ નવી નીતિમાં
સ્પષ્ટ કરી દેવાયું છે કે, ઊર્જા અને
પાણીના વપરાશમાં ઘટાડો કરનાર ખજખઊ માટે પણ અલગ જોગવાઈ કરાઈ છે. માન્ય સંસ્થા અથવા સલાહકાર
દ્વારા ઊર્જા-પાણી ઓડિટના ખર્ચના 75 ટકા સુધી, મહત્તમ
રૂા. 50 હજારની સહાય છે. ઓડિટના આધારે
સૂચવાયેલા સાધનો સ્થાપિત કરવા માટે ખર્ચના 25 ટકા સુધી, મહત્તમ
રૂા. 20 લાખની એક વખતની સહાય મળી શકે
છે. તેના માટે અગાઉના 12 મહિનાની સરેરાશ
માસિક વપરાશની સરખામણીમાં ઓછામાં ઓછા 10 ટકા બચતની શરત છે. નવી નીતિમાં ચાર ક્ષેત્રોને પસંદગીના પ્રોત્સાહન
ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યા છે, જેમાં
રમતગમતની સામગ્રી અને સાધનોનું ઉત્પાદન, ફૂટવેર ઉત્પાદન,
રોબોટ ઉત્પાદન અને ડ્રોન ઉત્પાદનનો સમાવેશ કરાયો છે. હવે, ભવિષ્યમાં સરકાર અન્ય ક્ષેત્રોને પણ આ યાદીમાં ઉમેરી શકશે. આ પસંદગીના ક્ષેત્રોમાં
સામાન્ય ક્ષેત્ર કરતાં સંયુક્ત પ્રોત્સાહનની મહત્તમ મર્યાદા વધુ છે. યોજનામાં અરજી
પ્રક્રિયા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. વ્યાપારી ઉત્પાદન શરૂ થયા
પછી પાત્રતા પ્રમાણપત્ર માટે નિર્ધારિત સમયગાળામાં અરજી કરવી જરૂરી છે. મોડેથી અરજી
થાય તો નિર્ધારિત પરિસ્થિતિમાં પ્રોત્સાહનનો સમયગાળો અને પાત્ર પ્રોત્સાહનની રકમ પ્રમાણસર
ઘટી શકે છે. પહેલી જૂન, 2026 પહેલાં વ્યાપારી
ઉત્પાદન શરૂ કરનાર એકમો અગાઉની યોજના હેઠળ જ રહેશે. અન્ય પાત્ર એકમોને નિર્ધારિત શરતો
હેઠળ જૂની અથવા નવી યોજનામાંથી પસંદગી કરવાની તક આપવામાં આવી છે, પરંતુ આ પસંદગી માટે છ મહિનાની સમયમર્યાદા છે
અને એકવાર પસંદગી કર્યા પછી તે અંતિમ રહેશે. અગાઉની યોજના હેઠળ લાભ મેળવવા માટે પણ
નક્કી કરેલી સમયમર્યાદામાં વ્યાપારી ઉત્પાદન શરૂ કરવું જરૂરી છે.