ભોપાલ, તા. 28 : મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સિંહસ્થ-2028 માટેના રોડ વાઈડાનિંગ (સડક
પહોળીકરણ) પ્રોજેક્ટના રસ્તામાં આવી રહેલી શાહી મસ્જિદનો એક ભાગ પાડવાની યોજનાને લઈને
મોટો વિવાદ થઈ ગયો છે. મસ્જિદ પાસે એકઠા થયેલા લોકોની ભારે ભીડ અને પોલીસ વચ્ચે ઉગ્ર
ઝઘડો અને ઘર્ષણ જોવા મળ્યું છે. પથ્થરમારા જેવી ઘટના બાદ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે
પોલીસે ટિયર ગેસના ગોળા છોડ્યા છે. આ વિસ્તારમાં સુરક્ષા માટે ભારે પોલીસ બળ તૈનાત
કરવામાં આવ્યું છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને સંભાળવામાં
લાગેલા છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 10 લોકો સામે એફઆઈઆર દાખલ કરી હતી જેમાંથી પાંચ તો સોશિયલ મીડિયાના
ઈન્ફ્લુએન્સર હોવાની જાણકારી સામે આવી છે. તેમના પર શાંત વાતાવરણને ડહોળવાનો પ્રયાસ
કર્યાનો આરોપ લાગ્યો છે. જો કે અન્ય પાંચ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. માહિતી
અનુસાર મુસ્લિમ સમાજના લોકોએ જાતે જ મસ્જિદનો
હિસ્સો તોડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, રાત્રે પોલીસ પ્રશાસન સાથે થયેલી સમજૂતી બાદ
મુસ્લિમ સમુદાયના લોકો આજે જાતે જ મસ્જિદનો ભાગ હટાવવા માટે તૈયાર થઈ ગયા હતા. પરંતુ
બાદમાં તેમણે તેનો વિરોધ કરીને મસ્જિદ હટાવવાનો ઇન્કાર કરી દીધો હતો. મધ્યપ્રદેશના
મુખ્યમંત્રી ડો. મોહન યાદવે રવિવારે અબ્દાલપુરા સ્થિત પોતાના પૈતૃક મકાન પોતાના હસ્તે
તોડીને સિંહસ્થ-2028 માટેના સડક
પહોળીકરણનાં કામની શરૂઆત કરાવી હતી. ખજૂરવાળી મસ્જિદથી જીવાજીગંજ પોલીસ સ્ટેશન સુધીના
આ રસ્તાને 32 ફૂટ પહોળો કરવામાં આવનાર છે.